Gujarat

વાપીમાંથી એમડી ડ્રગ્સની ફેક્ટરી ઝડપાઇ, સાડા ચાર કિલો ડ્રગ્સ અને 85 લાખ રોકડા જપ્ત

અમદાવાદ, સુરત, વડોદરા અને આણંદ તથા રાજકોટના યુવકો હવે એમડી ડ્રગ્સના બંધાણી બની ગયા છે, ત્યારે તાજેતરમાં જ સરકારે એમડી ડ્રગ્સની હેરફેર સાથે સંકળાયેલા ડ્રગ્સ માફિયાઓ પર તૂટી પડવા આદેશ કર્યો હતો. જો કે પોલીસ ત્રાટકે તે પહેલા જ ઇન્ટેલિજન્સના આધારે કેન્દ્રિય એજન્સી નારકોટિક્સ કંન્ટ્રોલ બ્યરો (એનસીબી)ની ટીમે વાપીમાં એમડી ડ્રગ્સ બનાવતી ફેકટરી શોધી કાઢીને તેમાંથી ડિલીવરી માટે તૈયાર કરાયેલા સાડા ચાર કિલો એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવતા તે જપ્ત કરી લીધો હતો. આ ઉપરાંત વાપીમાં જ દરોડાની કાર્યવાહી હાથ ધરીને એનસીબીની ટીમે 85 લાખ રોકડા મળી આવતાં તે જપ્ત કરી લીધા હતાં. એમડી ડ્રગ્સના ઉત્પાદન સાથે સંકળાયેલા બે એજન્ટોની ધરપકડ પણ કરી લેવાઈ છે.

એનસીબીના અમદાવાદના ઝોનલ ડાયરેકટર એમ.કે. મિશ્રાએ કહ્યું હતું કે, 20 કલાક સુધી સતત વોચ રાખવામા આવી હતી તે પછી જ વાપીમાં ઓપરેશન સફળ થયુ હતું. જેમાં ડીલિવરી માટે લઈ જવાતાં સાડા ચાર કિલો એમડી (મેફેડ્રોન)નો જથ્થો મળી આવતા તે જપ્ત કરી લેવાયો હતો. આ ઉપરાંત વાપીમાં એમડી ડ્રગ્સની હેરફેરના મામલે દરોડા પાડવામાં આવ્યા હતાં. જેના પગલે 85 લાખ રોકડા મળી આવતા તે જપ્ત કરી લેવાયા છે.

મિશ્રાએ કહ્યું હતું કે, એમડી ડ્રગ્સના ઉત્પાદન અને તેની હેરફેર સાથે સંકાળાયેલા મુખ્ય સૂત્રધાર પ્રકાશ પટેલની ધરપકડ કરી લેવામાં આવી છે. આ પ્રકાશ પટેલ ગુપ્ત રીતે ફેકટરીમાં એમડી ડ્રગ્સના ઉત્પાદન સાથે સંકળાયેલો છે. જયારે સોનુ રામનિવાસ એમડી ડ્રગ્સની હેરફેર કરવામા સંડોવાયેલો છે. એનસીબીની ટીમે વાપીમાં આ ડ્રગ્સ સિન્ડિકેટ પર છેલ્લા કેટલાંક દિવસોથી વોચ રાખી હતી. જેના પગલે વાપીનું આ ઓપરેશન સફળ થયુ હતું.

Most Popular

To Top