SURAT

તાપી નદીમાં ઝેરી કેમિકલ છોડાતાં હજારો જળચરનાં મોત

એક બાજુ તાપી નદીમાં ઠલવાતી ગંદકી બંધ કરાવવા માટે મનપા દ્વારા તાપી શુદ્ધિકરણ પ્રોજેકટ હેઠળ કરોડો રૂપિયા ખર્ચાઇ રહ્યાં છે. ત્યારે અબ્રામા વિસ્તારમાં તાપી નદીના કિનારા પર વહેલી સવારમાં સેંકડોની સંખ્યામાં માછલી, કરચલા, સાપ સહિતના જળચરના મૃતદેહો તણાઇ આવતા અરેરાટી મચી જવા પાણી હતી. અબ્રામાથી માંડીને સવજી કોરાટ બ્રિજ સુધીના વિસ્તારમાં તાપી નદીમાં લાખોની સંખ્યામાં જળચરના મૃતદેહો તરતાં હોવાનું દ્રશ્ય સર્જાયું હતું.

આ ધટનાની જાણ થતા જ વહિવટી તંત્ર પણ દોડતું થયું હતું. મનપાના આરોગ્ય વિભાગ દ્વારા પણ ટીમ મોકલી તપાસ હાથ ધરવામાં આવી હતી તેમજ મનપા અને ગુજરાત પર્યાવરણ કંટ્રોલ બોર્ડ દ્વારા સેમ્પલ લેવાયા હતાં.વહેલી સવારે ચાલવા નીકળેલા લોકોએ આ દ્રશ્ય જોયા બાદ સમગ્ર વિસ્તારમાં આ વાત વાયુવેગે પ્રસરી ગઇ હતી.

તેમજ લોકો દ્વારા કરાયેલા આક્ષેપ મુજબ નદી કિનારાના ઉદ્યોગો દ્વારા ઝેરી કેમિકલવાળુ પાણી તાપી નદીમાં ઠાલવવામાં આવતાં આ સેંકડો જળચર જીવો મોતને ભેંટ્યા છે. સ્થાનિકો દ્વારા સમગ્ર પ્રકરણમાં તપાસની માંગ સાથે જવાબદારો વિરૂદ્ધ સખત કાર્યવાહીની લાગણી વ્યકત કરી હતી. ઘટના સ્થળે દોડી આવેલી સ્થાનિક કોર્પોરેટર મોનાલી હીરપરાએ જણાવ્યું હતું કે, નદીમાં ઝેરી કેમિકલ ઠાલવવામાં આવ્યું હોવાને કારણે હજારોની સંખ્યામાં જળચર જીવોના અકાળે મોત થવા પામ્યાં છે અને આ ખૂબ જ ગંભીર બાબત છે.

આ ઘટનાને કારણે તાપી નદીના પાણીથી આસપાસના વિસ્તારોમાં રોગચાળો પણ ફેલાવવાની શક્યતાઓ નકારી શકાય તેમ નથી. અબ્રામાથી સવજી કોરાટ બ્રિજ સુધીના આઠેક કિલોમીટરના વિસ્તારમાં માછલી – કરચલા અને ઝિંગા સહિતના જીવો સેંકડોની સંખ્યામાં પડ્યા હોવાને કારણે જીવદયા પ્રેમીઓમાં પણ ભારોભાર આક્રોશ ફાટી નીકળ્યો હતો.

Most Popular

To Top