Dakshin Gujarat

વેલસ્પન કંપની સામે કામદારોનું આંદોલન 70મા દિવસેય યથાવત્

દહેજ ખાતે આવેલી વેલ્સપન કંપની દ્વારા પ્લાન્ટ બંધ કરી 600 કામદારની જૂન મહિનામાં કરાયેલી બદલી અને છટણીઓ સામે આંદોલન ચાલી રહ્યું છે. કંપનીના ગેટ પર વિરોધ પ્રદર્શનમાં શુક્રવારે 70મા દિવસે ભરૂચ અને તેની આસપાસના 70 ગામના સરપંચો દ્વારા અસરગ્રસ્ત કામદારોના સમર્થનમાં આવી તેમની મદદે આવી ખુલ્લો ટેકો જાહેર કર્યો હતો.

કામદારોની વહારે શુક્રવારે જિલ્લાના 70 ગામના સરપંચોએ આવી કંપની બહાર ન્યાય માટે લડત ચલાવતા કામદારોના તરફેણમાં આવ્યા છે. દહેજની વેલસ્પન કંપનીના સંચાલકો દ્વારા કર્મચારીઓની અન્યત્ર ટ્રાન્સફર અને છૂટા કરી દેવાયા બાદ કર્મચારીઓ દ્વારા છેલ્લા 70 દિવસથી આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. અગાઉ પણ કામદારોની તરફેણમાં સાંસદ, વાગરા ધારાસભ્ય, રાજકીય પાર્ટીના આગેવાનો આવ્યા છતાં સમસ્યાનો ભેદ ઉકેલાયો નથી.

દહેજ સ્થિત વેલસ્પન કંપની દ્વારા કોરોના મહામારી બાદ કર્મચારીઓ તેમજ સ્ટાફને બીજા પ્લાન્ટમાં બદલીના બહાને મોકલી આપવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેમના રાજીનામાં લખાવી લેવામાં આવ્યાં હતાં. કંપની દ્વારા 200 અધિકારી કક્ષાના અને 416 જેટલા કર્મચારીને બદલીઓના ઓર્ડરો અપાયા હતા. શુક્રવારે જિલ્લાના 70 ગામના સરપંચો તેમની વહારે આવ્યા હતા. જેમાં માત્ર કર્મચારીઓને ન્યાય મળે એ માટેની જલદ માંગ કરી હતી.

Most Popular

To Top