સમગ્ર વિશ્વમાં હાલ કોરોનાની મહામારીને કારણે લોકડાઉન ચાલી રહ્યું છે. ત્યારે અમરેલીના રાજુલાના વિસળિયા નેસડીમાં ઘરમાં ચાલતા કજિયાને કારણે માતાએ બે પુત્ર, એક પુત્રી સાથે કૂવામાં ઝંપલાવી સામૂહિક આપઘાત કરી લીધો હતો. આ બનાવની જાણ થતાં પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ સ્થળ ઉપર ધસી ગઈ હતી. એ બાદ ચારેયની લાશ બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે રાજુલા હોસ્પિટલ લઈ જવાઈ હતી.
કોરોનાનું સંક્રમણ વધતાં સમગ્ર દેશ હાલત ચિંતિત છે. વડાપ્રધાન દ્વારા કોરોનાને કાબૂમાં લેવા માટે લોકડાઉન જાહેર કરાયું હતું. આ સ્થિતિમાં રાજુલા તાલુકામાં સામૂહિક આપઘાતની ઘટનાથી ચકચાર મચી ગઈ છે. વિસળિયા નેસડી વિસ્તારમાં બનેલી આ ઘટનામાં એક માતાએ ઘરકંકાસથી વાજ આવી બે દીકરા અને દીકરી સાથે કૂવો પૂરી મોત વહાલું કર્યું હતું. જેની જાણ થતાં ડી.વાય.એસ.પી. કુશલ ઓઝા અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ ઉપર દોડી ગઈ હતી. એ બાદ ચારેય લાશ કૂવામાંથી બહાર કાઢવામાં આવી હતી. અને તમામ મૃતદેહોને હાલ રાજુલા હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં. બીજી તરફ આ બનાવની જાણ થતાં પૂર્વ સંસદીય સચિવ હીરા સોલંકી, ધારાસભ્ય અંબરીશ ડેર પણ હોસ્પિટલ ધસી ગયા હતા. લોકડાઉનના સમયે બનેલી આ ઘટનાને કારણે સમગ્ર ગામમાં ચકચાર મચી ગઈ છે. હાલ પોલીસે મહિલાના પરિવારને શોધી પૂછપરછની કાર્યવાહી આદરી છે.