આણંદ : આણંદની યુવા પેઢીને નશાના રવાડે ચડાવીને ખીસ્સા ભરવાનું નેટવર્કનો પર્દાફાશ થાય તેવા અણસાર આવ્યાં છે. મધ્યપ્રદેશથી મોકલાયેલા 201 કિલોગ્રામ પોષ ડોડા આંકલાવ ખાતે પહોંચાડવાના હતાં. પરંતુ વાસદ પોલીસે સોમવારના રોજ વાહન ચેકીંગ દરમિયાન પકડી પાડ્યો હતો. ઘઉંના કટ્ટા વચ્ચે છુપાવેલા આ પોષ ડોડા બોરસદના શખસે મંગાવ્યો હતો. જેની અટકાયત બાદ સમગ્ર બાબતનો ઘટસ્ફોટ થશે. હાલ આ અંગે પોલીસે ત્રણ શખસની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વાસદ પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.જે. પરમાર તથા તેમની ટીમ સોમવારની રાત્રે પેટ્રોલીંગ પર હતી. તે દરમિયાન ટોલનાકા નજીક નેશનલ હાઈવે પર હનુમાનજી મંદિર સામે એક ટેમ્પો નં.એમસી 14 જીસી 1988ને રોકી તલાસી લેવામાં આવી હતી. જેમાં ઘઉંના કટ્ટાની આડમાં પોષ ડોડાનો જથ્થો મળી આવ્યો હતો. આથી ટેમ્પામાં સવાર એક વ્યક્તિની અટકાયત કરાઇ હતી. જ્યારે તપાસમાં પાયલોટીંગ કરતી સફારી ગાડી પણ મળી આવી હતી.
જેમાં બે શખસો મળી આવતા તેની પણ અટક કરવામાં આવી હતી. પકડાયેલા તમામને મુદ્દામાલ સાથે પોલીસ મથકે લાવવામાં આવ્યાં હતાં. જ્યાં એફએસએલ અધિકારીને બોલાવી તપાસ કરતાં પ્લાસ્ટીક અને મીણીયાના 13 કોથળામાં 201 કિલોગ્રામ પોષડોડા કિંમત રૂ.6,03,000 મળી આવ્યાં હતાં. આથી પકડાયેલા ત્રણ શખસની પૂછપરછ કરતાં તે રીષભ ઉર્ફે ગોલુ વસંત જેસ્વાલ (રહે.રતલામ, મધ્યપ્રદેશ), રમેશ વીરસીંગ ભુરા, રમેશ વીરસીંગ ભુરા (બન્ને રહે.મહુડા, તા. મેઘનગર, જાંબુઆ, મધ્યપ્રદેશ) હોવાનું જણાવ્યું હતું. જેમની પૂછપરછ કરતાં આ પોષડોડા રતલામથી આંકલાવ પહોંચાડવાના હોવાનું જણાવ્યું હતું.
જે સંદર્ભે વધુ બે નામ ખુલ્યાં હતાં. સાનુ ઐયુબ (રહે.શેરાનીપુરા, રતલામ) અને ડોડા મંગાવનાર ઇશ્વર સોમા પરમાર (રહે. બોરસદ)ના નામ ખુલતાં ઇશ્વરની શોધખોળ શરૂ કરવામાં આવી છે. ઇશ્વરની ધરપકડ થાય તો મધ્યપ્રદેશ અને ચરોતર વચ્ચે પોષડોડાના ચાલતા કારોબારનો ઘટસ્ફોટ થાય તેવી શક્યતા છે. હાલ પોલીસે ટેમ્પો, સફારી, મોબાઇલ, રોકડ, ઘઉંના કટ્ટા મળી કુલ રૂ.12,77,040 નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.