રશિયાની ઓલિમ્પિયન એલા આ વખતની ટોકયો ઓલિમ્પિકમાં ગોલ્ડમેડલ જીતી પોતાના દેશનું નામ વિશ્વમાં ફરી એક વાર રોશન કરવામાં સફળ રહી છે. એલા, સિંક્રોનાઈઝ સ્વિમિંગમાં ભાગ લેતી રહી છે. આ પહેલાં પણ 2016માં રિયો ઓલિમ્પિક અને 2012માં લંડન ઓલિમ્પિકમાં ગોલ્ડમેડલ જીતી ચૂકી છે. આટલી સફળ એલાએ આ વખતે ગોલ્ડમેડલ જીત્યા પછી રશિયન ન્યૂઝ આઉટલેટ્સ એક્સપ્રેસ સાથે તેના પ્રદર્શન વિશે વાતચીત કરી હતી. રશિયાની આ મહાન ઓલિમ્પિયન ચેમ્પિયને એવું કહી સનસનાટી મચાવી દીધી કે સેક્સ મને સ્પર્ધામાં ઘણી શક્તિ આપે છે. સેક્સ રમતગમતમાં તેના પ્રદર્શનને સુધારવામાં ઘણી મદદ કરે છે. તેમનું માનવું છે કે સેક્સ મેડલ જીતવા માટે તેમને ઘણું ફાયદાકારક રહ્યું છે.
એવું નથી કે કોઈ ઓલિમ્પિયને પહેલી વાર સ્પર્ધા પહેલાં સેકસનું સમર્થન કરેલું હોય. અમેરિકાના એક જમાનાના ટ્રેક સ્ટાર ડેવિડ વોટ્ટલ અને કેનેડિયન ડાઉનહિલ સ્કીયર કેરીન ગાર્ડનર- બંનેએ પોતાને ઓલિમ્પિક ગોલ્ડમેડલ મેળવવાનો મહત્તમ જશ પોતાની આગલા દિવસના સેક્સ માણવાને આપેલ હતો. ન્યૂયોર્ક યાન્કીના સુપ્રસિદ્ધ મેનેજર કેસી સ્ટનજેલના મતે આ લોકોને સેક્સથી નુકસાન નથી થતું પરંતુ તેના માટે આખી રાત તડપવાથી બીજા દિવસની રમત ઉપર અસર પડે છે.
અમુક લોકોનું માનવું છે સેક્સ અને રમત એ પાણી અને તેલ જેવું છે. જે ક્યારેય ભેગા થઈ શકે નહીં. પ્રાચીન ગ્રીસ કે જ્યાંથી ઓલિમ્પિકનો પ્રારંભ થયો ત્યાંના લોકો એવું માનતા હતા કે રમતવીરોએ રમતમાં ભાગ લેતા પહેલાં સેક્સ ના માણવું જોઈએ. ઘણાં વર્ષોથી ફૂટબોલના કોચ, ઓલિમ્પિકના રમતવીરો અને મહાન બોક્સર મોહમ્મદ અલી પણ મહત્ત્વની રમતની આગલી રાત્રે સેક્સ માણવાથી દૂર રહેવું જોઈએ એવું વારંવાર કહી ચૂક્યા છે. ૫૦૦૦ મીટરની દોડમાં એક સમયની વિશ્વના નંબર વન અમેરિકન દોડવીર માર્ટી લિકોરીના મતે સેક્સ તમને આનંદ આપે છે પણ દોડમાં મેડલથી દૂર રાખે છે. બફેલો બિલ્સ નામની ટીમના હેડ કોચ મરવ લેવી ચાર સુપર બોલ્સના ટીમના મુકાબલા અગાઉ તેમને તેમની પત્નીઓથી દૂર રાખવાનો આગ્રહ રાખતો હતો. જો કે તેની આ નીતિ તદ્દન નિષ્ફળ રહી હતી. (તેની ટીમ ચારે સુપર બોલ્સમાં હાર પામી હતી). જ્યારે બીજી બાજુ અનેક રમતવીરો છે જેઓએ રમતની આગલી રાત્રે સેક્સ માણવાનું સ્વીકાર્યું હોય અને બીજા દિવસે રમતમાં પણ મેદાન માર્યું હોય.
મોટા ભાગના લોકો માને છે કે રમતગમત દ્વારા યુવાનોને પ્રેરણા મળવી જોઈએ નહીં કે નવી પેઢીને જન્મ. પરંતુ શું ઓલિમ્પિયન્સ, રોમાન્સ અને સેક્સમાં વ્યસ્ત રહેશે અથવા તો પ્રાચીન ગ્રીકની ઓલિમ્પિયન્સની જેમ રમતમાં ભાગ લેતા પહેલાં સેકસથી દૂર રહેશે? મોટા ભાગના દેશના ઓલિમ્પિક સ્પર્ધકોને સેક્સ માણવાથી તેમના દેશના કોચ રોકી શકતા નથી. આ જ કારણસર લંડન ઓલિમ્પિક દરમિયાન રમતવીરોને આશરે દોઢ લાખ કોન્ડોમ અને ચાલીસ હજાર પેકેટ્સ લુબ્રિકન્ટ્સ પૂરા પાડવામાં આવ્યા હતા. જ્યારે સિડની ઓલિમ્પિક દરમિયાન રમતવીરોને દિવસના ત્રણ કોન્ડમ આપવામાં આવ્યા હતા. જો કે પાછળથી માંગ વધતા વધુ જથ્થો પૂરો પાડવામાં આવ્યો હતો. હજી સુધી ટોકયો ઓલિમ્પિક દરમિયાન આવો કેટલો જથ્થો રમતવીરોને પૂરો પાડવામાં આવેલો તેનો ઓફિશ્યલ આંકડો બહાર પાડવામાં આવેલ નથી.
દર ચાર વર્ષે ઓલિમ્પિક આવે અને રમત અને સેક્સ ઉપર વિવાદ ઊભો થતો હોય છે. આ વખતે પણ ટોકયો ઓલિમ્પિક દરમિયાન અને પૂરા થયા પછી પણ વિવાદ ચાલુ રહેલ છે. આ વખતે શરૂઆતમાં ટોકયો ઓલિમ્પિક્સમાં રમતવીરોને કાર્ડબોર્ડ પથારી આપવામાં આવી હતી. ઓલિમ્પિકના આયોજકોનું કહેવું હતું કોવિડ ૧૯ રોગચાળા વચ્ચે જાતીય પ્રવૃત્તિ અટકાવવા માટે તેમણે આમ કર્યું હતું. જો કે ભૂતપૂર્વ જર્મન લોગ જમ્પ ચેમ્પિયન સુશાંત ટીડ્ ટેકે કહ્યું કે આયોજકો શું કરે છે તે ધ્યાનમાં લીધા વગર ઓલિમ્પિક શહેરમાં હંમેશાં સેક્સ એક સહજ પ્રક્રિયા હોય છે. સેકસ ઉપર સીધા કે આડકતરા પ્રતિબંધો ક્યારેય કામ કરતા નથી. ઘણા હોબાળા પછી ઓલિમ્પિક અધિકારીઓને સ્પષ્ટતા કરવાની ફરજ પડી કે કાર્ડબોર્ડ પથારી તેમની ટકાઉપણા અને મજબૂતીના કારણે આપવામાં આવી છે.
૧૯૯૨ અને 2000 ની ઓલિમ્પિકમાં ભાગ લેનાર ટીડ્ ટેકેનું માનવું છે કે લોકો સેક્સ માટે હંમેશાં ઉત્સુક હોય છે. ઓલિમ્પિક દરમિયાન તે શહેરમાં ઘણી બધી પાર્ટીઓ થતી હોય છે. આ પાર્ટીઓમાં અલગ અલગ દેશોના હેન્ડસમ, હોટ અને બોલ્ડ લોકો પોતાના સાથી વગર બિન્દાસ્ત આવતા હોય છે. આવી પાર્ટીઓમાં દારૂ પાણીની જેમ વહેતો હોય છે, જે બળતામાં પેટ્રોલ નાખવાનું કામ કરે છે. આવી પાર્ટીઓ રમતવીરોને પૂરતી ઊંઘ લેવા દેતી નથી અને એવા લોકો પણ હોય છે જે સવાર સુધી સેક્સ માણે છે. ટીડ્ ટેકેના મતે જ્યારે તમે સેક્સ કરો છો ત્યારે તમારું શરીર રિચાર્જ થાય છે અને અંદરથી ઊર્જા આવે છે. હોપ સોલો બે વખત US ગોલ્ડમેડલ વિજેતા છે. તેમને ૨૦૧૨ના ઓલિમ્પિકના યજમાન શહેરનો અનુભવ પણ છે. ૨૦૧૨માં ESPNને આપેલા એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું ઓલિમ્પિક દરમિયાન લોકો મન મૂકીને સેકસ માણતા હોય છે. મેં લોકોને જાહેરમાં સેક્સ કરતા જોયા છે. કોઈ ઘાસ પર પડેલું છે અને કોઈ બે ઇમારતની વચ્ચે સેક્સ માણતું હતું.
આધુનિક ઓલિમ્પિયન્સ અને વિજ્ઞાનીઓ સ્પર્ધા પહેલાં સેક્સ માણવા તથા તેનાથી રમતવીરની ક્ષમતા પર અસર થતી હોવાના મુદ્દે ભિન્ન મંતવ્યો ધરાવે છે. ઐતિહાસિક રીતે એવું માનવામાં આવે છે સેક્સયુઅલ ક્રિયાઓ શારીરિક ક્ષમતા ઘટાડે છે. તમારી આક્રમકતા અને ટેસ્ટોસ્ટરોનમાં ઘટાડો થાય છે. જેના પરિણામે શરીર પછીના દિવસે પૂરી તાકાત સાથે કામ કરી શકતું નથી. આથી જ ઘણા કોચ, મેનેજર અને રમતવીરો સ્પર્ધાની આગલી રાત્રે તો કેટલીક વાર અઠવાડિયા અગાઉથી સેક્સ માણવાથી દૂર રહેતા આવ્યા છે.
મહાન બોક્સર મોહમ્મદ અલીના જણાવ્યા અનુસાર તેઓ મોટી લડાઈ પહેલાંના છ સપ્તાહ સુધી સેક્સ માણવાનું ટાળતા હતા. 2010 ના વર્લ્ડ કપ દરમિયાન ઇંગ્લેન્ડના મેનેજર ફાબિયો કાપેલોએ તેના ખેલાડીઓને તેમની પત્નીઓ અને ગર્લફ્રેન્ડ્સ પર મળવા પર નિયંત્રણ મૂકેલ હતો અને દરેક રમત પછી માત્ર એક જ દિવસ મળવાનો સમય આપ્યો હતો. ૧૯૯૮ની ટુર્નામેન્ટ દરમિયાન કોચ ગ્લેન હોડલે તેની ટીમને કોઈ પણ રીતે સેક્સ માણવા પર પ્રતિબંધ મૂક્યો હતો. આનાથી તદ્દન વિપરીત એક સંશોધનમાં જાણવામાં આવ્યું છે જે લોકો સેકસથી દૂર રહેતા હોય છે તેઓ સ્ટ્રેસમાં વધારે રહેતા હોય છે.
કદાચ આનું કારણ એ હોઈ શકે કે જ્યારે પણ સેક્સ દરમિયાન વ્યક્તિ ચરમસીમા ઉપર પહોંચે છે ત્યારે ઓક્સિટોસિન નામનું હોર્મોન તેમના શરીરમાં રિલીઝ થાય છે. આ હોર્મોનના કારણે સ્ટ્રેસ ઓછું થતું જોવા મળેલું છે. જેથી જ ઓક્સિટોસિન હોર્મોનને સ્ટ્રેસ બસ્ટર હોર્મોન તરીકે પણ ઓળખવામાં આવે છે. વિજ્ઞાનીઓના મતે સેક્સથી શારીરિક ક્ષમતા, તાકાત કે જોમ ઘટતું હોવા અંગે કોઈ પણ પુરાવા મળ્યા નથી. આ અંગે ફિઝિયોલોજી નિષ્ણાત અને કેનેડિયન એકેડેમી ઓફ સ્પોર્ટસ મેડિસિનના ભૂતપૂર્વ અધ્યક્ષ ડૉક્ટર ઈયાન શ્રીયરના મતે રમતની આગલી રાત્રે માણેલ સેક્સથી રમતવીરની શારીરિક ક્ષમતા કે દેખાવ પર અસર પડતી હોવાની વાતનો કોઈ પુરાવો નથી.
ક્લિનિકલ જનરલ ઓફ સ્પોર્ટસ મેડિસિનમાં પ્રકાશિત એક સંશોધનમાં સ્પર્ધાની આગલી રાત્રે માણેલા સેકસથી બીજા દિવસે રમતવીરના મેદાન ઉપર દેખાવમાં કોઈ અસર થતી નથી એવું જણાવેલ છે. પરંતુ હોઈ શકે કે તેને માનસિક અસર સાથે સંબંધ હોય. જે લોકો માને છે કે તેનાથી કાર્યક્ષમતામાં ઘટાડો થાય છે તો તેની પાછળનું કારણ એવું હોઈ શકે કે તેનાથી લક્ષ પર ધ્યાન ઘટી જાય છે અથવા તો સેક્સના કારણે આક્રમકતા અને તણાવમાં ઘટાડો થવાને કારણે તેઓ આવું કહેતા હશે. ભલે ઓલિમ્પિકમાં સેક્સ માટે કોઈ મેડલ નથી પરંતુ તે દરેક ઓલિમ્પિકની શરૂઆત પહેલા, દરમિયાન અને પૂર્ણાહુતિ પછી પણ હંમેશાં એક વિવાદનો વિષય રહ્યો છે.