દુબઇ : યુએઇ (UAE)માં રમાનારા ટી-20 વર્લ્ડકપ (T-20 world cup)માં ભારતીય ટીમ પોતાના પરંપરાગત હરીફ પાકિસ્તાન (Pakistan) સામેની 24 ઓક્ટોબરે રમાનારી સુપર-12 તબક્કાની મેચથી પોતાના અભિયાનની શરૂઆત કરશે.
આઇસીસી (ICC) દ્વારા મંગળવારે ટી-20 વર્લ્ડકપનો કાર્યક્રમ જાહેર કરીને આ માહિતી આપવામાં આવી હતી. આઇસીસીએ જાહેર કરેલા કાર્યક્રમ અનુસાર ભારતની તે પછીની બીજી મેચ 31 ઓક્ટોબરે દુબઇમાં ન્યુઝીલેન્ડ (New Zealand)ની સામે છે અને ત્યાર પછી 3 નવેમ્બરે ભારતીય ટીમ અબુધાબીમાં અફઘાનિસ્તા (Afghanistan)નનો સામનો કરશે. ભારતીય ટીમે તે પછી સુપર-12ની બાકી બચેલી બે મેચમાં 5 નવેમ્બરે ગ્રુપ-બીની નંબર વન ટીમ સામે રમશે અને 8 નવેમ્બરે ગ્રુપ-એમાં બીજા સ્થાને રહેલી ટીમનો સામનો કરશે. આ બંને મેચ દુબઇમાં જ રમાશે.
ભારતની ટી-20 વર્લ્ડકપની મેચ
24 ઓક્ટોબર ભારત વિ પાકિસ્તાન દુબઈ
31 ઓક્ટોબર ભારત વિ ન્યૂઝીલેન્ડ દુબઈ
3 નવેમ્બર ભારત વિ અફઘાનિસ્તાન અબુ ધાબી
5 નવેમ્બર ભારત વિ બી-1 દુબઈ
8 નવેમ્બર ભારત વિરુદ્ધ એ-2 દુબઈ
ભારત પાકિસ્તાન વચ્ચે રમાયેલી 8 ટી-20માંથી 7 ભારતે જીતી છે
ભારતીય ટીમ અને પાકિસ્તાનની વચ્ચે અત્યાર સુધી વર્લ્ડકપની ચાર મળીને કુલ 8 ટી-20 મેચો રમાઇ છે, જેમાંથી ભારતીય ટીમે 7 મેચ જીતી છે જ્યારે પાકિસ્તાની ટીમ માત્ર એક મેચ જીત્યું છે. ટી-20 વર્લ્ડકપમાં બંને વચ્ચે રમાયેલી કુલ ચાર મેચોમાં તમામ મેચ પાકિસ્તાન હાર્યું છે. જ્યારે વર્લ્ડકપ સિવાય રમાયેલી ચાર મેચોમાંથી ત્રણ ભારતીય ટીમ જીતી છે અને માત્ર એક મેચ પાકિસ્તાની ટીમ જીતી છે. બંને વચ્ચે છેલ્લે 2016ના ટી-20 વર્લ્ડકપની કોલકાતામાં મેચ રમાઇ હતી, જેમાં ભારતીય ટીમ જીતી હતી.
આઇસીસી દ્વારા મંગળવારે ટી-20 વર્લ્ડકપનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો. આઇસીસી દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ અનુસાર ટૂર્નામેન્ટનો પ્રથમ તબક્કો 17 ઓક્ટોબરે ઓમાન ખાતેથી શરૂ થશે. જેમાં પહેલી મેચમાં ઓમાન અને પપુઆ ન્યુ ગીની એકબીજા સામે રમશે. જ્યારે બીજી મેચ બાંગ્લાદેશ અને સ્કોટલેન્ડ વચ્ચે રમાશે. 23 ઓક્ટોબરથી સુપર-12 મેચ સાથે ટૂર્નામેન્ટનો બીજો તબક્કો શરૂ થશે અને તેની પહેલી મેચ અબુધાબીમાં ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાશે અને એ દિવસે જ દુબઇમાં વેસ્ટઇન્ડિઝ વિરૂદ્ધ ઇંગ્લેન્ડની ટીમ મેદાને પડશે. પહેલી અને બીજી સેમી ફાઇનલ 10-11 નવેમ્બરે અને ફાઇનલ 14 નવેમ્બરે રમાશે, ફાઇનલ માટે 15 નવેમ્બરનો દિવસ રિઝર્વ રખાયો છે. આ ત્રણેય મેચ દુબઇમાં જ રમાશે.
શ્રીલંકા ગ્રુપ-એમાં જ્યારે બાંગ્લાદેશ ગ્રુપ-બીમાં
પ્રથમ તબક્કાની મેચોમાં ભાગ લેનારી ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. જેમાં ગ્રુપ-એમાં 2014નું ચેમ્પિયન શ્રીલંકાની સાથે આયરલેન્ડ, નેધરલેન્ડ અને નામિબિયાનો સમાવેશ થાય છે. જ્યારે ગ્રુપ બીમાં બાંગ્લાદેશની સાથે સ્કોટલેન્ડ, પાપુઆ ન્યુ ગીની અને ઓમાન સામેલ છે. આ બંને ગ્રુપમાં ટોચના સ્થાને રહેલી 2-2 ટીમો સુપર-12 રાઉન્ડમાં ક્વોલિફાય કરશે.
સુપર-12 તબક્કા માટે પણ બે ગ્રુપ પાડવામાં આવ્યા
ટી-20 વર્લ્ડકપના સુપર-12 તબક્કા માટે પણ બે ગ્રુપ પાડવામાં આવ્યા છે. જેમાં ગ્રુપ-1માં ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા અને વેસ્ટઇન્ડિઝની સાથે ગ્રુપ-એની નંબર વન અને ગ્રુપ બીની નંબર ટુ ટીમ સામેલ છે, જ્યારે ગ્રુપ-2માં ભારતની સાથે ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને ગ્રુપ બીની નંબર વન તેમજ ગ્રુપ બીની નંબર ટુ ટીમનો સમાવેશ કરાયો છે.
પાકિસ્તાન માટે ટી-20 વર્લ્ડકપ ઘરઆંગણેના આયોજન જેવો : બાબર આઝમ
પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમ ટી-20 વર્લ્ડકપમાં પોતાની ટીમનું અભિયાન શરૂ કરવા માટે ઉત્સુક છે. તેણે કહ્યું હતું કે અમારી ટીમ યુએઇમાં સતત રમતી રહી છે અને ત્યાંની સ્થિતિ અમારા માટે ઘરઆંગણા જેવી છે. તેથી પાકિસ્તાન માટે આઇસીસી ટી-20 વર્લ્ડકપ એક ઘરઆંગણાના આયોજન જેવું છે. કારણકે યુએઇ એક દશક કરતાં વધુ સમયથી અમારા માટે આયોજન સ્થળ રહ્યું છે. અમે યુએઇમાં અમારી પ્રતિભા અને ટીમને વધુ મજબૂત બનાવી છે.
વિન્ડીઝનો કેપ્ટન કિરોન પોલાર્ડ 2016ના ડિફેન્ડીંગ ચેમ્પિયનનું બિરૂદ બચાવવા ઉત્સુક
વેસ્ટઇન્ડિઝનો કેપ્ટન કિરોન પોલાર્ડ 2016માં ચેમ્પિયન બનેલી પોતાની ટીમનું ડિફેન્ડીંગ ચેમ્પિયન તરીકેનું બિરૂદ બચાવવા ઉત્સુક છે. 2016માં ઇડન ગાર્ડનમાં રમાયેલી ફાઇનલની અંતિમ ઓવરમાં કાર્લોસ બ્રેથવેટ દ્વારા ફટકારવામાં આવેલા ચાર છગ્ગાની મદદથી પાસું પલટીને ઇંગ્લેન્ડને હરાવીને વેસ્ટઇન્ડિઝની ટીમ ચેમ્પિયન બની હતી. તેણે કહ્યું હતું કે અમારું ગ્રુપ રસપ્રદ છે. જ્યાં ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા જેવી ટીમો પણ છે.
ટી-20 વર્લ્ડકપ એક રસપ્રદ અને રોમાંચક મુકાબલો બની રહેવાની ઇયોન મોર્ગનને આશા
ઇંગ્લેન્ડના કેપ્ટન ઇયોન મોર્ગને એવી આશા વ્યક્ત કરી હતી કે આ વખતનો ટી-20 વર્લ્ડકપ એક રસપ્રદ અને રોમાંચક મુકાબલો બની રહેશે. મોર્ગને કહ્યું હતું કે આઇસીસી ટી-20 વર્લ્ડકપ જોરદાર બની રહેશે. દુનિયાભરમાં ટી-20 ક્રિકેટના લેવલમાં ઝડપથી સુધારો થઇ રહ્યો છે અને દરેક દેશ પાસે ચેમ્પિયન બનવાની તક છે. આ ટી-20 વર્લ્ડકપ અત્યાર સુધીનો સૌથી રસપ્રદ અને સૌથી વધુ સ્પર્ધાત્મક વૈશ્વિક ટૂર્નામેન્ટમાંથી એક બની રહેશે