Comments

હવે તો આપને આવેલું સ્વપ્ન પણ પ્રાયોજિક હશે

ધારો કે તમારે વહેલી સવારે પાંચ વાગ્યે જાગવાનું છે. તમે તમારા મોબાઈલ ફોનમાં એલાર્મ ગોઠવો છો. મોબાઈલ ફોનમાં એવી સુવિધા છે કે તમે એલાર્મનો રીંગટોન પસંદ કરી શકો. એ મુજબ તમે રીંગટોન પસંદ કરીને ગોઠવેલો જ છે. સવારે એ મુજબ એલાર્મ વાગે છે. પણ માની લો કે પસંદ કરેલા રીંગટોનને બદલે અચાનક કોઈક જાહેરખબરનું જિંગલ એલાર્મની રીંગ તરીકે વાગે તો?

આ પરિસ્થિતિ અત્યારે તો કાલ્પનિક છે, પણ તે વાસ્તવિકતા બને એ દિવસો દૂર નથી. હવે મોબાઈલ જેવાં ઉપકરણો તેમજ અન્ય દરેક ચીજવસ્તુઓના વપરાશકર્તાને ગ્રાહક તરીકે લેખવામાં આવે છે. આ સંભવિત ગ્રાહક પર વિવિધ ઉત્પાદનોનો મારો એ હદે ચલાવવામાં આવે છે કે છેવટે તેને ખરીદવા માટે મજબૂર બન્યા વિના ચાલે નહીં. આમ તો જાહેરખબરનો મુખ્ય આશય આ જ હોય છે, પણ પહેલાં જાહેરખબર પ્રદર્શિત કરવા માટેનાં માધ્યમો મર્યાદિત હતાં. વર્તમાન યુગમાં ઈન્ટરનેટને પગલે અસ્તિત્વમાં આવેલાં સામાજિક નેટવર્કિંગનાં માધ્યમોએ જાહેરખબરોના આ મારાને વધુ સુવ્યવસ્થિત અને આયોજનબદ્ધ કરી આપ્યો છે.

ઈન્ટરનેટના મોટા ભાગના વપરાશકારોનો એવો અનુભવ હશે કે એક વાર તેઓ કોઈક વસ્તુ બાબતે ઈન્ટરનેટ પર તપાસ કરે તો એ પછી એ જ વસ્તુની જાહેરખબર તેમને સતત નજર સામે આવ્યા કરે. માનો કે એ વસ્તુ ખરીદે તો એના જેવી જ અન્ય બાબતોની જાહેરખબર તેમને દેખાતી રહે. સંભવિત ગ્રાહકોના મનોજગતમાં પ્રવેશ કરીને તેમને પોતાનાં ઉત્પાદનો ખરીદવા માટે લલચાવવાનો આ આખો ઉપક્રમ છે. હવે માનો કે, ઈન્ટરનેટ પર છવાયેલાં આ ઉત્પાદનો આપણા સ્વપ્નમાં પણ ‘લાવવામાં’ આવે તો? એટલે કે આપણા સ્વપ્નને પણ ચોક્કસ પ્રકારનાં ઉત્પાદનો અનુસાર ‘નિયોજિત’ કરવામાં આવે તો?

આમ થઈ શકે ખરું? થઈ શકે તો કેટલી હદે? ‘કૂર્સ બ્રુઈંગ કંપની’ પોતાના ‘કૂર્સ’ બ્રાન્ડના બીઅર માટે જાણીતી છે. આ ખ્યાતનામ અમેરિકન કંપનીએ પોતાની એક જાહેરખબરમાં આવો અખતરો કર્યો. કેટલાક લોકો અને મનોવિજ્ઞાનીઓને તેમાં સામેલ કરવામાં આવ્યા. જે તે વ્યક્તિને સૂતાં પહેલાં એક નાનકડી દૃશ્યાવલિ બતાવવામાં આવી. એ પછી તેઓ સૂઈને જાગે ત્યારે નિદ્રા દરમિયાન તેમને આવેલા સ્વપ્ન પર પેલી દૃશ્યાવલિની શી અસર થાય છે એનો તેમણે અભ્યાસ કરાવ્યો. આમાં જે પરિણામ મળ્યું એ કંપની માટે ઉત્સાહવર્ધક હતું, કેમ કે, મોટા ભાગના લોકોએ જાગીને ‘કૂર્સ’ બીઅરની જરૂરિયાત મહેસૂસ કરી હતી.

આ પ્રયોગને તેમણે જાહેરખબર તરીકે રજૂ કર્યો, જેમાં ડીએર્ડ્ર બેરેટ નામના સ્વપ્ન મનોવિશ્લેષકને ટાંકવામાં આવ્યા, અને તેમણે જણાવ્યું કે સામેની વ્યક્તિ યોગ્ય સહકાર આપે તો તેના સ્વપ્નમાં ચોક્કસ પ્રકારનો વિષય દાખલ કરી શકાય છે. ‘કૂર્સ’ની જાહેરખબરમાં આ રીતે વ્યક્તિઓ પર અખતરો કરાતો બતાવવામાં આવ્યો છે.

આ જાહેરખબરે ઠીક ઠીક વિવાદ જગાવ્યો છે. ‘ટાર્ગેટેડ ડ્રીમ ઈનક્યુબેશન’ (ટી.ડી.આઈ.) તરીકે ઓળખાવાયેલા જાહેરખબરના આ પ્રકારને અભૂતપૂર્વ અને અત્યાર સુધીનો સૌથી મોટો અભ્યાસ ગણાવાયો છે. જાહેરખબરનો આ પ્રકાર અજમાવવામાં ‘કૂર્સ’ બ્રાન્ડ સૌ પ્રથમ છે, પણ ઘણા ઉત્પાદકોને તેણે પ્રેરિત કર્યા છે. આ સીલસીલો ચાલુ થાય તો તેનું પરિણામ શું આવે એ વિચારવા જેવું છે! આપણે જાગ્રત હોઈએ ત્યારે આપણી પર સતત એક યા બીજા પ્રકારની જાહેરખબરોનો મારો ચાલતો જ રહે છે. તેને આપણે ગમે એટલો અવગણીએ, તે થોડી ઘણી અસર મૂકતો જ જાય છે.

હવે આ જ બાબત આપણી નિદ્રાવસ્થામાં પણ ચાલુ થઈ જાય તો? આમાં સૌથી મોટો અને મહત્ત્વનો મુદ્દો નૈતિકતાનો છે. સ્વપ્ન મનુષ્યના મનોજગતનું જ વિસ્તરણ છે, અને તેની પર ઘણા અભ્યાસ થયેલા છે. પણ આવા અભ્યાસનો મુખ્ય હેતુ અભ્યાસનો કે ઉપચારનો હોય છે, નહીં કે વ્યાપારી! ધારો કે, કોઈ વ્યક્તિ કંપનીને આ પ્રયોગમાં સહકાર આપવા તૈયાર થઈ જાય તો પણ કંપની દ્વારા આમ કરવું કેટલે અંશે નૈતિક ગણાય? આ પ્રયોગની બહોળી અસર એવી થઈ શકે છે કે તેમાં વ્યક્તિગત નૈતિકતાનાં નહીં, પણ સામુહિક નૈતિકતાનાં ધોરણ લાગુ પડે.

અમેરિકાના ઘણા મનોચિકિત્સકો, સ્વપ્ન અને નિદ્રા પર સંશોધન કરી રહેલા સંશોધકોએ ‘ટી.ડી.આઈ.’ના અખતરા બાબતે ફિકર વ્યક્ત કરી છે. કારણ કે, તેઓ જાણે છે કે નફો એવી ચીજ છે જે ભલભલી નૈતિકતાને વહાવી જઈ શકે છે. હાર્વર્ડ મેડીકલ સ્કૂલના ન્યૂરોસાયન્ટિસ્ટ અને મનોવિજ્ઞાનના પ્રાધ્યાપક રોબર્ટ સ્ટીકગોલ્ડે પ્રકાશિત કરેલા એક ખુલ્લા પત્રમાં જણાવ્યું છેઃ ‘પોતાની સાથે શું કરવામાં આવી રહ્યું છે એ ન સમજી શકે એવા અબુધ લોકોના મનમાં તેઓ એક વ્યસનકારક દ્રવ્યને પરાણે ઘુસાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આનાથી વધુ ખરાબ સ્થિતિ શી હોઈ શકે?’ આ પત્રમાં સ્ટીકગોલ્ડ ઉપરાંત બીજાં બે નામ છે, તેમજ અન્ય ૩૫ લોકોએ તેમાં સહી કરી છે. આ સહુ મનોવિજ્ઞાનના અભ્યાસ સાથે સંકળાયેલા છે.

અજાગ્રત મનના અભ્યાસ થકી ઘણી વ્યસનકારક ચીજોના બંધાણમાંથી મુક્તિ મેળવવામાં નોંધપાત્ર સફળતા મળતી રહી છે, જેમાં સેલફોન, સામાજિક નેટવર્કિંગનાં માધ્યમો જેવી આધુનિક ટેક્નોલોજીની બાબતો પણ સામેલ છે. તેને બદલે આ માધ્યમનો ઉપયોગ બંધાણ પેદા કરવા માટે થવા લાગે તો જતે દહાડે પરિસ્થિતિ એવી આવીને ઊભી રહે કે આપણી જાગ્રત તેમજ અજાગ્રત એમ બન્ને અવસ્થા પર કોર્પોરેટ ક્ષેત્રનો જ કબજો રહે. આવી પદ્ધતિઓને ટેક્નોલોજીનો આધાર હોવાથી તે એટલી હદે વળગણરૂપ બની જાય છે કે તેનો ભોગ બનનાર વ્યક્તિને ખુદને એમાં કશું અજુગતું લાગતું નથી.

આ બાબતે પ્રતિક્રિયાત્મક નહીં, પણ ક્રિયાત્મક કાર્યવાહી કરવાની અને નવી, સુદૃઢ નીતિઓ તાત્કાલિક ધોરણે ઘડવાની માંગ સ્ટીકગોલ્ડ અને અન્યો દ્વારા કરવામાં આવી છે. કોર્પોરેટ કંપનીઓ હોય કે રાજકીય પક્ષો, પોતાની વિચારનીતિ ટેક્નોલોજી થકી પ્રસરાવવામાં તેમને કશો છોછ નડતો નથી, કેમ કે, તેમની પ્રયોગશાળાનાં સાધનો બનવા માટે લોકો મળતા જ રહે છે.        -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top