Surat Main

જૂની સિવિલની દિવાલ પર 15 ઓગસ્ટ બ્લેક ડે, આરએસએસ આતંકવાદી જેવા લખાણ લખાયા

શહેરના હાર્દ સમાન કોટ વિસ્તારના ચોક બજારમાં આવેલી જૂની સિવિલ હોસ્પિટલની દિવાલ ઉપર અસામાજિક તત્વો દ્વારા રાષ્ટ્ર વિરોધી લખાણ લખતા ભારે વિવાદ સર્જાયો છે. પરંતુ પોલીસ આ રાષ્ટ્ર વિરોધી લખાણ જોઈને ગદ્દારો સામે દેશદ્રોહની એફઆઈઆર દાખલ કરવાની જગ્યાએ જાણવા જોગ દાખલ કરી આ તત્વોને પ્રોત્સાહન આપવા જેવો ઘાટ સર્જયો છે.

શહેરના ચોક બજાર વિસ્તારમાં આવેલી જૂની સિવિલ હોસ્પિટલની દિવાલ ઉપર 15 ઓગસ્ટ સ્વતંત્રતા દિવસે જ 15 ઓગસ્ટ બ્લેક ડે, આરએસએસ આતંકવાદી સંગઠન, આરએસએસ પર બેન મુકો જેવા લખાણ લખ્યાં હતાં. આ લખાણો જોઈને દિપક આફ્રિકાવાલા, ધારાસભ્ય પૂર્ણેશ મોદી સહિતના નેતાઓ દોડી આવ્યા હતાં. અઠવા પોલીસ ઇન્સપેક્ટર સહિતનો સ્ટાફ પણ સ્થળ ઉપર દોડી ગયો હતો.

પરંતુ તેમના દ્વારા કોઈ પગલાં નહીં લેવાયા હોવાના આક્ષેપો થયા હતાં. આ અંગે પોલીસ કમિશનરને ફરિયાદ થતા તેમને એસીપી કક્ષાના અધિકારીને સ્થળ પર મોકલ્યા હતાં. રાષ્ટ્ર વિરોધી લખાણ છતાં એફઆઈઆર દાખલ નહીં કરી પોલીસે માત્ર જાણવા જોગ ફરિયાદ દાખલ કરી હતી. હવે જો પોલીસ શહેરના વચ્ચોવચ્ચ દેશ વિરોધી લખાણ લખી જનાર સામે ફરિયાદ દાખલ નહીં કરી માત્ર જાણવા જોગ દાખલ કરતા જાણે પોલીસ આવા અસામાજિક તત્વોને પ્રોત્સાહન આપતી હોય તેવો ઘાટ જોવા મળ્યો છે.

ફ્રાન્સ પ્રમુખના લખાણમાં સીધી ફરિયાદ તો રાષ્ટ્ર વિરોધ લખાણમાં કેમ નહીં?
ફ્રાન્સના રાષ્ટ્ર પ્રમુખ ઇમ્યુનલ મેક્રોનના વિરોધના લખાણવાલા પોસ્ટર શહેરના અઠવા, લાલગેટ પોલીસ સ્ટેશનની હદમાં થોડા મહિના પહેલા રસ્તા પર ચોંટાડવામાં આવ્યા હતાં. પોલીસ દ્વારા જે તે સમયે આ પ્રવૃત્તિ કરનારાઓની સામે સીધી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. હવે જો ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખની વિરોધના લખાણમાં સીધી ફરિયાદ દાખલ થઈ શકે તો પછી રાષ્ટ્રના વિરોધના લખાણમાં માત્ર જાણવા જોગ દાખલ કેમ કરાઈ તે પ્રશ્ન છે ?

નાયબ મુખ્યમંત્રીને ફરિયાદ કરાઈ
ધારાસભ્ય પૂર્ણેશ મોદી દ્વારા નાયબ મુખ્ય મંત્રી નિતીનભાઈ પટેલને ફરિયાદ કરવામાં આવી છે કે, જૂની સિવિલ હોસ્પિટલ સરકારી દિવાલ ઉપર આ પ્રકારના રાષ્ટ્ર વિરોધી લખાણ લખાયા છે. જેની સામે કડક કાર્યવાહી થવી જોઈએ.

આમાં ફરિયાદ દાખલ કરીશું
પોલીસ કમિશનર અજયકુમાર તોમરે જણાવ્યું હતું કે, હાલ જાણવા જોગ દાખલ કરી છે. તપાસ કરીને જરૂર જણાશે તો ફરિયાદ દાખલ કરાશે.

Most Popular

To Top