Comments

રમકડું રમતરમતમાં ઘણું શીખવી શકે

આપણા માનસને, માનસિકતાને ઘડવામાં અનેક પ્રકારનાં પરિબળો કામ કરતાં હોય છે. ખાસ કરીને કુમળી વયે આરોપાયેલા ઘણા ગુણો ગજવેલ સમા બની રહે છે. વયસ્ક થયા પછી તેમાં ફેરફાર કરવા માટે ખૂબ પ્રયત્ન કરવો પડે છે. આવું જ એક માધ્યમ છે રમકડાંનું. રમકડાં સાથે બાળકો સીધું તાદાત્મ્ય અનુભવતાં હોય છે. ત્રણેક મહિના અગાઉ આ કટારમાં ડેન્માર્કની ખ્યાતનામ કંપની ‘લેગો’ દ્વારા બજારમાં મૂકાયેલા રમકડા વિશે વાત કરવામાં આવી હતી. હવે અમેરિકન કંપની ‘મટેલ’ દ્વારા છ ઢીંગલીઓની એક શ્રેણી બજારમાં મૂકાઈ છે. આ કંપનીની મુખ્ય ઓળખ તેની નાજુક, રૂપાળી ઢીંગલી ‘બાર્બી’ થકી છે.

૧૯૫૯ માં પહેલવહેલી વાર આ ઢીંગલી બજારમાં મૂકાઈ ત્યારથી લોકપ્રિયતા, વિવાદ, આક્ષેપબાજી તેની ફરતે સતત વીંટળાયેલાં રહ્યાં છે. રૂપકડી ઢીંગલીની સાથોસાથ તેની સાથે સંકળાયેલી વિવિધ ચીજોનો સેટ મળે છે અને બાળકીઓ એ સેટ થકી પોતાનો સંગ્રહ બનાવતી રહે છે. તાજેતરમાં આ કંપની દ્વારા છ નવી ઢીંગલીઓનાં મોડેલ બજારમાં મૂકાયાં. પણ આ ઢીંગલીઓ ફેશનની પૂતળી નથી, બલ્કે વાસ્તવિક જીવન સાથે સંકળાયેલી વિશિષ્ટ મહિલાઓની પ્રતિકૃતિ છે. આ મહિલાઓ ફેશન, મોડેલિંગ, અભિનય કે એવા કોઈ ઝાકઝમાળવાળાં ક્ષેત્રો સાથે નહીં, બલ્કે વિજ્ઞાન અને ટેક્નોલોજી જેવા ઓછા જાણીતા ક્ષેત્ર સાથે સંકળાયેલી છે.

ઓક્સફર્ડ યુનિવર્સિટી ખાતે કોવિડની એસ્ટ્રાઝેનેકા રસીના સહશોધક પ્રો.સારાહ ગિલ્બર્ટની પ્રતિકૃતિ બાર્બીની નવી ઢીંગલી માટે પસંદ કરવામાં આવી છે. પ્રો. સારાહની સાથેસાથે અન્ય પાંચ મહિલાઓની પ્રતિકૃતિની પસંદગી પણ બાર્બીની ઢીંગલીની પ્રતિકૃતિ માટે કરાઈ છે. અમેરિકન સ્વાસ્થ્ય કાર્યકર એમી ઓ’સલીવન અને ડૉ. ઑડ્રી ક્રુઝ, કેનેડાના ડૉક્ટર ચિકા સ્ટેસી ઓરીવા, બ્રાઝિલનાં બાયોમેડીકલ સંશોધક ડૉ. જેક્વેલીન ગોઝ દ જિસસ અને અગ્ર હરોળના સ્વાસ્થ્યકર્મીઓ માટે પુનઃઉપયોગમાં લઈ શકાય એવા ગાઉનનાં સહશોધક ઓસ્ટ્રેલિયાનાં ડૉ. કર્બી વ્હાઈટનો આમાં સમાવેશ થાય છે.

સ્વાભાવિક છે કે આ વ્યક્તિઓનાં નામ કદાચ પોતાના ક્ષેત્રમાં જાણીતાં હોય, પણ એ સિવાય તેમનું નામ ભાગ્યે જ જાણીતું હશે. સામાન્ય રીતે બાર્બીની ઢીંગલીઓના દેખાવ અને પહેરવેશને વધુ મહત્ત્વ આપવામાં આવે છે. બાર્બી જેવો પોષાક પહેરવો ફેશન ગણાય છે. આથી આ મહિલાઓની પ્રતિકૃતિ વિશેષ મહત્ત્વ ધરાવે છે, કેમ કે, તેમના દેખાવને નહીં, પણ તેમના કામનો આ રીતે મહિમા કરવામાં આવ્યો છે. પ્રો.ગિલ્બર્ટે પોતાને મળેલા આ ‘સન્માન’નો પ્રતિભાવ આપતાં જણાવેલું: ‘આ સાંભળીને શરૂઆતમાં મને જરા ‘વિચિત્ર’ લાગ્યું હતું, પણ મને આશા છે કે એનાથી યુવાન છોકરીઓને વિજ્ઞાન, ટેક્નોલોજી, ઈજનેરીવિદ્યા અને ગણિતના ક્ષેત્રે કારકિર્દી બનાવવાની પ્રેરણા મળશે.’ તેમણે ઉમેરેલું: ‘છોકરીઓની આગામી પેઢી આ ચાર ક્ષેત્રે કારકિર્દી બનાવે એ બાબતે હું બહુ ઉત્સાહી છું અને મને આશા છે કે મારી બાર્બી જે બાળકો જોશે એમને ખ્યાલ આવશે કે આપણી આસપાસના વિશ્વને મદદરૂપ બનવા માટે વિજ્ઞાનમાં કેવી મહત્ત્વની કારકિર્દીઓ છે! મારી ઈચ્છા એટલી છે કે મારી ઢીંગલી બાળકોને એવી કારકિર્દી વિશે વિચારતાં કરે, જેને વિશે તેમને જાણ ન હોય, જેમ કે રસીવિશેષજ્ઞની કારકિર્દી!’

એવું નથી કે મટેલ કંપનીએ આવું પહેલવહેલી વાર કર્યું છે. આ અગાઉ પણ તેણે વિવિધ ક્ષેત્રની જાણીતી મહિલાઓની પ્રતિકૃતિને બજારમાં મૂકી છે. એ ઉપરાંત વિવિધ રાષ્ટ્રીયતા, વિવિધ દેખાવવાળી ઢીંગલીઓ પણ તેના દ્વારા બજારમાં મૂકાતી રહી છે, જેમાં હિજાબ પહેરેલી, વ્હીલચેરમાં બેઠેલી, ટ્રેક્ટરચાલક, બૉક્સર, અગ્નિશામક જેવાં વિવિધ સ્વરૂપોનો સમાવેશ થાય છે. મહિલાઓ કોઈ પણ વ્યવસાય અપનાવી શકે છે અને દરેક સ્વરૂપે તેઓ સહજ રીતે સ્વીકાર્ય છે એવી પરોક્ષ સમજ આ રમકડાં રમતાં બાળકોમાં કેળવાતી જાય છે.રમકડાં રમવાની બાળકોની ઉંમરે તેમનામાં ઘણી બાબતો પરોક્ષ રીતે આરોપી શકાય છે. જેવું રમકડાં બાબતે, એવું જ બાળવાર્તાઓ બાબતે પણ કહી શકાય. પાઠ્યપુસ્તકનો ક્રમ તો ઘણો પછી આવે, છતાં એની ભૂમિકા અગત્યની હોય છે. રમકડાં અને બાળવાર્તાઓની પસંદગી સાવ વ્યક્તિગત છે અને તે સંપૂર્ણપણે બાળકના વાલી પર આધાર રાખે છે. એમ કહી શકાય કે રમકડાં ભલે બાળકો માટે છે, પણ સંદેશ ખરેખર વાલીઓ માટે છે.

મટેલ કંપનીએ સમાનતાના પ્રસારનો ઠેકો નથી લીધેલો. એટલે કે દરેક ઉત્પાદન પાછળ તેનો વ્યાપારી હેતુ હોય એ સ્વાભાવિક છે. મહત્ત્વ એ બાબતનું છે કે વ્યાપારી હિત સાધવાની સાથોસાથ તેણે આવી બાબતોને પણ ધ્યાનમાં રાખી છે. એમ તો અગાઉ બાર્બી ઢીંગલીઓ નારીવાદનું અપમાન કરી રહી હોવાના આક્ષેપ થયેલા છે. સાથોસાથ બાર્બી વખતોવખત નવાંનવાં સ્વરૂપે આવતી રહે છે. યુવતીઓ વિજ્ઞાની, તબીબ કે ઈજનેર તરીકેની કારકિર્દી અપનાવે એમાં કશી નવાઈ નથી, છતાં આંકડા કંઈક અલગ હકીકત જણાવે છે. શાળાના સ્તરે છોકરીઓ ગણિત અને વિજ્ઞાનમાં છોકરાઓ જેટલી જ પ્રતિભાવાન હોવા છતાં વૈશ્વિક સ્તરે વિજ્ઞાન, ટેક્નોલોજી, ઈજનેરીવિદ્યા અને ગણિતના ક્ષેત્રે મહિલાઓનું પ્રમાણ સાવ ઓછું છે.

ખાસ કરીને વિકાસશીલ દેશોમાં મહિલાઓ ગેરમાન્યતા, પરંપરા કે સામાજિક દબાણને લઈને આ ક્ષેત્રે આવી શકતી નથી. યુનેસ્કો ઈન્સ્ટિટ્યૂટ ઑફ સ્ટેટિસ્ટિક્સની માહિતી અનુસાર વિશ્વભરમાં સંશોધક તરીકે કેવળ ત્રીસ ટકા કરતાં ઓછી મહિલાઓ કાર્યરત છે. આ પરિસ્થિતિને કારણે યુનાઈટેડ નેશન્સ દ્વારા ‘વિજ્ઞાનમાં મહિલાઓ’ના કાર્યક્રમનો સમાવેશ કરવામાં આવ્યો છે. આવા સંજોગોમાં વાસ્તવિક પાત્રોની પ્રતિકૃતિ જેવી બાર્બીની આ છ નવી ઢીંગલીઓ બાળકીઓના મનમાં એવું વિચારબીજ રોપે તો પણ ઘણું! વ્યાપારીકરણ એને ઠેકાણે રહ્યું, તેના થકી આવા વિચારનો પ્રસાર થાય એ મહત્ત્વનું છે. નહીંતર નફા માટે ગમે એવી માનસિકતા પ્રસરાવનારાં માધ્યમોની કમી નથી.      
         -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top