આણંદ : આણંદ જિલ્લામાં જન્માષ્ટમીના દિવસથી વરસાદી વાદળો ઘેરાયા બાદ છુટક-છુટક વરસાદી ઝાપટાં પડતાં હતાં. પરંતુ બુધવારના રોજ મેઘરાજા મન મુકીને વરસ્યા હતાં. જિલ્લામાં છેલ્લા 36 કલાક દરમિયાન સરેરાશ એકથી સવા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે. આ વરસાદથી સૌથી વધુ ફાયદો ખરીફ પાકને થયો છે. છેલ્લા એક મહિનાથી સિંચાઇના અભાવે મોલાત સુકાઇ જાય તેવો ભય ઉભો થયો હતો. પરંતુ ખરા ટાણે આવેલા વરસાદથી મોલાતને જીવનદાન મળ્યું છે.
આણંદ જિલ્લો પાણીદાર હોવા છતાં આ વરસે અછતને લઇ ભારે ચિંતાનો માહોલ સર્જાયો હતો. ખાસ કરીને કડાણા ડેમમાં પાણીની નહિવત આવકના કારણે ગમે ત્યારે પાણીનો જથ્થો પીવા માટે રિઝર્વ કરવામાં આવે તેવા ભણકારા વાગી રહ્યાં હતાં. બીજી તરફ સિંચાઇ માટે નહેરમાં પાણી છોડવાનું ઓછું કરી દેવામાં આવ્યું હતું. ખેડૂતોએ સિંચાઈને લઈ સરકારમાં રજૂઆતો કરી હતી અને આંદોલનની પણ તૈયારીઓ કરી હતી. શ્રાવણમાસ પુરો થવા આવ્યો છતાં ઝરમર વરસાદના પણ એંધાણ જોવા મળતાં નહતાં. ખેડૂતોએ પણ આશા છોડી દીધી હતી.
પરંતુ જન્માષ્ટમીના પર્વ પર ખેડૂતોનો નાદ ભગવાને સાંભળ્યો હોય તેમ એકાએક વાદળો ઘેરાવા લાગ્યાં હતાં. બે દિવસ છુટાછવાયા વરસાદ બાદ બુધવારના રોજ ધોધમાર વરસાદ શરૂ થયો હતો. ખાસ કરીને આણંદ શહેરમાં છેલ્લા 24 કલાક દરમિયાન દોઢ ઇંચ અને છેલ્લા 36 કલાક દરમિયાન સવા ત્રણ ઇંચ વરસાદ પડ્યો હતો. છેલ્લા 36 કલાકમાં જિલ્લામાં સાર્વત્રિક વરસાદના આગમનથી ખેડૂતોમાં ખુશહાલી ફેલાઈ છે. સમયસર આવેલા વરસાદથી ખેડૂતોના ચહેરા પર જોવા મળતાં ચિંતાના વાદળો હટી ગયાં હતાં. હજુ ભાદરવો મહિનો બાકી હોઈ વરસાદની સંભાવનાને લઈ ખેતી લાયક વરસાદ વરસ્યો હોઈ ખેડૂતોમાં ખુશહાલી વ્યાપી છે. અલબત્ત આ વરસાદના કારણે વાતાવરણમાં બફારાનો અનુભવ યથાવત રહ્યો હતો. જેના કારણે વરસાદી માહોલ હજુ યથાવત રહે તેવી આશા બંધાઇ છે.
નડિયાદ શહેર સહિત જિલ્લાભરમાં સાર્વત્રિક વરસાદ
નડિયાદ શહેર સહિત ખેડા જિલ્લામાં મંગળવારે રાત્રે મેઘરાજાએ પોતાની મહેર વરસાવી હતી. ખેડા જિલ્લાના તમામ તાલુકાઓમાં રાત્રિના સમયે અને બુધવારે દિવસ દરમિયાન વરસાદી માહોલ અને છૂટાછવાયા ઝાપટાં પડ્યા હતા. જોકે, વરસાદ બાદ ઉકળાટ વધી જતાં જિલ્લાવાસીઓ પરેશાન થઇ ગયા હતા. લાંબ વિરામ બાદ વરસાદ વરસતાં ખેતી પાકને પણ જીવતદાન મળવાની આશા ખેડૂતોએ વ્યક્ત કરી હતી. દુષ્કાળની પરિસ્થિતી વચ્ચે રાજ્ય ઉપરાંત જિલ્લામાં વરસાદી મહેર વરસતાં લોકોએ રાહતની લાગણી અનુભવી હતી.