Surat Main

ઝાડુ લેવું હોય કે કોમ્પ્યુટરનું માઉસ તો સુરત રેલવેએ મુંબઇ ડિવીઝનને કાલાવાલા કરવા પડે છે

સુરત : સુરત રેલવે સ્ટેશન (Surat railway station)ની હાલત ભીખારી કરતા પણ બદતર થઇ ગઇ છે. એક સામાન્ય ઝાડુ લેવું હોય કે કોમ્પ્યુટરનું માઉસ (Computer mouse), રિઝર્વેશન વિન્ડો ટિકીટો લેવી હોય કે સાફ-સફાઇનો સામાન્ય કોન્ટ્રાક્ટર રાખવો હોય તો કે પછી પ્લમ્બરિંગ કે વાયરિંગ (wiring)નું કામ કરવું હોય તો તે કામગીરી માટે સુરત રેલવે સત્તાધીશોએ મુંબઇ ડિવીઝન (Mumbai divisional)ને કાલાવાલા કરવા પડે છે. સુરત રેલવે સ્ટેશન ભગવાન ભરોસા ઉપર છે. સુરતના સત્તાધીશોની અણઆવડત અને નપાણીયાગીરીને કારણે સુરત રેલવે સટેશન આજે પણ રેલવે ટિકીટનો વીસ વર્ષ જૂનો ક્વોટા ધરાવે છે. આ ઉપરાંત સુરત રેલવે સ્ટેશનમાં સાફ-સફાઇ અને પીવાના પાણી જેવી મહત્ત્વપૂર્ણ બાબતોના નિર્ણયો મહિનાઓ પછી લેવાય છે.

શું છે રેલવેની ટ્રેઇનના ઇમરજન્સી ક્વોટા..?

સુરતમાં રેલવે ટ્રેઇનના ઇમરજન્સી ક્વોટા એટલે કે જો ટ્રેનમાં અસાધારણ પરિસ્થિતિમાં રેલવે ટિકીટ જોઇતી હોય તેવા સંજોગોમાં રેલવે ઓથોરિટી પાસે સત્તા છે. જો સુરતને રેલવે ડિવિઝન ફાળવાઇ તો એક આખો કોચ સ્થાનિક સ્તરે અધિકારીઓ ફાળવી શકે છે. સુરતમાં છેલ્લા 20 વર્ષથી મહત્ત્વપૂર્ણ ટ્રેનોમાં પણ, થ્રી ટાયર સેકેન્ડ એસીમાં એક કે બે સીટનો ક્વોટા અપાયો છે. 20 વર્ષ પહેલા સુરતની વસતી 15 થી 20 લાખની આસપાસ હતી. આજે આ વસતી 80 લાખની છે પરંતુ આ ક્વોટામાં કોઇ ફેરફાર કરાયો નથી. દર્દી કે સરકારી અધિકારી હોય કે કટોકટ પરિસ્થિતિ હોય તો રેલવે આ ઇમરજન્સી એટલે કે વીઆઇપી ક્વોટામાંથી ટિકીટ ફાળવે છે. સુરત માટે છેલ્લા બે દાયકાથી આ બાબતનું પૂર્ણ ધ્યાન અપાતું નથી. આ બાબતથી સુરતને અલિપ્ત રખાયું છે. આ ઉપરાંત વેકેશન હોય કે તહેવારની સીઝન હોય સુરત રેલવેની ઇમરજન્સીની ક્વોટાની ટિકીટો બારાબર અધિકારીઓ વેચી દેતા હોવાની ફરિયાદો ઉઠી છે. રેલવે ડીઆરએમ સત્યે ન કુમારે આ બાબતને ગંભીર ગણાવી હતી. આ બાબતે બે દિવસ પહેલા જ નિર્ણય લેવાની વાત કરી હતી.

સુરતમાં મૂળભૂત સુવિધા મામલે મહિનાઓ લાગે છે.

સુરત પાસે ડિવીઝન ઓફિસ નથી, જેથી ઝાડું ખરીદવું હોય તો મુંબઇ ડિવીઝ્નની પરવાનગી લેવી પડે છે. હાલમાં સીસીટીવી કેમેરા બગડી ગયા હતાં. પરંતુ સુરત રેલવે સ્ટેશન આ બાબતે કોઇ નિર્ણય લેવાયો નથી. બીજી તરફ મુંબઇમાં સીસીટીવી કેમેરાનું ડેઇલી રીપેરિંગ અને વોચ થતુ હોય છે. સુરતના સીસીટીવી કેમેરા લાગે છે અને બગડે છે અને મહિનાઓ સુધી તે ચાલુ કરવામાં આવતા નથી. આવી સંખ્યાબંધ ફરિયાદોના નિર્ણયો ડિવીઝન ઓફિસ નહીં હોવાને કારણે લેવામાં આવી રહ્યા નથી. આ મામલે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા લેખીતમાં ફરિયાદો કરવામાં આવી છે. દિનેશ નાવડીયાએ આ સમગ્ર બાબતને ગંભીર લેખાવી છે, સુરતને રેલવે ડિવિઝન ત્વરીત આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.

Most Popular

To Top