ગણેશ ઉત્સવને ધ્યાને લઈ બારડોલી પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની બેઠક મળી હતી. જેમાં ડી.વાય.એસપી રૂપલબેન સોલંકી, મામલતદાર જીજ્ઞાબેન પરમાર તેમજ, બારડોલી પી.આઈ પી.વી. પટેલ બારડોલી ચીફ ઓફિસર કોમલ ઘીનૈયા હાજર રહ્યાં હતાં. આ બેઠકમાં પ્રાંત અધિકારી વી.એન,રબારીએ જણાવ્યું હતું કે ગણેશ ઉત્સવની ઉજવણી દરમ્યાન સુરત કલેક્ટરના જાહેરનામાનો અમલ થાય એ જરૂરી છે. સાથોસાથ કોરોનાની ગાઈડ લાઇનનો પણ ચુસ્તપણે અમલ કરવો જરૂરી છે. આ ઉપરાંત કાયદો અને વ્યવસ્થા અંગે પોલીસ અધિકારીએ ગણેશમંડળને માહિતગાર કર્યા હતા.
ગણેશમંડળો દ્વારા કેટલાંક સૂચનો કરવામાં આવ્યાં હતાં. ગત વર્ષે કોરોના મહામારીને કારણે ગણેશ ઉત્સવ સહિત અન્ય તહેવારોની ઉજવણી પર પ્રતિબંધ હતો. જો કે, આ વર્ષે કેટલીક છૂટછાટ સાથે રાજ્ય સરકારે ગણેશ ઉત્સવની ઉજવણી માટે મંજૂર આપી છે. ત્યારે સુરત જિલ્લાના મહત્વના ગણાતા બારડોલી નગરમાં ગણેશ ઉત્સવની ઉજવણી માટે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટા ભાગે રાજ્યમાં ઘરમાં બે ફૂટ અને મંડપમાં 4 ફૂટની ગણેશ પ્રતિમાની સ્થાપનાની મંજૂરી આપવામાં આવી છે. ત્યારે બારડોલી નગરમાં આ બાબતે ગણેશ મંડળનું વલણ કેવું રહે તે જોવું રહ્યું.