Comments

સૌથી મહાન ગાંધીવાદી: મહાદેવભાઇ દેસાઇ

અન્ય તમામ ભારતીયોની જેમ હું પણ એવું માનીને મોટો થયો છું કે 15 મી ઓગસ્ટ એ દિવસ છે, જયારે 1947 માં સ્વતંત્ર ભારતની પ્રથમ સરકાર કાર્યરત થઇ. મારા મનમાં 15 મી ઓગસ્ટ, 1947 સાથે 15 ઓગસ્ટ, 1942 પર જોડાઇ છે. આ દિવસે મહાદેવભાઇ દેસાઇ કેદખાનામાં મૃત્યુ પામ્યા હતા. મહાદેવભાઇ દેસાઇ ન હોત તો ભારત દેશ બ્રિટીશ શાસનમાંથી મુકત નહીં થયો હોત અને છતાં આ સ્વાતંત્ર્ય સેનાની મહદંશે સન્માન વગરના રહ્યા છે.

1917 માં અમદાવાદામાં તેઓ ગાંધીજી સાથે જોડાયા ત્યારથી આગાખાન મહેલમાં તેમના નિધન સુધીનાં 25 વર્ષ તેમણે મહાત્મા ગાંધીની સેવામાં પોતાની જાતને ઓગાળી નાંખી. તેઓ ગાંધીજીના સચિવ, ટાઇપિસ્ટ, અનુવાદક, સલાહકાર, આંગડિયા, સંભાષણમાં ભાગીદાર, મુશ્કેલીનિવારક અને ઘણું બધું હતા. તેઓ ગાંધીજી માટે રાંધતા હતા અને ગાંધીજીને ‘મહાદેવની ખીચડી’ બહુ પસંદ હતી. મહાદેવભાઇ દેસાઇ પોતાને માટે કેટલા અનિવાર્ય છે તે ખુદ ગાંધીજીએ કહ્યું હતું.

1918 માં, એટલે કે મહાદેવભાઇ દેસાઇ સાબરમતી આશ્રમમાં જોડાયા તેના એક વર્ષ પછી ગાંધીજીએ તેમના ભત્રીજા મગનલાલને કહ્યું હતું કે મહાદેવ મારા હાથ-પગ તેમજ મગજ બનીને આવ્યો છે અને તેના વગર મને વાચા અને પગ ગુમાવનાર જેવો અનુભવું છું. હું તેને જેમ જાણું છું તેમ મને તેના સદ્‌ગુણ દેખાય છે, તે જેટલો સદ્‌ગુણી છે તેટલો જ વિદ્વાન છે.

વીસ વર્ષ પછી જયારે મહાદેવભાઇ દેસાઇ વધુ પડતાં કામ અને રજાના ઇન્કારને કારણે તબિયતથી નંખાઇ જવાની અણી પર હતા ત્યારે ગાંધીજીએ તેમને ઠપકો આપતાં કહ્યું: તું કામ માટે ઘેલો છે? તને ખબર નથી કે તું કોઇ રીતે અશકત થઈ જશે તો હું પાંખ વગરનો પંખી બની જઇશ? તું પથારીવશ થઇ જશે તો મારે મારી પોણા ભાગની પ્રવૃત્તિઓ આટોપી લેવી પડશે. મહાદેવભાઇ દેસાઇને ખૂબ નિકટતાથી જાણકાર એક વ્યકિત હતા. મહાત્મા ગાંધીના અંગ્રેજ અનુયાયી મીરાંબેન (મેડેલીન સ્લેડ. મહાદેવભાઇ દેસાઇ મીરાંબેનને અમદાવાદ સ્ટેશને 1925 ના નવેમ્બર માસમાં લેવા આવ્યા ત્યારે તેઓ પહેલી વાર મળ્યા અને સત્તર વર્ષ પછી મહાદેવભાઇ દેસાઇએ દેહ છોડયો ત્યારે બંને એક કેદખાનામાં હતા.

મીરાંબેને પોતાનાં સંસ્મરણોનાં પુસ્તક ‘અ સ્પિરિટસ્‌’ પિલ્ગિમેન’માં લખ્યું હતું કે મહાદેવભાઇ દેસાઇ એક ઊંચા, મૂછાળા અને બુધ્ધિશાળી મસ્તક પર પાંખા વાળ ધરાવનાર વ્યકિત હતા. તેઓ સંવેદનશીલ હતા. ગમે ત્યારે બદલાતી પરિસ્થિતિનો તાગ મેળવવામાં તેઓ ઝડપી હતા અને ગાંધીજી માટે સ્વચ્છ અક્ષરે લખાપટ્ટી કરવામાં જમણો હાથ હતા. સૌથી મોટી વાત તો એ હતી કે તેઓ ગાંધીજીના પરમ ભકત હતા- હું પણ. આ જ અમને જોડનાર બળ હતું.1942 માં ભારત છોડો આંદોલન વખતે બાપુને પકડવામાં આવ્યા ત્યારે આગાખાન મહેલમાં રાખ્યા હતા. મીરાંબેન અને મહાદેવભાઇ દેસાઇ અને અન્ય કેટલાક ગાંધીજીના નિકટના સાથીઓ હતા.

આ સજા લાંબી હશે એવું જાણી તા. 14 મી ઓગસ્ટે મીરાંબેનને કહ્યું: લખવા માટે આ કેટલી સારી તક હશે? મારા મનમાં કમમાં કમ છ પુસ્તકો છે, જે મારે લખવાં છે.’ બીજા જ દિવસે મહાદેવભાઇ દેસાઇનું હ્રદય રોગના હુમલાથી 50 વર્ષની ઉંમરે અવસાન થયું. બીજા દિવસે ગાંધીજીએ મહાદેવભાઇ દેસાઇ પોતાની સાથે જે સુટકેસ લાવ્યા હતા તે ખોલી તો તેમાં તેમને બ્રિટીશ કવેકર આગથા હેરિસને ભેટ આપેલી બાઇબલની નકલ, કેટલાંક અખબારી કતરણ, ટાગોરના નાટક મુકત ધારાની નકલ તેમજ ‘બેટલ ફોર એશિયા’ નામનું પુસ્તક સહિતનાં કેટલાંક પુસ્તકો વગેરે મળ્યાં.

‘ગુજરાતી અને અંગ્રેજી સાહિત્યના એક વિદ્વાન અને ઇતિહાસના ઊંડા અભ્યાસી મહાદેવભાઇ દેસાઇ ગાંધીજીના કદાચ એક સૌથી વિદ્વાન સાથી હતા અને ગાંધીજીના રાજનીતિ અને આંતરરાષ્ટ્રીય રાજકારણ વિશેના અલ્પ જ્ઞાનમાં ખાસ્સો વધારો કરતા અને ગાંધીજીની સ્વાતંત્ર્યની લડતની બૌધ્ધિક કામગીરીના હાર્દમાં હતા એમ અમેરિકન ઇતિહાસકાર ઇઆન દેસાઇ લખે છે. બીજી ગોળમેજી પરિષદમાં ભાગ લેવા ઇંગ્લેન્ડ ગયેલા ગાંધી સાથે 1931 માં મહાદેવભાઇ દેસાઇ પણ ગયા હતા.

અનહદ વાચનપ્રેમ વચ્ચે પણ મહાદેવભાઇ દેસાઇ ગાંધીજી પોતાની ફરજને ભૂલતા ન હતા. ગોપાલકૃષ્ણ ગાંધીએ લખ્યું હતું કે મહાદેવ દેસાઇ ગાંધીજીના ‘અભિન્ન વ્યકિતત્વ’ હતા અને તેમણે જે કંઇ નિરીક્ષણ કર્યું છે કે જે ડાયરીમાં ટપકાવ્યું છે તે ભવિષ્યના ઇતિહાસકારો અને જીવનચરિત્રલેખકો માટે અનિવાર્ય બની રહેશે. મહાદેવભાઇ દેસાઇનું નિધન તા. 15 મી ઓગસ્ટ 1942 ના દિને થયું અને તેમનાથી 23 વર્ષ મોટા મહાત્મા ગાંધીનું મૃત્યુ સાત વર્ષ પછી થયું. તેમને મહાદેવભાઇ દેસાઇની ખોટ છેક સુધી સાલી. પોતાના જીવનના છેલ્લા સપ્તાહમાં ગાંધીજી એક તરફ હિંદુઓ ને મુસલમાનો વચ્ચે અને બીજી તરફ જવાહરલાલ નહેરુ અને સરદાર પટેલ વચ્ચે એકતા સ્થાપવામાં પ્રવૃત્ત હતા ત્યારે તેમણે મનુબેનને કહ્યું હતું. આજે આપણને મહાદેવની જેટલી ખોટ લાગે છે તેટલી કયારેય નથી લાગી. તે જીવતા હોત તો પરિસ્થિતિ આ હદે પહોંચવા નહીં દીધી હોત.

ચાળીસીમાં આવ્યો ત્યાં સુધી મને મહાદેવભાઇ દેસાઇનું મહત્ત્વ સમજાયું ન હતું પણ મેં જેમ જેમ ગાંધી સાહિત્યનો અભ્યાસ કર્યો તેમ મને ખબર પડી કે મહાદેવભાઇ દેસાઇએ દેશની કેટલી મોટી સેવા કરી હતી. મહાદેવભાઇ દેસાઇ વગર ભારતીય ગાંધી શકય જ ન હોત. દેશભરમાં તેમની પ્રતિમા કેમ નથી મૂકાતી તેનું મને આશ્ચર્ય થાય છે. મને લાગે છે કે ગુજરાતી અને અંગ્રેજી બંનેમાં પારંગત કોઇ વ્યકિતએ મહાદેવભાઇ દેસાઇનું જીવનચરિત્ર નવેસરથી લખવું જોઇએ. ઘણાં વર્ષ પહેલાં નારાયણ દેસાઇએ પોતાના પિતાના જીવન વિશે લખ્યું જે હૃદયસ્પર્શી અને માહિતીસભર છે અને આ વિષયમાં મહત્ત્વનું અર્પણ છે છતાં મને લાગે છે કે હજી પૂરક સામગ્રી તરીકે કંઇ લખાવું જોઇએ.

દેશના ઇતિહાસ પર તેમની મોટી અસર હતી. જીવનચરિત્ર માટે તેઓ એક અદ્‌ભુત વિષય બની શકે. મહાદેવભાઇ દેસાઇ કેટલા વિશાળ પ્રકારના લોકો સાથે સંકળાયેલા હતા? અંગ્રેજીયન યુકત કાશ્મીરી પંડિત નહેરુ, ભારતીય બનેલી અંગ્રેજ  સ્ત્રી મીરાંબેન, તામિળ સંસ્કૃતના વિદ્વાન બી.એસ. શ્રીનિવાસ શાસ્ત્રી, કેથોલિક અને વાઇસ રોયના અંગત સચિવ ગિલ્બર્ટ લેઇથ વેઇટ… સ્વાતંત્ર્ય દિને આપણે દેશને આઝાદી અપાવવામાં મદદ કરનાર ડો. બી.આર. આંબેડકર, અબુલકલામ આઝાદ, સુભાષચંદ્ર બોઝ, કમલાદેવી ચટ્ટોપાધ્યાય, બિરલા મુંદા, દાદાભાઇ નવરોજી, જવાહરલાલ નહેરુ, વલ્લભભાઇ  પટેલ, ભગતસિંહ વગેરેને યાદ કરીએ છીએ. પણ આખરે મળેલી આઝાદી માટે આટલા ઉમદાપૂર્વક અને નિ:સ્વાર્થ ભાવે લડત આપી આઝાદીનાં પાંચ વર્ષ પહેલાં મૃત્યુ પામનાર મહાદેવભાઇ દેસાઇનું નામ પણ આ આદરણીયોની યાદીમાં આવવું જોઇએ.  -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top