કોરોનાવાયરસનું બીજું મોજું હજી પુરું થયું નથી તેવું ભારપૂર્વક જણાવતા કેન્દ્ર સરકારે આજે જણાવ્યું હતું કે રોગચાળા વ્યવસ્થાપનની બાબતમાં સપ્ટેમ્બર અને ઓકટોબરના મહિનાઓ અગત્યના બની રહેશે અને ચેતવણી આપી હતી કે તહેવારોની ઉજવણીઓ કોવિડ-૧૯ને યોગ્ય વર્તણૂક સાથે કરવામાં આવવી જોઇએ.
એક મીડિયા બ્રીફિંગને સંબોધન કરતા કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેષ ભૂષણે દોહરાવ્યું હતું કે દેશ હજી પણ બીજા મોજાની મધ્યમાં છે. આઇસીએમઆરના ડિરેકટર જનરલ ભાર્ગવે જણાવ્યું હતું કે રસીઓ રોગને સુધારનારી છે અને રોગને અટકાવનારી નથી અને આથી રસીકરણ પછી પણ માસ્ક પહેરવાનું ચાલુ રાખવામાં આવે તે ઘણુ અગત્યનું છે. ભૂષણે જણાવ્યું હતું કે આપણે હજી દેશમાં કોવિડ-૧૯ના બીજા મોજાની વચ્ચે છીએ. બીજી લહેર હજી પુરી થઇ નથી.
તેથી આપણે જરૂરી તમામ સાવધાનીઓ રાખવી જોઇએ, ખાસ કરીને આપણા એ અનુભવના સંદર્ભમાં સાવધાની રાખવી જોઇએ કે દરેક તહેવાર પછી રોગચાળામાં ઉછાળો આવ્યો છે. આગામી સપ્ટેમ્બર અને ઓકટોબરના મહિનાઓ આપણા માટે કટોકટીના છે કારણ કે આપણે તેમાં કેટલાક તહેવારો ઉજવીશું. આવા ઉત્સવો કોવિડને યોગ્ય વર્તણૂક સાથે ઉજવવા જોઇએ એમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.
દેશના કેટલાક જિલ્લાઓમાં કેસોમાં વધારો દેખાયો છે એમ ભાર્ગવે જણાવ્યું હતું. ૪૧ જિલ્લાઓ એવા છે કે જ્યાં કોવિડ-૧૯નો સાપ્તાહિક પોઝિટિવીટી રેટ ૧૦ ટકા કરતા વધારે છે અને ૨૭ જિલ્લાઓ એવા છે કે જેમનો સાપ્તાહિક પોઝિટિવીટી રેટ પથી ૧૦ ટકાની વચ્ચે છે. વસ્તી ગીચતા રોગચાળો ફેલાવાનું કારણ છે. આથી જ્યાં આપણે કોવિડ યોગ્ય વર્તણૂક અપનાવતા નથી ત્યાં આપણે કેસોમાં વધારો જોઇ રહ્યા છીએ એમ તેમણે કહ્યું હતું. દેશમાં અત્યારે ફક્ત એક રાજ્ય – કેરળ એવું છે કે જ્યાં ૧ લાખ કરતા વધુ સક્રિય કેસો છે જે દેશના કુલ કેસોના પ૧.૧૯ ટકા છે. ચાર રાજ્યો – મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં એક્ટિવ કેસો દસ હજારથી એક લાખની વચ્ચે છે.