Editorial

કોરોના: તહેવારોના સમયમાં આપણે વિશેષ સાવધાની રાખવી પડશે

કોરોનાવાયરસજન્ય કોવિડ-૧૯નો વૈશ્વિક રોગચાળો ભારતમાં પણ શરૂ થયો તેને દોઢ વર્ષ જેટલો સમય થઇ ગયો છે, રોગચાળાની શરૂઆતમાં ઘણા લોકો એવું માનતા હતા કે આ રોગચાળો થોડા મહિનાઓમાં કાબૂમાં આવી જશે, પણ તે શક્ય બન્યું નથી. દેશવ્યાપી સખત લૉકડાઉન છતાં દેશમાં કેસો લાખો પર પહોંચ્યા અને અણધારી બીજી લહેરે તો દેશભરમાં હાહાકાર મચાવી દીધો. અત્યારે કેરળ જેવા થોડાકા રાજ્યો સિવાય મોટભાગના રાજ્યોમાં આ રોગચાળો કાબૂમાં છે, છતાં હવે ત્રીજું મોજું ટૂંક સમયમાં આવે તેવી આગાહીઓ થઇ રહી છે અને તે સાથે ભારતમાં ઉત્સવોની ઋતુ પણ શરૂ થઇ ગઇ છે અને આગામી સમયમાં હવે લોકોએ આ રોગચાળાના સંદર્ભમાં વિશેષ કાળજી રાખવી પડશે.

કેરળમાં ઓણમના ઉત્સવ પછી કોવિડના કેસોમાં મોટો ઉછાળો આવ્યો છે તે બાબત આપણા માટે લાલ બત્તી સમાન છે. હવે મધ્ય, પશ્ચિમ અને ઉત્તર ભારતમાં પરંપરાગત ભારતીય તહેવારો શરૂ થઇ ગયા છે. રક્ષાબંધન સાથે તહેવારોની ઉજવણીઓ શરૂ થઇ ગઇ છે અને આ તહેવારોનો સિલસિલો છેક દિવાળી સુધી ચાલશે, પણ એ એક કઠોર વાસ્તવિકતા છે કે આ સતત બીજા વર્ષે આપણે તહેવારો સાદાઇ અને સંયમથી જ ઉજવવા પડશે. મોહરમ અને જન્માષ્ટમીના તહેવારોમાં આમ તો મોટી ભીડ એકઠી થતી હોય છે, પરંતુ આ વખતે પણ લોકોએ આ તહેવારોમાં ઠીક ઠીક સંયમ રાખ્યો છે. હવે ગુજરાત અને મહારાષ્ટ્રમાં જેની ખૂબ ધૂમધામથી ઉજવણી થાય છે તે ગણપતિ ઉત્સવ થોડા સમય પછી આવશે.

સરકારના નિયંત્રણો તો છે જ, લોકોએ પણ સંયમ રાખવો પડશે. નવરાત્રિ અને દુર્ગાપૂજાના તહેવારો ગુજરાતમાં અને બંગાળમાં મોટી ભીડ એકઠી કરનારા બની રહે છે. નવરાત્રિમાં ગુજરાતીઓે ગયા વર્ષે જે રીતે સંયમ રાખ્યો તે રીતે રાખવો પડશે. કઠે તેવી બાબત છે, પણ સંયમ રાખવામાં જ ભલાઇ છે.

આ રોગચાળો હજી કદાચ લંબાઇ શકે, ત્રીજા વર્ષે પણ કદાચ સંયમ રાખવો પડે. કોરોનાવાયરસજન્ય આ રોગ નાબૂદ થાય, અને જો નાબૂદ નહીં થાય તો પણ એન્ડેમિકમાં ફેરવાય ત્યાં સુધી સંયમ રાખવામાં જ શાણપણ છે.

વર્ક ફ્રોમ હોમનો ખયાલ હવે કાયમી બની જાય તેવી શક્યતા

વિશ્વામાં કોવિડ-૧૯નો રોગચાળો શરૂ થયો ત્યારથી વર્ક ફ્રોમ હોમ એટલે કે ઘરેથી કામ કરવાનો ખયાલ ઘણો પ્રચલિત બન્યો છે. આ માટે ઝૂમ સહિતની અનેક મોબાઇલ અને લેપટોપ, કોમ્પ્યુટરો માટેની એપ્લિકેશનો પણ લોન્ચ થઇ છે. જેમણે ઓફિસ મિટિંગોમાં ઘરેથી ભાગ લેવો પડતો હોય છે તેઓ ઝૂમ, ગૂગલ મીટ સહિતની એપ્લિકેશનોનો ઉપયોગ અત્યાર સુધી કરતા આવ્યા છે પણ આ એપ્લિકેશનો કરતા એક જુદી જ એપ્લિકેશન વર્ક ફ્રોમ હોમ ફેસબુક દ્વારા હવે લોન્ચ કરવામાં આવી છે જે ઘરેથી કામ કરનારાઓને ઘરેથી તેમના ઓફિસના સાથીદારો, અધિકારીઓ સાથે મિટિંગ તો કરાવી જ આપશે પણ ઓફિસમાં સાચે સાચી મિટિંગ ચાલતી હોય તેવો અનુભવ પણ કરાવશે.

ફેસબુક દ્વારા હાલમાં હોરાઇઝન વર્કરૂમ્સ નામની એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે.  આ એપ તમને મિટિંગ માટેના પ્લશ બોર્ડરૂમનો અનુભવ તમારા ઘરમાં પણ કરાવી શકે છે. આ એપ વડે મિટિંગમાં ભાગ લેનારાએ  વીઆર હેડસેટ પહેરવું પડશે. આ હેડસેટ પહેર્યા પછી વર્ચ્યુઅલ મીટિંગમાં ભાગ લેનાર પોતાના ઓફિસ કલીગ્સને કાર્ટૂન અવતારમાં જોઇ શકશે! પોતાના સોશ્યલ નેટવર્કને મેટાવર્સમાં ફેરવવાના માર્ક ઝુકરબર્ગના સ્વપ્નના ભાગરૂપે આ એપ લોન્ચ કરવામાં આવી છે. આ એપ વર્ક ફ્રોમ હોમને એક નવું જ સ્વરૂપ આપી શકે છે.આવી બીજી એપ્લિકેશનો પણ ભવિષ્યમાં અન્ય કંપનીઓ લોન્ચ કરી શકે છે કારણ કે વર્ક ફ્રોમ હોમ એ હવે કદાચ ન્યૂ નોર્મલ બની રહ્યું છે.

રોગચાળો ઘણે અંશે કાબૂમાં આવી ગયા પછી પણ ઘણી કંપનીઓએ, ખાસ કરીને પશ્ચિમી દેશોની કેટલીક જાયન્ટ કંપનીઓએ પોતાના કર્મચારીઓને ઘરેથી કામ કરવાનો વિકલ્પ કેટલીક શરતોએ આપવાનું વલણ અપનાવ્યું છે. વર્ક ફ્રોમ હોમથી કંપનીઓને પણ કેટલાક ફાયદા થતા જણાયા છે. એક તો ઓફિસ સ્પેસમાં મોકળાશ વધે છે, આવવા જવામાં કર્મચારીઓને ટ્રાફિકને કારણે મોડું થઇ જાય તેવી સમસ્યાઓ હળવી બને છે, ઓફિસનો પાવરનો વપરાશ પણ થોડો ઘટે છે, કેટલીક કંપનીઓએ તો વર્ક ફ્રોમ હોમ શરૂ થયા પછી નવી જગ્યા ખરીદીને કે ભાડે લઇને ઓફિસ સ્પેસનું વિસ્તરણ કરવાનૂ઼ પણ ટાળ્યું હોવાનું જાણવા મળે છે. લાગે છે કે વર્ક ફ્રોમ હોમનો ખયાલ હવે કેટલાક અંશે કાયમી બની જશે.

Most Popular

To Top