‘દો મિનિટ રુક’ કહી શિંદે એના ઘરે ગયો. મારા ચાના બાંકડે જમવા માટે હું કલાકનો બ્રેક લઉં એ સમયે મારો નિયમિત ગ્રાહક અને હવાલદાર શિંદે મને લગભગ કિડનેપ કહી શકાય એવી જોર જબરદસ્તીથી સાથે લઇ ગયો. એના ઘર બહાર હું રાહ જોતો ઊભો રહ્યો. બે મિનિટમાં તો એ હવાલદારનો યુનિફોર્મ બદલી સાદા કપડામાં આવી ગયો અને કહ્યું ‘ઓલા આલી આહે ચલ પટકન’ અને હું કંઈ પૂછું એ પહેલાં નાકે રાહ જોતી એક ભાડાની ટેક્સી ઓલામાં મને બેસાડી દીધો. ટેક્સી દોડવા માંડી. મેં કહ્યું ‘આટલો ખર્ચ કરીને આટલી દોડધામ કરી જવું પડે એવું શું છે?’ ‘ચાઈલા… મી કાય સુટી નાહી ઘેતલી, ડ્યુટી વર આહે…મ્હણુન હે ધાવપળ’
‘અરે પણ ચાલુ ડ્યુટીએ યુનિફોર્મ બદલીને આમ દોડાદોડી કરવું પડે એવું શું આભ તૂટી પડ્યું છે?’ ‘તું ગુજરાતી મધે કશાલા બોલતો તી રૂપા સારખં? મલા નીટ કળત નાહી…’ ‘તું મરાઠીમાં બોલશે તો હું ગુજરાતીમાં બોલીશ – સિમ્પલ.’ ‘ઓકે ઓકે બાબા- કભી કભી ચાલુ ડ્યુટી પર એસા ભાગદોડી કરના પડતાં હૈ – છુટ્ટી કા રાહ દેખેગા તો લેટ હો જાયેગા-‘ પછી મારી સામે જોઈ સ્મિત કરતા કહ્યું ‘દોસ્ત કા કામ હૈ તો એડજસ્ટમેન્ટ કરના પડતા હૈ…’
દોસ્ત કા કામ! શિંદેએ ચાના બાંકડા પરથી મને સાથે ચાલવાની જીદ કરતા કહેલું કે ‘રૂપા કે પ્રેમી કે પાસ જાના હૈ…’ હવે આમાં દોસ્ત કોણ? રૂપા એટલે મારા ચાના બાંકડાની પાડોશના કમ્પાઉન્ડમાં વડાપાંઉનો સ્ટોલ ચલાવતી મહિનાએક અગાઉ આવેલી એક છોકરી. જેણે કહેલું કે મુંબઈમાં એનો એક પ્રેમી છે જે ચાનો બાંકડો ચલાવે છે અને જેનું નામ રાજુ છે. એ પોતાના આ પ્રેમીને શોધવા સુરતથી આવી છે. નામ તો મારું પણ રાજુ જ છે પણ આ વાત એ મને કહી રહી હતી અને હું જિંદગીમાં એને પ્રથમ વાર મળી રહ્યો હતો એટલે દેખીતી વાત હતી કે એ જે રાજુની વાત કરતી હતી એ હું તો ન જ હોઉં. રાજુ નામના અનેક લોકો હોય અને એમાંથી કોઈનો ચાનો બાંકડો પણ હોય પણ મારા અમુક મિત્રોએ આ વિગતને મારી મજાક ઉડાવવા નિમિત્ત બનાવી દીધેલી. ઠીક એ તો સમજ્યા પણ આજે આ શિંદે ડ્યુટી પર આવું એડજસ્ટમેન્ટ કરી ક્યાં જઈ રહ્યો હશે અને મને સાથે શું કામ ઘસડી રહ્યો હશે? મેં પૂછ્યું ‘તુમ બોલા દોસ્ત કા કામ હૈ! રૂપા તુમ્હારી દોસ્ત કબ બન ગઈ?’ ‘અરે! બોલા તો તુમ્હારા કામ હૈ…’
‘કૈસે મેરા કામ? તુમ રૂપાકા જોડીદાર ઢૂંઢો યા ન ઢૂંઢો –મેરા ક્યા લેનાદેના? ગાડી રોકો- મૈ ઉતર જાતા હું…’ પિત્તો સાચવતા મેં ટેક્સીવાળાને કહ્યું ‘ભાઈ ગાડી રોકના…’ ટેક્સીવાળાએ શિંદે સામે જોયું. શિંદેએ ટેક્સીવાળાને કહ્યું ‘ગાડી મત રોકના…’ અને મને કહ્યું ‘ બસ દો મિનિટ મેં પહુંચ જાયેંગે – ભડકતો કશાલા?”શિંદે, યારી દોસ્તી મેં તુમ બોલેગા તો મૈ જહન્નુમ મેં ભી આયેગા પર યે રૂપા કે પ્રેમી કો ઢૂંઢને કા ખુજલી તુમ્હારા હૈ – મેરે નામ પર બીલ મત ફાડો’ ‘તુમકો કોઈ ફરક નહિ પડતા?’ શિંદેએ આશ્ચર્યથી પૂછ્યું. ક્ષણભરમાં મને તૂટેલો દાંત દેખાડી સ્મિત કરતી રૂપા યાદ આવી ગઈ. શું એની પ્રેમકથા સાથે મને કોઈ નિસ્બત નહોતો? માથું ઝાટકી મેં કહ્યું ‘નહિ.’શિંદેએ અવિશ્વાસથી મને તાકતા કહ્યું ‘ઠીક હૈ, મેરે ખાતિર તો ચલ’મેં ટેક્સીની બારી બહાર જોયું. અંધેરી પૂર્વનો સાકીનાકા વિસ્તાર જણાતો હતો.
એક ગલીના વળાંક પાસે શિંદેએ ટેક્સી રોકી. અમે ઊતરી ગયા. શિંદેએ પૈસા ચૂકવી ટેક્સી જવા દીધી. મેં આજુબાજુ જોયું. કોઈ ચાનો સ્ટોલ ન દેખાયો. થોડે દૂર એક પ્લાસ્ટિકનો ઘરગથ્થુ સામાનનો સ્ટોલ હતો જ્યાં કોઈ વેચનાર દેખાતો નહોતો, એની બાજુમાં એક શેરડીના રસવાળો હતો. મેં શિંદેને પૂછ્યું કે અહીં આપણે શું કામ ઊભા છીએ? તો એણે ઇશારાથી મને ચૂપ રહેવા કહી સામેની ઈમારત તરફ તાકવા માંડ્યું. મેં પણ જોયું – એક જર્જરિત ઈમારત હતી. મેં પૂછ્યું ‘ક્યાં છે એ રાજુનો ચાનો બાંકડો?’ ‘ભાંડુપ’ ‘તો? યહાં હમ કયોં ઊતર ગયે?’ મેં આશ્ચર્ય પામતા પૂછ્યું.
‘સામને કી બીલ્ડિંગ મેં વો ઇસ ટાઈમ તીન- ચાર બાર દિખા હૈ મેરે કો…કુછ તો ગડબડ લગતા હૈ…થોડા રુક’મને વિચિત્ર લાગ્યું. ગડબડ હશે પણ મારે શું? મારો ચાનો બાંકડો છોડી કંઈ લેવાદેવા વગર હું અચાનક પોલીસની જેમ અહીં કોઈ પર નજર રાખી રહ્યો હતો!અચાનક એક પોલીસની જીપ આવીને અમારી સામે ઊભી રહી અને એમાંથી એક ઇન્સ્પેક્ટરે ઊતરતાં શિંદેને પૂછ્યું ‘ક્યા શિંદે? ગોરેગાંવ સે યહાં તક કપડાં ખરીદને આયા હૈ?’ શિંદેએ ઇન્સ્પેક્ટરને સલામ મારતા નવાઈ સાથે પૂછ્યું ‘કપડાં?’ ઇન્સ્પેક્ટરે સ્મિત કરી અમે જે દુકાન સામે ઊભા હતા તે તરફ ઈશારો કર્યો. મેં જોયું તો એ સ્ત્રીઓના આંતરવસ્ત્ર વેચતી એક ફેન્સી દુકાન હતી. શિંદેએ ખસિયાણું હસતા કહ્યું ‘અરે નહિ નહિ યે મેરા દોસ્ત હૈ ઉસકે એક કામ સે ઇધર આયા હું…’
‘ઠીક હૈ ઠીક હૈ…’ કહેતા એ ઇન્સ્પેક્ટર ફરી જીપમાં બેસતો હતો એટલામાં એક ઘટના ઘટી .સામેની જર્જરિત ઈમારત જેને શિંદે તાકતો હતો એમાંથી એક આધેડ ઉંમરનો માણસ દોડતો બહાર નીકળ્યો. એના હાથમાં કચરાનો મોટો થેલો હતો. બહાર આવતાં એણે હાંફતા હાંફતા ગભરાઈને આજુબાજુ જોયું અને રોડ ક્રોસ કરી અમારી પાસેથી નાસવાની કોશિશમાં ગબડીને પડી ગયો –સીધો શિંદે અને મારા પગ પર પડ્યો. એના કચરાના થેલામાંથી બેચાર પેકેટ રોડ પર વિખેરાઈને પડ્યા. એ શેના પેકેટ હતાં મને સમજાયું નહીં પણ જીપમાં બેસી ગયેલા ઇન્સ્પેક્ટરે મોટેથી કહ્યું ‘ઇસ કો જાને મત દેના શિંદે…’ શિંદેએ એ માણસને ઝાલી લીધો, એ માણસે છટકવાની ખૂબ કોશિશ કરી પણ એનો બીજો હાથ મેં પકડી લેતાં એ સપડાઈ ગયો. એની પાછળ એ ઈમારતમાંથી બે સ્ત્રીઓ દોડતી આવી. એક છોકરીના હાથમાં નાનકડી ગન હતી અને મ્હોં પર માસ્ક હતો – કોરોનાથી સુરક્ષા માટેનો. બીજી છોકરી બુરખામાં હતી. એ બન્ને એ માણસ તરફ દોડીને આવતી હતી પણ અમે એ માણસને ઝાલ્યો છે એ જોઈ એ બન્ને અટકી ગઈ અને અચાનક એક બાઈક એ બન્ને છોકરીઓ પાસે આવી. એ બન્ને છોકરી ઝડપથી એ બાઈક પર બેઠી અને એ લોકો અદ્રશ્ય થઇ ગયા. આ બધું પેલો ઇન્સ્પેક્ટર જીપમાંથી ઊતરી મારી નજીક આવ્યો એટલી વારમાં બન્યું. રસ્તાની સામે તરફ આ બન્યું હોવાથી શિંદે અને મારા સિવાય પોલીસ જીપમાંના કોઈ પોલીસકર્મીનું આ છોકરીઓનું આમ આવવું કે ગાયબ થવું- એના પર ધ્યાન ન ગયું. ઇન્સ્પેક્ટરે જેને અમે ઝાલ્યો હતો એ માણસના કોથળામાંથી વિખેરાયેલ એક પેકેટને ઊંચકી નીરખતા કહ્યું ‘ડ્રગ્સ!’મારાં મોતિયાં મરી ગયાં.***
જો કે હું અમસ્તો બી ગયો હતો. મારું તો પોલીસખાતાએ સન્માન કર્યું. હવાલદાર શિંદેની ખૂબ પ્રશંસા થઇ કેમ કે ગેરકાયદે ડ્રગ વિતરણનો જથ્થો એના થકી પોલીસે પકડ્યો હતો. અમને મળેલા ઇન્સ્પેક્ટરને એમ લાગ્યું કે હવાલદાર શિંદેએ શંકાને આધારે અંગત રીતે ગુનેગારનો પીછો કરી ડ્રગ્સની આ ગેરકાયદે હેરાફેરી પકડી પાડી હતી અને એને એક જાગૃત નાગરિક તરીકે મેં મદદ કરી હતી. શિંદે અને હું શું બોલીએ ? અમે ઘણું કહ્યું કે આ એક અકસ્માત હતો પણ પોલીસ વિભાગમાં કોઈને અમારી વાતનો ભરોસો ન બેઠો અને અમને શાબાશી મળી. શિંદે અને હું સમજતા હતા કે પેલી બે સ્ત્રીઓને કારણે આ ડ્રગવાળો ઝબ્બે થયો પણ એ બે સ્ત્રીઓ કોણ હતી? અમારા સિવાય કોઈએ એમને જોઇ નહોતી.ખેર. મેં પોલીસ વિભાગને જણાવ્યું કે હું તો શિંદે સાથે ઊભો હતો-મને કંઈ ખબર નથી અને કોઈ સન્માન કે બક્ષિસનો હકદાર નથી અને ત્યાંથી ભાગી આવ્યો- મારો ચાનો બાંકડો સંભાળવા.
કલાક પછી શિંદે આવ્યો. એને ચા આપતા મેં કહ્યું ‘ક્યા શિંદે ભાઉ! તુમ ભી જેમ્સ બોન્ડ સે કમ નહિ! જેમ્સ બોન્ડ ભી લડકીબાજી કા દિખાવા કરકે એસા હિ બૂરે લોગો કો એરેસ્ટ કર દેતા હૈ…”જેમ્સ બોન્ડ મૈ નહીં – તુમ્હારી રૂપા હૈ…’ શિંદેએ ચાની પ્યાલી લેતા કહ્યું.હું ચમક્યો. મેં રૂપાના વડાપાંઉના સ્ટોલ તરફ જોતાં કહ્યું ‘રૂપા? ઉસકા સ્ટોલ તો દોપહર સે બંધ હૈ…પર વો ઇસ બાત મેં કહાં આ ગઈ?’શિંદેએ કહ્યું ‘વો દો લડકી યાદ હૈ? ઉસમેં સે બુરખાવાલી રૂપા થી. ઉસકા વ્હાઈટ કલર કા સેન્ડલ મૈ પહચાન ગયા ઔર દૂસરી ગનવાલી ઉસકી દોસ્ત જીજ્ઞા થી…’
‘જીજ્ઞા? જો દો દિન પહેલે મેરા સર પકા રહી થી?’ મેં વધુ નવાઈ પામી પૂછ્યું. ‘વો જીજ્ઞા કે હાથમેં એક ફ્રેન્ડશીપ બેન્ડ થા ઉસસે મૈને –પહચાના…’આ શિંદે પણ કમાલનો પોલીસવાળો હતો! વડાપાંઉ વેચતી રૂપા અને એની ગામડિયણ લાગતી બહેનપણી જીજ્ઞા ડ્રગ્સની હેરાફેરીમાં સંડોવાયેલા હોય! ગન અને બુરખો! આ શું કોઈ હિન્દી ફિલ્મ છે? મેં કહ્યું ‘ક્યા ફેંકતા હૈ રે શિંદે? મેરેકો બોલા અપન રૂપા કે પ્રેમી કે પાસ જાતે હૈ ઔર અબ યે નયા કહાની…”રૂપા કે પ્રેમી કો નહિ દેખા ક્યા? વો હિ તો દોનો કો બાઈક પર ભગાકે લે ગયા…’આ સાંભળી હું સ્તબ્ધ થઇ ગયો.