અશાંત બલુચિસ્તાન પ્રાંતમાં ચીની નાગરિકોના એક કાફલા પર એક આત્મઘાતી બોમ્બરના હુમલા બાદ ચીને આજે પાકિસ્તાનને વિવિધ ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટોમાં કામ કરી રહેલા તેના નાગરિકોની સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવવા માટે વ્યવહારુ અને અસરકારક પગલાઓ લેવા જણાવ્યું હતું.
અહીંના ચીની દૂતાવાસે આજે એક નિવેદન બહાર પાડીને ગ્વાદરમાં ગઇકાલે થયેલા આ હુમલાને સખત રીતે વખોડી નાખ્યો હતો. આ બંદરીય શહેરમાં ચાર વાહનોમાં જઇ રહેલા ચીની નાગરિકોના કાફલા પર આ હુમલો થયો હતો જેમાં નજીકમાં રમતા બે બાળકોના મૃત્યુ થયા હતા જ્યારે એક ચીની નાગરિક સહિત અનેક જણાને ઇજા થઇ હતી. ચીની દૂતાવાસે જણાવ્યું હતું કે તેણે તત્કાળ એક ઇમરજન્સી પ્લાન શરૂ કર્યો છે. તેણે પાકિસ્તાન સમક્ષ ઇજાગ્રસ્તોની યોગ્ય સારવાર સહિત આ ઘટનાની વ્યાપક તપાસ કરાવવાની અને તે આચરનારાઓને સખત સજા કરવાની માગણી કરી છે.
પાકિસ્તાની સત્તાવાળાઓએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેણે આ શત્રુતાભર્યા ઇરાદાઓની નોંધ લઇને ચીની નાગરિકોની સુરક્ષા માટેના વ્યાપક પગલાઓ ભર્યા જ છે અને તે પાકિસ્તાનમાં ચીની નાગરિકોના સુરક્ષિત વસવાટેને સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે.