Charchapatra

ચૂંટણી પહેલાં હિંસા, ચૂંટણી પછી હિંસા? મમતા બેનરજી ઉત્તર આપે

પશ્ચિમ બંગાળની હિંસા માટે રાષ્ટ્રીય માનવાધિકાર પંચની જે સમિતિએ રીપોર્ટ આપેલ તેને મમતા બેનરજીએ અદાલતના અપમાન સમાન અને ભાજપ પર રાજકીય બદલો લેવાનો આરોપ મૂકયો હતો. કલકત્તા હાઇકોર્ટે માનવાધિકાર પંચનો રીપોર્ટ પૂર્વગ્રહયુકત નથી તેમ જણાવેલ છે જે મમતા સરકાર માટે યોગ્ય સંદેશ ગણી શકાય. પ્રચંડ બહુમતી સાથે જીતનાર પક્ષ વિપક્ષ વિરુધ્ધ હિંસા કરે તે ભારતીય લોકશાહી માટે ખૂબ જ અફસોસજનક અને શર્મનાક છે. મમતા બેનરજીની તૃણમૂલ કોંગ્રેસ પર વિપક્ષી કાર્યકર્તાઓ વિરુધ્ધ હિંસાની એક પરંપરા રહેલ છે પરંતુ પશ્ચિમ બંગાળની ચૂંટણી બાદની હિંસા અલગ પ્રકારની અને અગાઉની હિંસા કરતાં વધારે ક્રૂર હતી, જેની નોંધ કલકત્તા હાઇકોર્ટે પણ લેવી પડેલ છે જે આવકાર્ય હોઇ અભિનંદનીય છે.

પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનરજી જાણે છે કે વિધાનસભાનું પુનરાવર્તન આગામી લોકસભાની ચૂંટણીઓમાં દોહરાવવું હશે તો બંગાળમાંથી બીજેપીનો આંકડો કાઢવો જ પડશે અને તેના માટે જ ભાજપના સમર્થકો પર સતત હુમલાઓ કરાવવામાં આવી રહ્યા છે, જેથી રાજયમાં ભયનું વાતાવરણ સર્જાય અને પોતાનો માર્ગ મોકળો બને. વર્તમાન સમયમાં પશ્ચિમ બંગાળમાં જે રાજનૈતિક હિંસા ચાલી રહી છે તેની પાછળ મમતા બેનરજીની પ્રાદેશિક મહત્ત્વાકાંક્ષાની સાથે સાથે રાષ્ટ્રીય મહત્ત્વાકાંક્ષા પણ છે.

પશ્ચિમ બંગાળની જીત બાદ અચાનક મમતા બેનરજીનું કદ વધી ગયાનું મનાય છે. શાસનવ્યવસ્થા કોઇ પણ હોય, કોઇ પણ પક્ષની હોય તેનું સૌ પ્રથમ દાયિત્વ સમાજમાં કાનૂન વ્યવસ્થા દ્વારા શાંતિ અને સુરક્ષાનું વાતાવરણ બનાવવા ઉપરાંત અપરાધી અને સમાજવિરોધી તત્ત્વોના મનમાં શાસનનો ભય પેદા કરીને હિંસક ગતિવિધિઓ કરનારને દંડ સુનિશ્ચિત કરવાનું પણ હોય છે. ચૂંટણીને તો કોઇ એક પક્ષ જીતે છે, પરંતુ ચૂંટાયેલી સરકાર સમાજ પ્રતિ જવાબદાર હોય છે જેની ખાસ નોંધ પશ્ચિમ બંગાળની મમતા સરકારે હવે અચૂક લેવી જ રહી.
અમદાવાદ         – પ્રવીણ રાઠોડ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top