Gujarat

558 ગુજરાતી માછીમારો પાકિસ્તાનની જેલોમાં બંધ, તેમને મુક્ત કરાવવા સરકારે કઈ જ પ્રયત્ન નથી કર્યા: કોંગ્રેસ

પાકિસ્તાનની જેલોમાં બંધ ગુજરાતના માછીમાર ભાઈઓને મુક્ત કરાવવા, આ માછીમારભાઈના પરિવારો માટે આર્થિક સહાય પેકેજ ફરીથી શરુ કરાવા અને બોટ ગુમાવનાર બોટ માલિકો નવી બોટ ખરીદી માટે સહાય આપવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ રાજ્યના મત્સ્યઉદ્યોગ મંત્રી જવાહર ચાવડાને પત્ર લખી વિનંતી કરી છે.

અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે અત્યારે ગુજરાતના 558 માછીમારો પાકિસ્તાનની અલગ અલગ જેલમાં કેદ છે. પહેલા કોન્સુલેટ એક્સેસ પછી અરસપરસના ધોરણે સમયાંતરે ખાસ કરીને દર વર્ષે 15 ઓગસ્ટના દિવસે સરકાર દ્વારા ભારતીય માછીમારોને પાકિસ્તાની કેદમાંથી મુક્ત કરી દેવાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવતી હતી. પરંતુ વર્તમાન ભાજપ સરકાર દ્વારા આવી કોઈ વ્યવસ્થા કરવામાં આવતી નથી. પરિણામે ગુજરાતના માછીમારો પાકિસ્તાનની જેલોમાં લાંબા સમયથી નર્કાગાર જેવી જીંદગી વિતાવવા મજબુર બન્યા છે તેમજ તેમના પરિવારજનો અહીં કોઈ આવક વગર વિકટ પરિસ્થિતિમાં જીવન નિર્વાહ કરી રહ્યાં છે.

મોઢવાડિયાએ વધુમાં કહ્યું હતું કે તત્કાલીન વડાપ્રધાન ડો.મનમોહનસિંહ અને કેન્દ્રીય નેતૃત્વને રજૂઆત કરતા કોંગ્રેસ સરકારે પાકિસ્તાન દ્વારા અપહરણ કરાયેલા માછીમારોના પરિવારજનો અને બોટ માલિકો માટે એક ખાસ પેકેજની જાહેરાત કરી હતી, પરંતુ કમનસીબે કેન્દ્રમાં ભાજપ સરકાર બન્યા બાદ માછીમાર પરિવારો અને બોટ માલિકો માટેના આ રાહત પેકેજને બંધ કરી દેવામાં આવ્યું છે. પાકિસ્તાની વિવિધ જેલોમાં આજે ગુજરાતનાં 558 માછીમારો બંધ છે, તેમ છતાં ના તેમને છોડાવવા કોઈ પ્રયત્નો થઈ રહ્યા છે કે ના તેમના પરિવારજનોને કોઈ આર્થિક મદદ કરવામાં આવી રહી છે.

Most Popular

To Top