મારું નામ નીલેશ છે, નીલેશ રૂપારેલ.. ગુપ્તાજીનો ઇસ્ત્રીનો બાંકડો હતો ને ત્યાં હવે હું કોફી બનાવીને વેચવાનો છું…’ મેં ચશ્માની જાડી ફ્રેમવાળા એ યુવાન સામે જોયું અને ચાની પ્યાલી ઓફર કરતા કહ્યું ‘વેલકમ ટુ બાંકડા બિઝનેસ…’ અને ઉમેર્યું ‘તમે કોફીવાળા ઓછા અને કોઈ લેખક જેવા વધુ લાગો છો…’ ‘એક્ચ્યુલી હું કોફીવાળો લેખક છું…’ નીલેશે ચાના ઘૂંટ લેતા કહ્યું. ‘હું ટીવી સીરિયલ લખું છું પણ લોકડાઉનમાં કામ ઠપ્પ થઇ ગયું છે અને મને કોફી પીવાની આદત છે. એક દિવસ હિસાબ કરતા મને સમજાયું કે મારી મોટા ભાગની બચત કોફી પીવામાં ખર્ચાઈ જાય છે એટલે મેં નક્કી કર્યું-
‘શું?’ મને એ ભાઈની વાતમાં કંઈ ગડ પડી નહિ. નીલેશે ખુલાસો કર્યો ‘એ જ કે કોફીમાં બહુ પૈસા ગયા હવે કોફીમાંથી પૈસા આવવા જોઈએ.’ આટલો વિચિત્ર તર્ક મેં કદી સાંભળ્યો નહોતો પણ યાદ આવ્યું કે આ ભાઈ ટીવી સીરિયલ લખે છે એટલે એમના તર્ક આવા જ હોય – સમજાય ઓછા પણ ગમ્મત પડે એવા. મેં કહ્યું ‘સરસ સરસ… કોફીએ હવે વળતી ફરજ નિભાવવી જોઈએ.’ ‘વાહ!’ મારી વાત સાંભળી નીલેશે ખુશ થઇ કહ્યું ‘આ લાઈન સારી છે.’
‘હો ત્યાચી લાઈન સારી ચ અસતે..ટીવી કે લિયે નહિ લીખતાના વો ઇસ લિયે…’ હવાલદાર શિંદેએ ટાપસી પૂરી. આ સાંભળી હું ચમક્યો- નીલેશને ખોટું લાગી જશે એમ મને થયું પણ એ તો ઊલટાનું વધુ ખુશ થઇ બોલ્યો ‘અરે વાહ. અહીં તો સહુ એક સે બઢ કર એક છે.’ ‘નીલેશ ભાઉ – યે ચીકુવાડી મેં સબ આર્ટીસ્ટ લોગ હી જમા હુએ હૈ. એક મેડમ હૈ વડાંપાંઉવાલી.. વો વડા કમ ઔર આદમી જ્યાદા તલતી હૈ.એક એન્ટીક માલ બેચતા હૈ વહાણવાલા… ઉસકો તો અપના વહાણ ચલાને કો પાની કી ભી જરૂરત નહિ – સીધા હવા મેં વહાણ ચલાતા હૈ….તુમ્હારી કમી થી અબ તુમ ભી આ ગયે!’ શિંદેએ કહ્યું. મેં ઉમેર્યું ‘અને આ હવાલદાર શિંદે, લાગે છે સામાન્ય પણ કામ એવાં કરે છે કે ગુનેગાર આને જોતાં જ ગુનો કરવાનું માંડી વાળે.’
‘ક્યા કુછ બી બોલતા હૈ – મૈ ક્યા ગુન્હેગાર લોગો કો અપની માંડી પર બીઠાતા હું?’ શિંદેએ ખીજવાઈ જઈ મને પૂછ્યું. મેં એને કહ્યું ‘શિંદે સાહેબ! ગપ્પ બસા હો! ગુજરાતી આણી મરાઠીચ્યા અસ ભેળપૂરી કરુ નકા હો. તુમ હવાલદાર હો – ટીવી કા ન્યૂઝ એન્કર નહિ કી સમજમેં નહિ આતા હૈ તો ભી વિરોધ શુરૂ કર દેને કા! માંડી વાળે –કા મતલબ ગુજરાતી મેં હોતા હૈ ઈરાદા બદલ ડાલના-’શિંદે શાંત પડ્યો પણ નીલેશ હજી આશ્ચર્ય અનુભવતો હતો. મને પૂછ્યું ‘પણ એમને શું લાગ્યું કે ચિઢાઈ ગયા?’ ‘માંડી એટલે મરાઠીમાં ખોળો. એમને લાગ્યું કે હું કહું છું કે એ ગુનેગારોને ખોળામાં બેસાડે છે.’ ‘ઓહોહો…..’ કહેતા નીલેશ જોરથી હસી પડ્યો. નીલેશના આવા હાસ્યથી ઝંખવાઈ ગયેલા શિંદેએ વળતો ઘા કર્યો ‘તુમ બોલા કી તુમ રાઈટર હૈ તો ઇતના ભી નહિ જાનતે કે માંડી મ્હણજે મરાઠી મેં ક્યા?’ ‘મૈ તો હિન્દી મેં લિખતા હું ના!’ નીલેશે બચાવ કર્યો. મેં શિંદેને કહ્યું ‘મતલબ યે હિન્દી મેં લિખતે હૈ ઇસ લિયે ઉનકા હિન્દી ખરાબ હોગા – મરાઠી મેં નહિ લિખતે.’
આ સાંભળી શિંદે અને નીલેશ બંને હસી પડ્યા. નીલેશ કંઈ બોલવા જતો હતો એટલામાં ચાર ગ્રાહક આવ્યા અને મને ઓર્ડર મળ્યો : ‘ચાર સ્પેશ્યલ ચાય –એક મેં શક્કર જ્યાદા, એક મેં અદરક નહિ, એક મેં શક્કર નહિ ઔર એક મેં દૂધ નહિ – સમજા?’ ‘અચ્છા –ઔર ચાયપત્તી તો સબ મેં પડેગા ના?’ મેં ગંભીરતાથી વાહિયાત સવાલ પૂછ્યો. પૂછતી વખતના મારા ચહેરાની સહજતાથી દોરવાઈ ઓર્ડર આપનારે મારો સવાલ ગંભીરતાથી લઇ એની સાથેના લોકોને પૂછ્યું ‘ચાયપત્તી તો સબકો ચલેગા ના?’ બધાએ હામાં ડોકું ધુણાવ્યું. મેં ચા બનાવવા માંડી.
નીલેશ બોલ્યો ‘મારે કંઈ વાત કરવી હતી પણ તમે બિઝી છો પછી આવું …’ ‘હા હા કોફીનો બાંકડો ક્યારથી શરૂ કરો છો?’ મેં પૂછ્યું. ‘આવતી કાલથી…એ જ વિશે વાત છે. પછી કરીએ.’ કહી એ ચાલ્યો ગયો. એના ગયા બાદ શિંદેએ મને ધીમા અવાજમાં કહ્યું ‘મેરેકો નહિ લગતા યે કોફી બેચને ઇધર આયા હૈ’ મેં શિંદે તરફ ચમકીને જોયું. શિંદેએ આગળ કહ્યું ‘રાઈટર લોગકા ક્લાસ હી અલગ હોતા હૈ –અયસા રોડ પર ધંધા નહિ કરતે રાઈટર લોગ…’
‘તો-? તુમ કો ક્યા લગતા હૈ – યે ક્યોં આયા હૈ અપની ચીકુવાડી મેં!’ ‘ઇન્ક્વાયરી કરના પડેગા…મેરે કો લગતા હૈ યે રાઈટર હૈ, ઇસ કો બમ્બઈ કા રોડ પર કા ધંધા યા એસા કોઈ સબ્જેક્ટ પર લિખને કા કામ મિલા હોગા ઇસ લિયે યે સ્ટડી કરને આયા હોગા.’ મને ખૂબ નવાઈ લાગી. મેં કહ્યું ‘એસા સ્ટડી કરને કે લિયે કોઈ કરતા હૈ ક્યા?’ ‘બહોત લોગ એસા કરતે હૈ. હમારા મરાઠી મેં મધુ મંગેશ કર્ણિક નામકા લેખક થા. ઉસને ધારાવી એરિયે પર કાદમ્બરી લિખી થી ‘માહિમ ચી ખાડી’ નામ કી .. વો લિખને કે લિયે વો ધારાવી કી ઝોંપડપટ્ટીમેં તીન મહિના રહેને ગયે થે…!’
‘અચ્છા!’ કહી હું વિચારમાં પડી ગયો…પછી તો શિંદે એના કામે ચાલ્યો ગયો પણ હું ચકરાવે ચઢી ગયો. રૂપાએ આજે પણ એનો વડાંપાંઉનો સ્ટોલ ઉઘાડ્યો નહોતો. બે દિવસ થયા પણ એના પગે હજી કળ નહોતી વળી. અનેક સવાલ હજી મારા મનમાં હતા જેનો ઉકેલ મળતો નહોતો. શું રૂપા અને એની બહેનપણી જીજ્ઞાનો ડ્રગવાળા સાથે કોઈ સંબંધ છે? શું ફિરદોસ વહાણવાલા રૂપાને એની હરકતો છાવરવામાં મદદ કરી રહ્યા છે? પણ એવું એ શું કામ કરે? કે પછી રૂપા, રાજુ અને એની બહેનપણી જીજ્ઞા અને ફિરદોસ વહાણવાલા –આ સહુ એકબીજા સાથે મળેલા છે? છેલ્લી ઘડીએ બાઈક પર રૂપા અને એની બહેનપણીને બાઈક પર ભગાવી જનાર રાજુ કોણ છે વાસ્તવમાં અને એ મારા બાંકડે ચા પીવા આવેલો કે કેમ? સહજ કે કોઈ ચોક્કસ ઈરાદાને કારણે?
આ બધા પ્રશ્નો પતે એ પહેલાં હવે આ નીલેશની એન્ટ્રી થઇ ગઈ! જે વાસ્તવમાં કોફી વેચવા નહિ પણ લેખક તરીકે નિરીક્ષણ કરવા આવ્યો છે! મને થયું હું કેટલા બધાં પાત્રોથી ઘેરાઈ ગયો છું! પછી મને થયું લેખક નીલેશ નહિ બલકે આ શિંદે જ છે! કેમ કે આ બધી કલ્પના એની જ છે – રૂપા અને જીજ્ઞા વિશે એણે જ શંકા વ્યક્ત કરી, રાજુને પણ એ જ ઓળખે છે. હવે નીલેશ પણ કોફી વેચવા નહીં પણ લખવા અહીં આવ્યો છે એમ એનું જ અનુમાન છે. એવું પણ બને કે આ સહુ પોતપોતાનું કામ કરતા હોય અને શિંદે એમને પોતાની વાર્તાના પાત્રની જેમ કલ્પનાના રંગ ચડાવતો હોય? ***
થોડી વારમાં નીલેશ ફરી આવ્યો. બાંકડે ત્યારે કોઈ ગ્રાહક નહોતો. નીલેશ બોલ્યો ‘થોડી વાત કરવી હતી’ ‘બોલો’ ‘હું કોફીનો બાંકડો નાખું એમાં તમને વાંધો નથી ને?’ ‘ના ભાઈ મને શું કામ વાંધો હોય?’ ‘ચાના ગ્રાહક કોફી તરફ ખેંચાય જશે એવું કંઈ?’ ‘અરે ભાઈ તમે કોફી સાથે ચા પણ બનાવીને વેચો તો ય મને વાંધો નથી.’ ‘ખરેખર?’ નીલેશે આશ્ચર્યથી પૂછ્યું. ‘જો ભાઈ – ચા જેની સારી હશે એની પાસે ગ્રાહક જશે. એમાં કોઈ શું કરી શકે?’ ‘આટલા બધા તમે ઓપન છો?’ ‘ના ઓપન નથી પણ હું જાણું છું કે આમાં મારું કંઈ ન ચાલે પછી ખોટું ટેન્શન શું કામ લેવું?’ ‘એ બરાબર પણ એવું કંઈ નહીં થાય. પહેલી વાત તો એ કે હું ચા નથી જ વેચવાનો, બીજી વાત એ કે જે ચા પીએ છે એ કોફી નથી પીતાં અને જે કોફી પીએ એમને ચામાં મઝા ન આવે એટલે ગ્રાહક કલેશ થાય એનો પ્રશ્ન જ નથી.. ત્રીજી વાત એ કે -’
‘પણ મને કોઈ વાંધો જ નથી તો એટલી બધી લાંબી દલીલ શા માટે? વેચો તમે તમારે જે વેચવું હોય એ’ ‘હાશ! મારા દિલ પરથી મોટો ભાર ઊતરી ગયો.’ ‘આવા ટીવી સીરિયલમાં હોય એવા જ ડાયલોગ તમે બોલો છો?’ ‘ના ના.. આઈ મીન ઈટ. હાલાકી…’ ‘આ હાલાકી પણ મેં ટીવી સીરિયલ સિવાય ક્યાંય સાંભળ્યું નથી..’ મેં એની વાત કાપતા કહ્યું. ‘ઓહ…બને કે મારી લેન્ગવેજ ફિલ્મી થઇ ગઈ હોય. હું ધ્યાન રાખીશ.’ કહી નીલેશ ઊભો થયો અને ‘કાલથી હું પણ શરૂ કરું કોફીનું કામ…’ કહી ચાલ્યો ગયો. અને હું મારા મગજમાં શિંદેએ આપેલી માહિતીઓના ગૂંચવાડા ભૂલીને મારા કામમાં ખોવાઈ ગયો. *** ‘રાજુ…મૈ શિંદે. દરવાજા ખોલ.’ રાતના અગિયાર વાગ્યા હતા. અત્યારે શું હશે? મેં દરવાજો ખોલ્યો ત્યારે શિંદે બોલ્યો ફટાફટ કપડાં બદલ. મૈ બાઈક લાયા હું’ મેં જોયું કે શિંદે સાદા કપડામાં હતો. શું હશે? મેં ઝાઝા સવાલ ન કર્યા. કપડાં બદલી એની સાથે થઇ ગયો. બાઈક પર માંડ પાંચ મિનિટ લાગી. શિંદેએ એક બાર પાસે બાઈક રોકી. ‘મેરા પીને કા મૂડ નહિ.’
મારી વાતને અવગણી શિંદે મને બારની પરસાળમાંના ટેબલ પર દોરી ગયો. અમે બન્ને બેઠા. શિંદેએ બન્ને માટે ડ્રીંક ઓર્ડર કરી મને કહ્યું ‘દારુ પીને કો નહિ લાયા તેરે કો’ મેં પ્રશ્નસૂચક નજરે એની સામે જોયું. ‘યે ખિડકી મેં સે અંદર દેખ’ અમે બેઠા હતા એ પરસાળમાં એક બારીથી અંદરનો રૂમ દેખાતો જે બારનો મુખ્ય રૂમ હતો પીવા માટેનો. મેં ઉત્સુકતાથી એ બારીમાંથી અંદર જોયું. રૂમમાં ભીડ હતી. કોઈ ટેબલ ખાલી નહોતું. એક ટેબલ પર નીલેશને બેઠેલો જોઈ હું ચમક્યો. ‘નીલેશ?’ મેં શિંદેને પૂછ્યું. શિંદેએ સહજતાથી કહ્યું ‘નીલેશ કિસકે સાથ બૈઠા હૈ વો દેખા?’ મેં ફરી અંદર જોયું અને જોઇને સડક થઇ ગયો. નીલેશની સામે પેલો બાઈકવાળો યુવાન રાજુ બેઠો હતો.