Vadodara

રણોલી બ્રિજ પાસે ટ્રકના પૈડાં માથે ફરી વળતા બાઈક સવારનું મોત

વડોદરા : વડોદરા શહેર નજીક રણોલી ખાતે ટ્રક રિવર્સ લેતા સમયે ટ્રકના તોતિંગ પૈડાં બાઈક સવાર પર ફરી વળતા બાઈક સવારનું ઘટનાસ્થળેજ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.જોકે પોલીસે સમગ્ર મામલે ગુનો દાખલ કરી ફરાર થઈ ગયેલા ટ્રક ચાલકની શોધખોળ હાથધરી છે. વડોદરા શહેર અને જીલ્લામાં માર્ગ અકસ્માતોમાં વધારો થઈ રહ્યો છે.દરમિયાન શુક્રવારે રણોલી ખાતે ટ્રક નીચે આવી જતા એક બાઈક સવારનું ઘટના સ્થળે મોત થયું હતું.સર્જાયેલા આ અકસ્માતમાં ટ્રક ચાલક અકસ્માત સર્જી ફરાર થઈ ગયો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ શહેર નજીક રણોલી વિસ્તારમાં રહેતા જસવીંદર સિંગ પોતે ટેમ્પો ચાલક તરીકેનો વ્યવસાય કરે છે. શુક્રવારે વહેલી સવારે રાબેતા મુજબ બાઈક મારફતે ટેમ્પોના પાર્કિંગ સ્થળે જવા નીકળ્યા હતા.તે સમય દરમિયાન રણોલી બ્રિજ પાસે આવેલ કંપનીના ગેટ પાસે ટ્રક ચાલકે અચાનક ટ્રક રિવર્સ લેતા ટ્રકના ટાયર જસવીંદર સિંગના માથા ઉપર ફરી વળતા તેઓનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.  અકસ્માતને પગલે ઘટનાસ્થળે લોકટોળા ઉમટી પડ્યા હતા.જોકે અકસ્માત સર્જનાર ટ્રક ચાલક અકસ્માત સર્જી ટોળાનો મિજાજ જોઈ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.

નોંધનીય બાબત છે કે રણોલી વિસ્તારમાં યોગ્ય ટ્રાફિક સંચાલન નહીં થવાના કારણે અવારનવાર અકસ્માતમાં અનેક લોકોને મોતને ભેટવાનો વારો આવતો હોય છે.જેના કારણે સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે વહીવટી તંત્ર તેમજ શહેર પોલીસે સંયુક્ત રીતે આ વિસ્તારમાંથી ટ્રાફિક હળવો થાય તેમજ યોગ્ય સંચાલન થાય તેવી સ્થાનિકોમાં માંગ ઉઠી છે. ઉલ્લેખનીય છે કે, કેટલાક સ્થળો પર ટ્રાફિકનું ભારણ વધારે પડતુ હોય છે. ત્યારે આવી જગ્યાએ ટ્રાફિકની વ્યવસ્થા યોગ્ય રીતે ન કરવામાં આવે તો અકસ્માતો સર્જાય છે. ટ્રાફિક પોલીસે યોગ્ય કામગીરી કરવી જોઈએ.

Most Popular

To Top