National

દેશમાં કોરોનાના નવા 47,092 કેસ, બે મહિનામાં સૌથી વધુ

ભારતમાં એક દિવસમાં કોરોનાના નવા 47,092 કેસ નોંધાયા છે. જે છેલ્લા બે મહિનામાં એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે. આ સાથે અત્યાર સુધી નોંધાયેલા કુલ કેસની સંખ્યા વધીને 3,28,57,937 થઈ ગઈ છે. આ અગાઉ, 63 દિવસ પહેલા (1 જુલાઈ) દેશમાં એક દિવસમાં કોરોનાના નવા 48,786 કેસ નોંધાયા હતા. ગુરુવારે અપડેટ થયેલા કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ, દેશમાં સક્રિય કેસોની સંખ્યા વધીને 3,89,583 થઈ ગઈ છે. જે કુલ કેસનો 1.19 ટકા હિસ્સો ધરાવે છે. આરોગ્ય મંત્રાલયના આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકના ગાળામાં સક્રિય કેસલોડમાં 11,402 કેસોનો વધારો નોંધાયો છે.

સવારે 8 વાગ્યે અપડેટ કરાયેલા આંકડા મુજબ, દેશમાં કોરોનાનાં કારણે વધુ 509 મોત સાથે કુલ મૃત્યુઆંક વધીને 4,39,529 થઈ ગયો છે. જ્યારે, કોરોના સામે સાજા થવાનો દર 97.48 ટકા નોંધાયો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય અનુસાર, દેશમાં સાપ્તાહિક સંક્રમણ દર 2.62 ટકા નોંધાયો છે. જે છેલ્લા 69 દિવસોથી ત્રણ ટકાથી ઓછો રહ્યો છે. તેમજ દૈનિક સંક્રમણ દર 2.8 ટકા નોંધાયો છે. જે બુધવારે 2.61 ટકા હતો. કોરોનાને માત આપી સ્વસ્થ થનાર લોકોની સંખ્યા વધીને 3,20,28,825 થઈ ગઈ છે. જ્યારે, મૃત્યુદર 1.34 ટકા નોંધાયો છે.

મંત્રાલયના જણાવ્યાં અનુસાર, દેશમાં બુધવારે રસીના 81.09 લાખ ડોઝ આપવામાં આવ્યા હતા. આ સાથે દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ રસીના કુલ 66.30 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, દેશમાં મૃત્યુ પામેલા 509 લોકોમાં કેરળનાં 173 અને મહારાષ્ટ્રનાં 183 લોકોનો સમાવેશ થાય છે.

Most Popular

To Top