Comments

મોદી સરકાર દેશની મિલ્કત વેચે છે?

મોદી સરકારે અસ્કયામતના નાણાં બનાવવાની યોજના જાહેર કરી છે, જે દ્વારા દેશની રૂા. છ લાખ કરોડની માળખાકીય અસ્કયામતોનું 2022-23 થી માંડીને 2024-25 વર્ષ સુધીમાં ચાર વર્ષોમાં નાણાંમાં રૂપાંતર થશે. નાણાંમંત્રી નિર્મલા સીતારમને સડક, રેલવે ટ્રેન અને સ્ટેશનો, ગેસ અને તેલ પાઇપ લાઇનો, વીજળીની લાઇનો, વધારો અને રમતગમત જેવી માળખાકીય સગવડો ખાનગી ક્ષેત્રોને લાંબા ગાળા માટે ભાડાપટ્ટે આપવાની સરકારની યોજના જાહેર કરી. આ પછીની હારમાં ઊભેલી અસ્કયામતોમાં વિમાની મથકો, શહેરી મિલ્કતો, ટેલિકોમ અને બંદરોનો સમાવેશ થાય છે. નિર્મલા સીતારમન અને નીતિ આયોગે ટોચના અધિકારીઓએ વારંવાર ભારપૂર્વક કહ્યું છે કે સરકાર જમીન કે અસ્કયામત વેચતી નથી. તેને બદલે તે ફરજીયાતપણે પાછા સોંપવાની શરતો સાથે ભાડાપટ્ટે આપે છે અને સરકારના આ પગલાંથી જે તે અસ્કયામતોનું આર્થિક મૂલ્ય બહાર આવશે અને કાર્યદક્ષતા વધશે. તેમજ રોજગારીનું સર્જન વધશે.

વિપક્ષે સરકાર પર પસંદગીના ઉદ્યોગકારોને ફાયદો કરાવવા આ પગલું ભરી રહી હોવાનો આક્ષેપ કર્યો. મોટા ભંડોળ પ્રાપ્ત કરી શકે તેવા ચાર-પાંચ મોટા કોર્પોરેટ જૂથો વિમાની મથક, બંદર, કોલસાની ખાણ, ગેસ લાઇન, વીજળી પેદા કરવાના પ્રોજેકટો વગેરે લાંબા ગાળા માટે ભાડાપટે લેવા બોલી બોલે. સરકાર નામની માલિક રહે તો પણ તેનાથી સંપત્તિની મોટી જમાવટ થઇ શકે. રાહુલ ગાંધીએ આ જ મુદ્દો ઉઠાવ્યો છે. આ જાહેર અસ્કયામતો આમેય કેટલેક અંશે ઇજારો ભોગવતા થોડા કોર્પોરેટ જૂથોના હાથમાં થઇ પડશે.

વિરોધ પક્ષના નેતાઓના જણાવ્યા મુજબ સરકાર એવું માને છે કે આ અસ્કયામતોમાંથી 30 થી 50 વર્ષો નાણાં મળતા રહેશે. સરકાર રૂા. 1 લાખ કરોડની જાહેર અસ્કયામતો ખાનગી ક્ષેત્રને લાંબા ગાળાના ભાડાપટ્ટે આપે છે. આજની દ્રષ્ટિએ સમગ્રપણે ભાડાનું મૂલ્ય જોઇએ તો તે ભારતના મુગટના ઝવેરાત વેચવા સમાન ગણાય. આખરે તો કરદાતાઓને નીચોવીને જાહેર અસ્કયામતો બનાવવામાં આવી છે. હવે દેશની કરોડરજ્જુ સમાન પછીના આ અસ્કયામતો 25-50 વર્ષના ગાળા માટે ખાનગી ખેલાડીઓને આપવામાં આવી રહી છે! વળતી દલીલ એવી છે કે અસ્કયામતોનું નાણાંમાં રૂપાંતર કરવાનો ખ્યાલ નવો લાગે છે પણ 19911 જુદી જુદી સરકારે તેને અજમાવી જોયો છે અને તેને માટે પબ્લીક-પ્રાઇવેટ પાર્ટનરશીપ, બિલ્ડ ઓપરેટર ટ્રાન્સફર વગેરે જેવા શબ્દો વપરાય જ છે. દિલ્હી અને મુંબઇ વિમાની મથકો અને અન્ય ઘણાં વિમાની મથકો ખાનગી સંચાલકોને આપી દેવાયા છે.

હાઇ વે/એકસપ્રેસ વે સરકારની માલિકીના નાણાંના રૂપાંતરના હક્કોને આધારે બનાવાય છે. શોધી કઢાયેલા તેલ ક્ષેત્રો મૂડી ખર્ચ વસુલાત પછીના વધારાના તેલની વધારાની પ્રાપ્તિની હિસ્સેદારીના આધારે ફાળવાયા છે. મોદી સરકાર હવે આ ફલક વિસ્તારી અન્ય અનેક પ્રકારની અસ્કયામતોને આવરી લે છે તો પછી વિવાદ શા માટે? કોઇ અસ્કયામતનું નાણાંમાં રૂપાંતરણ એટલે શું? તે ખાનગીકરણ કે વિનિવેશથી અલગ કઇ રીતે? તેના લાભ શું છે? આ મહત્ત્વાકાંક્ષી યોજનાનો અમલ કરવામાં જોખમ અને પડકાર શું છે?

નાણાંમાં રૂપાંતરણનો અર્થ એ થયો કે કોઇ ચીજને નાણાંમાં ફેરવવી. વ્યવહારમાં જોઈએ તો કોઇ પણ અસ્કયામત સેવા કે પ્રવૃત્તિને પૈસા રળી આપતી બનાવવી. આથી અસ્કયામતના નાણાં રૂપાંતરણનો હેતુ અત્યાર સુધી યોગ્ય કે પૂરતું વળતર નહીં આપનાર જાહેર અસ્કયામતોમાં કરાયેલા રોકાણનું મૂલ્ય ખુલ્લું કરવું. અર્થાત્‌ બિનવપરાશી કે અલ્પ વપરાશી અસ્કયામતોની માલિકી ગુમાવ્યા વગર વધુ આવક રળવાનો આ ઉપક્રમ છે. મોદીની યોજનામાં સરકારી માલિકીની જગ્યામાં બંધાયેલી વીસ પ્રકારની અસ્કયામતો ખાનગી ક્ષેત્રને ઉચ્ચક કે સામયિક ચૂકવણી સામે ભાડા પટ્ટે આપવાનો સમાવેશ થાય છે. ખાનગી ક્ષેત્રને અસ્કયામત પર માલિકી હક્ક જતો કર્યા વગર ઉચ્ચક ચૂકવણીની સામે 25 વર્ષ સદરહુ અસ્કયામત ચલાવવા બોલી બોલવાનું કહેવામાં આવશે.

2002 માં વાજપેયી સરકારે મારૂતી કંપની સરકારના નિયંત્રણમાંથી મુકત કરવાનો નિર્ણય કર્યો ત્યારે લગભગ દરેકે ટીકા કરી હતી. 2002 માં મારૂતીનું મૂલ્ય માત્ર 4339 કરોડ રૂપિયા હતું. આમ છતાં આજે મારૂતી સુઝુકીનું મૂલ્ય ભારતમાં દર ચાર મિનિટે એક કારના વેચાણ સાથે અને 16000 કર્મચારીઓ સાથે રૂા. બે લાખ કરોડથી વધારે છે. નાણાંમાં રૂપાંતરણની યોજના બરાબર અમલી નહીં બને તો મૂડીવાદને પ્રોત્સાહન મળશે અને મૂડીની થોડા હાથમાં જમાવટ થશે. વળી ઉપભોકતાઓને તેની વધુ કિંમત ચૂકવવી પડશે. માટે સારસંભાળ, જાળવણી, પુનર્વિકાસ વગેરેની અપેક્ષિત ગુણવત્તાની ચોખવટ થવી જોઈએ.

દા.ત. વિમાન મથકો, સડકો અને રેલવેનો ગરીબો સહિત બધા ઉપયોગ કરે છે અને ટોલ, ભાડા, સ્ટેશનનો પ્રવેશ ચાર્જ અને જાહેર સવલતોનો વપરાશ માટેનો ચાર્જ નક્કી કરતી વખતે આ બાબત ધ્યાનમાં રાખવી પડશે. મોદી સરકાર કેટલા પૈસા એકત્ર કરે છે તેના પર સફળતાની ગણતરી નહીં થાય. તેને બદલે પ્રાપ્ય માળખાની ગુણવત્તા અને લોકો માટે તેની પરવડક્ષમતા ધ્યાનમાં રાખવી પડશે. લોકોના ખીસાને પોસાય તેનું ધ્યાન રાખવું પડશે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top