નડિયાદ: નડિયાદ શહેરમાં આવેલ ટાઉનહોલની ટીકીટબારી ગેરકાયદેસર રીતે ભાડે રાખનારા દુકાનદાર તેમજ ભાડે આપવામાં મદદગારી કરનાર પાલિકાના જે તે વખતના સત્તાધીશો વિરૂધ્ધ લેન્ડગ્રેબીંગ એક્ટનો ગુનો નોંધવામાં આવે તેવી માંગ સાથે ખેડા જિલ્લા કોંગ્રેસ લીગલ સેલના પ્રમુખે કલેક્ટરમાં અરજી કરી છે. આ અરજીના પગલે પાલિકા પરિસરમાં મુદ્દો ટોક ઓફ ધી ટાઉન બન્યો છે. નડિયાદ શહેરના મુખ્ય માર્ગ ગણાતાં રેલ્વે સ્ટેશન રોડ પર આવેલ ટાઉનહોલની ટીકીટબારી ગેરકાયદેસર રીતે ભાડે આપવાનો મુદ્દો છેલ્લાં ઘણાં સમયથી ચર્ચામાં છે.
નગરપાલિકાના ભાજપના સત્તાધીશોની રહેમનજર હેઠળ ટીકીટબારીનો આ મુદ્દો કાયદેસરમાં ખપાવવાના પ્રયત્નો ચાલી રહ્યાં છે. તાજેતરમાં યોજાયેલી પાલિકાની સામાન્ય સભામાં ગેરકાયદેસર રીતે ભાડે અપાયેલી આ ટીકીટબારીને કાયદેસરમાં ખપાવવાનો તખ્તો પણ ઘડાઈ ગયો હતો. જોકે, આ મુદ્દે શહેરના જાગૃત નાગરિકો ઉપરાંત પાલિકાના વિપક્ષના સભ્યોના ઉગ્ર વિરોધને પગલે પાલિકાના સત્તાધીશોએ ટાઉનહોલની ટીકીટબારી મુદ્દે ફેરવિચારણાનો નિર્ણય લઈ મામલો શાંત પાડવાની કોશિષ કરી હતી.
જોકે, વિપક્ષના સભ્યો, જાગૃતજનો સહિત કેટલાક ગ્રામજનો આ મુદ્દે પાલિકાના સત્તાધીશો સામે પડી ન્યાય નહીં મળે ત્યાં સુધી લડત લડવાનો નિર્ણય કરી લીધો છે. જે અંતર્ગત ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતીના લીગલ સેલના પ્રમુખ જયેશભાઈ ગોવિંધભાઈ તલાટીએ ટાઉનહોલની ટીકીટબારી ગેરકાયદેસર રીતે ભાડે રાખનાર દુકાનદાર તેમજ આ કામમાં મદદગારી કરનાર પાલિકાના સત્તાધીશો સામે લેન્ડ ગ્રેબીંગ એક્ટ મુજબ ગુનો નોંધવા જિલ્લા કલેક્ટરમાં અરજી કરી છે.
આ અરજીમાં જણાવ્યાં મુજબ, અગાઉ ૨૦૦૦ ની સાલમાં ટાઉનહોલની કમ્પાઉન્ડ વોલ પાસે દુકાનો આપવાના ઠરાવો કરવામાં આવ્યાં હતાં. જોકે, તા.૧૫-૧૧-૨૦૦૧ ના રોજ કલેક્ટર દ્વારા આ ઠરાવ રદ કરવામાં આવ્યો હતો. તેમછતાં સન ૨૦૧૯ ની સાલમાં પાલિકાની કારોબારી સમિતી દ્વારા ટાઉનહોલની ટીકીટબારીને ભાડે આપવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો. જેની મંજુરી આજદિન સુધી નિયામક દ્વારા મળી ન હોવા છતાં ગેરકાયદેસર રીતે ટાઉનહોલની ટીકીટબારી તોડી નાંખી, બારીની ગ્રીલો સગેવગે કરી નાંખી, બારીની જગ્યાએ શટર પાડી દુકાન બનાવી ગેરકાયદેસર રીતે ભાડે આપી દેવામાં આવી હતી. દુકાન ભાડે રાખનાર દિલિપભાઈ રમણભાઈ પરમારે પોતાના પિતરાઈ ભાઈ કાનજીભાઈ પરમાર (હાલ પાલિકાના કાઉન્સિલર) ની મદદથી ગેરકાયદેસર રીતે વિજકનેક્શન પણ મેળવી લીધું છે.
આ અંગે શહેરના કેટલાક જાગૃત નાગરિકો દ્વારા પાલિકાના ચીફઓફિસરને રજુઆત કરી ધ્યાન દોરવામાં આવ્યું હોવા છતાં કોઈ પગલાં ભરવામાં આવ્યાં નથી. ત્યારે ટાઉનહોલની ઓરડીમાં ગેરકાયદેસર રીતે કબ્જો જમાવનાર પાલિકાના હાલના કાઉન્સિલર કાનજીભાઈ પરમારના પિતરાઈ ભાઈ દિલીપભાઈ પરમાર પાસેથી તાત્કાલિક ધોરણે કબ્જો પરત લઈ નગરપાલિકાના અધિકૃત અધિકારીને સોંપવામાં આવે તેમજ દુકાનદાર દિલીપભાઈ રમણભાઈ પરમાર (રહે.શાંતિ ફળીયાની બાજુમાં, નડિયાદ) અને તેને મદદગારી કરનાર સન ૨૦૧૯ ની સાલમાં કાર્યરત પાલિકાના ચેરમેન સહિત પ્રમુખ, ચીફ ઓફિસર વિરૂધ્ધ લેન્ડગ્રેબીંગ એક્ટ મુજબનો ગુનો નોંધવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
આ ઉપરાંત ટાઉનહોલની ટીકીટબારી ગેરકાયદેસર રીતે ભાડે આપવામાં દુકાનદારને મદદગારી કરનાર પાલિકાના પ્રમુખ, ચીફઓફિસર અને કારોબારી ચેરમેન પાસેથી દંડ વસુલવામાં આવે, તેમજ અત્યાર સુધી ગેરકાયદેસર રીતે દુકાનનો ઉપયોગ કરવા બદલ દુકાનદાર પાસેથી પણ ભાડા પેટે દંડ વસુલવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે. આ અરજીને લઇ પાલિકા પરિસરમાં રાજકીય ગરમાવો આવી ગયો છે. છેલ્લા લાંબા સમયથી ટીકીટબારીના મુદ્દે ચાલતી લડાઈમાં હવે કલેક્ટર શું નિર્ણય લે છે તેના પર સૌની નજર મંડાઇ છે.