જયારે આપણે જાહેર સ્થળો પર જઇએ ત્યારે વિવિધ પ્રકારનાં વ્યકિતઓ જોવા મળે. દરરોજ નાના છોકરાઓ – છોકરીઓ જેની ઉંમર પાંચથી અગિયાર વર્ષ હશે, ઘણા દિવસથી ન ધોયેલાં ગંદાં કપડાં તેવા જ માથાના વાળ અને ગંદુ શરીર ઉપરાંત કોઇ પણ જાતની બીક વિના એકબીજાને ગંદી ગાળો બોલે, લડે. આ બાળકો ઝૂંપડાંમાં રહેતાં હોય તથા શાળાએ પણ ન જતાં હોય એવું પ્રતિપાદન થાય. આ ગૃપ સાથે જ ફરે, જાહેરમાં બાંકડા પર બેસે. ગૃપમાંનું મોટી ઉંમરનું બાળક પોતાના ખિસ્સામાંથી એક પડીકી કાઢે જે તમાકુની હોય તેમાંથી સાથીઓને થોડી – થોડી આપે. બાકીની પોતે આરોગી જાય. જયાં બેસે ત્યાં થૂંકે. વિચાર આવ્યો, આવું ખરીદવા પૈસા કયાંથી આવ્યા? ઉકેલ થોડા દિવસમાં જાણવા મળ્યો કે તેઓ ભીખ માંગી પૈસા મેળવે.
બીજા ગૃપમાં ઘણા ચાર પાંચ યુવાન તથા ચાર પાંચ છોકરીની ટોળકી. નાનાં બાળકોના પ્રમાણમાં સારાં કપડાં છોકરાઓ ‘તપેલી’ કટ વાળ છોકરીઓ ઊંચા અંબોડામાં. દરેક પાસે સ્માર્ટફોન! આવા કિંમતી ફોન એમણે કેવી રીતે મેળવ્યા?! એનો વિકલ્પ ચોરી, સાથે – સાથે દારૂના અડ્ડાવાળાના સપ્લાયર એટલે એમને કોઇ ધાક કે ખૌફ નહીં? આ છે આપણા ભારતનું યુવાધન! સરકારે ઝૂંપડાંમાં રહેતાં પરિવાર માટે આવાસ યોજના બનાવી તેમને સારા મકાન રહેવા આપ્યાં. પરંતુ સંસ્કાર એના એ જ એટલે આવા આવાસો પણ અનીતિનું ધામ બનવા લાગ્યા ઝૂંપડાનો વિસ્તાર વધતો જાય છે. આ એક અત્યંત સંવેદનશીલ બાબત છે મોટા મોટા પ્રોજેકટો ભલે કરો. પરંતુ આ પાયાની વાત અગત્યની જણાય છે. આ બાબતે સરકાર કે વિપક્ષ મતમતાંતર છોડી, મતનો લોભ છોડી એક થઇ સક્રિય થવાની જરૂર છે. ઝૂંપડાં કેમ ઓછાં થતાં નથી? સારા સંસ્કાર તથા ભણતર કેમ મળતું નથી? આ વેદના ઉપજાવનારી બાબત છે.
અમરોલી – બળવંત ટેલર-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.