SURAT

આગામી ૧૬-૧૭મીથી મેમુ ટ્રેનો શરૂ થશે પરંતુ પાસધારકોમાં ભારે નિરાશા

કોરોના મહામારીમાં રદ કરાયેલી મેમુ ટ્રેનો આગામી ૧૬-૧૭મી ઓગસ્ટથી પુનઃ દોડવાની જાહેરાત થઇ છે, જેને છૂટક મુસાફરોએ આવકારી છે. પરંતુ પાસધારકોમાં નિરાશા ફેલાઇ છે. કેમકે રેલવે તંત્ર માસિક ત્રિમાસિક પાસ આપનાર નથી. અને તેના માટે સુરતના સાંસદ અને રાજ્ય રેલ મંત્રી દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે પાસધારકોની રજૂઆત આવશે તો વિચારીશું, જે આશ્ચર્યકારક નિવેદન છે. ડી.આર.યુ.સી.સી. સુરતના બે પ્રતિનિધિ રેલ રાજ્યમંત્રીને રજૂઆત કરનાર હોવાનું જાણવા મળે છે.

દોઢ વર્ષથી નોકરિયાતો જાહેર પરિવહન સેવા બંધ થવાથી આત્મનિર્ભર બની પોતાના વાહન વસાવી કે ઇકો, ટેમ્પો, છકડા વિગેરેમાં ઠસોઠસ ભરાઈને કામ-ધંધે જોખમી સફર ખેડે છે, પગારનો અડધો ભાગ પરિવહન પાછળ ખર્ચાઇ જતો હતો. જેથી જીવન નિર્વાહમાં પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. શારિરીક આર્થિક સ્થિતિ ખરાબ થઈ છે.

દોઢ વર્ષના દુકાળમાં હવે રાહતના સમાચાર મળતા ૧૬મી ઓગસ્ટથી બંધ સુરત સંજાણ, સંજાણ વિરાર તા.૧૭થી વિરાર સંજાણ, ૧૬થી ભરૂચ સુરત, વડોદરા ભરૂચ, ૧૮ થી સુરત વડોદરા ટ્રેનો ફરી દોડતી થવાની છે. જીઆઇએ તમામના નંબર 0 થી શરૂ થાય છે અને તમામ ટ્રેનો સ્પેશિયલ હોવાથી વધુ ભાડું વસૂલ થશે. પરંતુ તેમાં મુસાફરોને જ પ્રવાસની છૂટ છે, પાસધારકોને મનાઈ ફરમાવાઇ છે. કેમકે માસિક-ત્રિમાસિક પાસ આપવાની જાહેરાત થઇ નથી. મુંબઈ મહાનગરમાં પણ ૧૬ મીથી બંધ પરાની ગાડીઓ શરૂ થવાની છે. પરંતુ તેમાં જેમની પાસે બંને ડોઝ લીધાનું પ્રમાણપત્ર હશે. તેવી વ્યક્તિઓને જ પાસ આપવામાં આવશે. જ્યારે ગુજરાતમાં રેલવેનો અન્યાયી નિર્ણય છે.

મહાનગર મુંબઈમાં પાસ અપાય છે અને ગુજરાતમાં નહીં અપાતા રેલવેના બેવડા ધોરણ
ધરમપુરથી સુરત માટે વાયા ખેરગામ લોકલ બસનો પાસ રૂપિયા ૧,૯૫૦માં થાય છે. જેમાં ૩૦૦ રૂપિયાનો ટોલ ટેક્સ વસૂલાય છે. વલસાડથી સુરત માટે રેલવે પાસ માત્ર રૂ.૨૭૦માં મળે છે. જે લોકલ-એક્સપ્રેસ બંને ટ્રેનમાં ચાલે છે. હાલમાં બસ ભાડા મોંઘા પડતા અનેક લોકોએ પાસ કઢાવ્યા છે. જો રેલવે પાસ સેવા શરૂ કરે તો એસટીની ઘણી બધી બસ ફાજલ પડશે. રેલવે પાસ ભાડામાં પણ વધારો કરે તો વિરોધનો સામનો કરવો પડે, જેથી શરૂ કર્યા નથી એવું ચર્ચાય છે. પરંતુ મુંબઈ મહાનગરમાં પાસ અપાય અને ગુજરાતમાં ન અપાય આવા રેલવેના બેવડા ધોરણો સામે આક્રોશ ફેલાયો છે.

કેટલીક મેમુ ટ્રેનના ભાડામાં બમણો વધારો ઝીંકાયો
રેલવેએ પણ કોરોનાકાળમાં સ્પેશિયલ ટ્રેનો શરૂ કરીને ભાડા વધારો કર્યો છે, ચારેક માસ પર શરૂ કરેલી કેટલીક મેમુ ટ્રેનમાં પણ બમણો વધારો ઝીંકાયો છે. વલસાડથી સુરતના ૨૦ ના બદલે રૂપિયા ૪૦ લેવાય છે. જે બમણા છે. જેથી રેલ રાજ્યમંત્રી સ્પેશિયલ ટ્રેન-ભાડા બંધ કરીને જુના ભાડામાં જ રેલ સેવા પૂર્વવત દોડાવે, પાસ આપે તેવી ગુજરાતની દૈનિક મુસાફર જનતાની માંગ છે. આશ્ચર્યની વાત એ છે કે મુંબઈમાં પરા ગાડીમાં સ્પેશિયલ ભાડું રેલવેએ લાગુ કર્યુ નથી.

Most Popular

To Top