સુરત: કોવિડ-19 કોરોના (Corona) સંક્રમણને લીધે સુરત (Surat)માં 125 વર્ષ કરતાં વધુ સમયથી નીકળતું કલાત્મક તાજિયા (Tazia)ઓનું ઝુલુસ (Zulus) સતત બીજા વર્ષે પવિત્ર મોહર્રમ માસમાં નીકળશે નહીં.
મોહર્રમ (Moharram)ને લઇને શહેર પોલીસે સુરત શહેર તાજિયા કમિટી (Surat tazia committee), સુરત શહેર શાંતિ સમિતિના આગેવાનોની મરઝાન સામી હોલમાં બેઠક યોજી હતી જેમાં જોઇન્ટ કમિશનર મલ, ડે. પોલીસ કમિશનર ભાવના પટેલ અને એસીપી ચાવડા ઉપરાંત ચોકબજાર અને લાલગેટ પોલીસ મથકના પીઆઇ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં. આ બેઠકમાં કોરોનાની ગાઇડ લાઇન (Corona guideline) પ્રમાણે ત્રીજી વેવનો ભય હોવાથી તાજિયાનું ઝુલુસ કાઢી શકાશે નહીં તેવી માહિતી પોલીસ અધિકારીઓએ આપી હતી. જોકે ઉત્સવનો આનંદ જળવાઇ રહે તે માટે રાજય સરકારની ગાઇડલાઇન પ્રમાણે 4 ફૂટના તાજિયા સુરત શહેરની જે શેરીઓમાં બને છે ત્યાં બનાવીને રાખી શકાશે. અને મોહર્રમના 10માં ચાંદ એટલે કે 20મી ઓગસ્ટે ત્યાં જ ઠંડા કરી તાજિયાની સામગ્રી સમેટી લેવાશે.
સુરત શહેર તાજિયા કમિટીના કાર્યકારી પ્રમુખ અસદ કલ્યાણીએ જણાવ્યું હતું કે શહેરી મહોલ્લામાં બનતા તાજિયા મોહર્રમના આઠમાં ચાંદના રોજ ખોલવામાં આવશે અને 10માં ચાંદના રોજ ઠંડા કરવામાં આવશે. ગયા વર્ષની જેમ ચાલુ વર્ષે પણ શહેરના રાજમાર્ગ પર તાજિયાનું કોઇ ઝુલુસ કતલની આગલી રાતે કે બીજા દિવસે નીકળશે નહીં. પોલીસ સાથેના સંકલનમાં તાજિયા કમિટીની ઓફિસ બેગમપુરા મુર્ગવાન ટેકરા ખાતે શરૂ કરવામાં આવી છે. આયોજકોને કોઇ ગેરસમજ ન ફેલાઇ તે માટે 24 કલાક હેલ્પલાઇન નંબર 94261 19163 શરૂ કરવામાં આવ્યો છે.
2002, 2020 અને 2021માં તાજિયાઓનું ઝુલુસ નીકળશે નહીં
સુરતમાં 1885થી કલાત્મક તાજિયાઓનું ઝુલુસ નીકળતું આવ્યું છે. અત્યાર સુધી વર્ષ 2002માં ગોધરાકાંડને પગલે અને 2020માં કોરોના સંક્રમણને લીધે ઝુલુસ નીકળ્યું ન હતું. હવે કોરોનાની ત્રીજી લહેરની દહેશતને પગલે મોટી મેદની ન ઉમટે તેવા હેતુસર ચાલુ વર્ષે 2021માં પણ તાજિયાનું ઝુલુસ નીકળશે નહીં. જે વિસ્તારમાં તાજિયા, અબુરાત ગોરા બનાવવામાં આવે છે ત્યાં 4 ફૂટની મર્યાદામાં બનાવવામાં આવશે. છેલ્લે 2019ના વર્ષમાં તાજિયા કમિટીએ 350 જેટલી પરમીટ આપી હતી પરંતુ ચાલુ વર્ષે 50 ટકા તાજિયા બનાવવામાં આવશે નહીં. અત્યાર સુધી માત્ર 40 થી 50 ટકા આયોજકોએ નાના તાજિયા બનાવવાની તૈયારી દર્શાવી છે.