SURAT

આવકવેરા વિભાગે જૂના કેસો રિઓપન કરી ટેક્સ વસૂલાતની નોટિસો અપાતા વેપારીઓ હાઇકોર્ટ પહોંચ્યા

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT) દ્વારા જુના કેસોમાં રીકવરી માટે આવકવેરા કમિશનરેટને આદેશ આપવામાં આવતા સુરત સહિતના આવકવેરા વિભાગે 6 વર્ષ પહેલાના કેસોમાં રીકવરીની કાર્યવાહી શરૂ કરતા 1000થી વધુ કેસોમાં સુરત અને દક્ષિણ ગુજરાતના વેપારીઓએ ગુજરાત હાઇકોર્ટમાં દાદ માંગી છે.

સરકાર દ્વારા અગાઉ રીકવરીના નિયમોમાં ફેરફાર કરી આવકવેરાની ધારા 148 હેઠળ 3 વર્ષની અંદરના કેસો જ રિઓપન કરવા નિયમ બનાવવામાં આવ્યો હતો. પરંતુ સુરત સહિતના કમિશનરેટનો લક્ષ્યાંક સિદ્ધ નહીં થતા CBDT દ્વારા અધિકારીઓને ટેકનિકલ કારણો ઉભા કરી 6 વર્ષ જુના કેસો પણ રિઓપન કરવા વણલખ્યો આદેશ આપવામાં આવ્યો છે તેને પગલે આવકવેરા વિભાગે 6 વર્ષ જુના કેસો રિઓપન કરી કરદાતાઓને ટેક્સની રીકવરી માટે ધડાધડ નોટિસો ઇશ્યુ કરવામાં આવી રહી છે.

માર્ચથી જુન સુધી ઇશ્યુ કરવામાં આવેલી મોટી રકમની રીકવરીની નોટિસને વેપારીઓએ હાઇકોર્ટમાં પડકારી છે. ખાસ કરીને શેરબજારમાં રોકાણ, પ્રોપર્ટી સામે વધુ પડતુ બેંક ધિરાણ અને મોટી કિંમતની જ્વેલેરીની ખરીદી સહિતના મામલાઓમાં જુના કેસો રિઓપન કરાયા છે ખાસ કરીને નોટબંધી દરમિયાન જ્વેલર્સ બિલ્ડરોએ કરેલા મોટા સોદાઓના કેસો ફરી રિઓપન કરવામાં આવ્યા છે. તે જોતા સરકારના જુના આદેશની પરવા કર્યા વિના આવકવેરા વિભાગ નાણાકિય વર્ષ 2021-22 માટે જુના કેસોની રીકવરી વધારી રહ્યું છે.

Most Popular

To Top