આણંદ : વિદ્યાનગર ખાતે રક્ષાબંધનની રાત્રે તસ્કરોએ ઉદ્યોગપતિના મકાનને નિશાન બનાવી ઘરફોડ ચોરી કરી હતી. ઉદ્યોગપતિ તેમના પરિવાર સાથે રાજકોટ ખાતે સાળાના ઘરનું વાસ્તુ હોવાથી ગયાં હતાં તે દરમિયાન તેમના બંધ મકાન તસ્કરોની નજરમાં આવી ગયું હતું અને રાત્રે બીજા માળની બારી તોડી અંદર પ્રવેશ કર્યા બાદ બધુ વેરવિખેર કરી દાગીના સહિત રૂ.1.70 લાખની મત્તા ચોરી ગયાં હતાં. વિદ્યાનગર ખાતે યુકો પાર્કના આનંદ બંગ્લોઝમાં રહેતાં પ્રવિણભાઈ નાનજીભાઈ શેરસીયા વિદ્યાનગર જીઆઈડીસી ખાતે ઓટોમોબાઇલ પાર્ટ્સ બનાવવાની ફોર્જીન કંપનીના માલિક છે.
તેઓ 22મી ઓગષ્ટના રોજ સવારે 11 વાગે સાળાના મકાનનું વાસ્તુ રાખેલું હોવાથી પત્ની સાથે રાજકોટ ગયાં હતાં. તેમના બે સંતાનો આદિત્ય તથા શિવાની ઘરે હાજર હતાં. જોકે, તેઓ પણ બપોરના રક્ષાબંધનનો તહેવાર હોવાથી અમદાવાદ ગયાં હતાં. આ દરમિયાન તેમનું ઘર બંધ હતું. બાજુમાં જ રહેતા પ્રવિણભાઈના મોટાભાઈ વજુભાઈએ રાતના એકાદ વાગે ફોન કરી જણાવ્યું કે, અમે બધા સાંજના સાતેક વાગ્યા પછી ફાર્મ હાઉસમાં જમવા ગયા હતા અને રાતના અગિયાર વાગે પરત આવ્યા તે વખતે તમારા ઘરની બાથરૂમની લાઇટ ચાલુ હોવાથી તપાસ કરી હતી. જેમાં પાછળનો દરવાજો તુટેલો હતો અને ઘરમાં ચોરી થયાનું જણાયું હતું. આથી, તમે તાત્કાલીક ઘરે આવી જાય. જેથી પ્રવિણભાઈ તાત્કાલિક વિદ્યાનગર પરત આવ્યાં હતાં અને ઘરમાં તપાસ કરતાં દરવાજાનું લોક તુટેલું હતું.
મકાનમાં નીચેના ભાગે બેડરૂમના દરવાજાનું તાળું તુટેલું હતું. બેડરૂમમાં આવેલા લાકડાંનું કબાટ તોડેલી હાલતમાં હતું. કપડા અને પર્સ, અન્ય વસ્તુઓ વેરણછેરણ હાલતમાં પડી હતી. બીજા બેડરૂમમાં પણ લાકડાનું કબાટ ખુલ્લી હાલતમાં હતું અને કપડાં, પર્સ તથા અન્ય વસ્તુઓ વેરણછેરણ હાલતમાં પડી હતી. તપાસ કરતાં નાની આખી તિજોરી જ તસ્કરો ચોરી ગયાં હતાં. જેમાં સોનાના પટ્ટાવાળી ઘડીયાળ, ચાંદીની ડીસ, ગ્લાસ, વાટકી, સિક્કા, આઈફોન, આઈ વોચ સીરીઝ-5, ઘડીયાળ સહિત કુલ રૂ. 1.70 લાખની મત્તા ચોરી ગયાં હતાં. આ બનાવની જાણ કરતાં વિદ્યાનગર પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને ડોગ સ્કવોર્ડ, ફિંગર પ્રિન્ટ એક્સપર્ટની મદદથી તસ્કરોનું પગેરું દબાવ્યું હતું.
તસ્કરો ફ્રિઝમાં પડેલું બધુ ખાઇ ગયાં
વિદ્યાનગરમાં ઉદ્યોગપતિના ઘરમાં ઘુસેલા તસ્કરોએ બધુ જ વેરણ છેરણ કરી દીધું હતું. આ ઉપરાંત ફ્રિઝમાં પડેલું બધું ખાઇ ગયાં હતાં. તિજોરીમાં પડેલો સામાન વેર વિખેર કરી નાંખ્યો હતો. મંદિરમાં પણ તોડફોડ કરી હતી.
કારની ચોરી કરી, બાંધણી ચોકડી નજીક અકસ્માત નડ્યો
પ્રવિણભાઈ શેરસીયાના ઘરમાં ચોરી કરવા ઘુસેલા તસ્કરોએ આંગણામાં પડેલી ફોર્ચ્યુન કાર પણ ઉઠાવીને ભાગી ગયાં હતાં. જોકે, તેઓને બાંધણી ચોકડી પાસે અકસ્માત નડ્યો હતો. જેના પગલે આસપાસના લોકો દોડી આવ્યાં હતાં અને મારમારવા લાગતાં ખેતરના રસ્તે ભાગી ગયાં હતાં. આ કાર પોલીસે કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
દસ લાખથી વધુ મત્તાની ચોરી થયાની શંકા
વિદ્યાનગર જીઆઈડીસીમાં કંપની ધરાવતા પ્રવિણભાઈના ઘરમાં ચોરી સંદર્ભે પોલીસ ચોપડે માત્ર રૂ.1.70 લાખની મત્તા દર્શાવવામાં આવી છે. જોકે, આ ચોરીમાં રૂ.10 લાખ ઉપરાંતનો મુદ્દામાલ ચોરાયાં હોવાની શંકા છે. ખાસ કરીને અઢી તોલાના દાગીના જ ફરિયાદમાં દર્શાવવામાં આવ્યાં છે. જેની કિંમત પોલીસે માત્ર રૂ.80 હજાર દર્શાવ્યાં છે. આ ઉપરાંત અન્ય કેટલીક કિંમતી વસ્તુ પણ તિજોરીમાં હતી. જે ચોરી થઇ છે.