Business

જંગલોમાં આગ લાગવા માટે કયાં પરિબળો જવાબદાર છે?

ભારતનાં કુલ જંગલોના કેટલા ટકા જંગલો આગજનીની ઘટના પ્રત્યે ભેદ્ય છે? ભારતનાં કુલ જંગલોનાં ૨૧.૪% જંગલો આગજનીની ઘટના માટે ભેદ્ય છે.  અતિ વધારે સંવેદનશીલ વિસ્તારો ૩.૮૯% જયારે ઘણા વધારે સંવેદનશીલ વિસ્તારો ૬.૦૧% છે. બધાં રાજય મળીને નવેમ્બર ૨૦૧૮ થી જૂન ૨૦૧૯ સુધીમાં કુલ ૨૯૪૫૭ ‘ફાયર એલર્ટ’ જાહેર કરવામાં આવ્યા હતા. ઇશાન ભારતના વન્ય વિસ્તારોમાં ‘સ્લેશ એન્ડ બર્ન કલ્ટીવેશન’ જંગલોની આગ પાછળનું કારણ છે.

ઇશાન ભારતનાં જંગલો મધ્ય ભારતનાં જંગલોથી એ રીતે જુદાં છે કે તેઓ નિરંતર રીતે લીલાં રહેતાં જંગલો છે. નવેમ્બર ૨૦૧૮ અને જૂન ૨૦૧૯ની વચ્ચે મધ્ય પ્રદેશનાં જંગલોમાં આગના ૨૭૨૩, મહારાષ્ટ્રમાં ૨૫૧૬, ઓરિસ્સામાં ૨૨૧૩ અને છત્તીસગઢમાં ૧૦૦૮ હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યા. વર્ષ ૨૦૧૯ ને શા માટે યાદ કરવામાં આવશે? આ વર્ષને વૈશ્વિક હવામાનની કટોકટીના વર્ષ તરીકે યાદ કરવામાં આવશે. વર્ષ ૨૦૧૯નાં જંગલોના દાવાનળથી કયા દેશો અસરગ્રસ્ત થયા હતા? આ વર્ષમાં જંગલોના દાવાનળથી ઓસ્ટ્રેલિયા, એમેઝોન, કોન્ગો બેઝીન અને આર્કટીક પ્રદેશ અસરગ્રસ્ત થયા હતા.

આફ્રિકા દુકાળગ્રસ્ત થયું હતું. આ આગમાં પૃથ્વીના ટ્રોપિકલ વિસ્તારોએ કેટલી જમીન પરથી જંગલોનું આવરણ ગુમાવ્યું? આ આગમાં પૃથ્વીના ટ્રોપિકલ વિસ્તારોએ ૧ કરોડ ૪૦ લાખ હેકટર જમીન પરથી જંગલોનું આવરણ ગુમાવ્યું હતું. પેરિસ હવામાન કરાર હેઠળ વૈશ્વિક સરેરાશ તાપમાનના વધારાને કેટલી મર્યાદામાં રાખવો જોઇએ? આ કરાર મુજબ સરેરાશ વૈશ્વિક તાપમાનના વધારાને ૨ અંશ સે.ની મર્યાદામાં રાખવાનો છે. જંગલોની આગ માટે બીજું કયું પરિબળ જવાબદાર છે? જંગલોની આગ માટે આકાશમાંથી ત્રાટકતી વીજળી પણ જવાબદાર છે. તો ચાલો, આ વિશેની રોમાંચક વાતોને જાણીએ!

ભારતના પાંચમા ભાગનાં જંગલો આગજનીની ઘટના પ્રત્યે ભેદ્ય છે

વન્ય વિભાગ સર્વે, ૨૦૧૯ મુજબ ભારતનાં કુલ જંગલોના ૨૧.૪% જંગલો આગ તરફ ભેદ્ય છે. આમાં ભારતના ઇશાની વિસ્તારના કુલ જંગલોના અને મધ્ય ભારતના વનવિસ્તારો આગ તરફ વધારે ભેદ્ય છે. ભારતના વન્ય ડિપાર્ટમેન્ટ દ્વારા  ૨૦૦૪ થી  ૨૦૧૭ સુધી ભારતના આગજનીની ઘટનાઓ તરફ ભેદ્ય હોય તેવા વિસ્તારોમાં જે સંશોધન હાથ ધરવામાં આવ્યું હતું, તેના દ્વારા આવો અંદાજ મેળવવામાં આવ્યો હતો.

કયા વિસ્તારો કેટલા પ્રમાણમાં આગ પ્રત્યે ભેદ્ય છે?

આ અંગે જે પૃથકકરણ કરવામાં આવ્યું, તેમાંથી જાણવા મળ્યું છે કે આગજનીની ઘટનાઓ તરફ અતિ વધારે સંવેદનશીલ વિસ્તારોમાં કુલ જંગલોના ૩.૮૯% વિસ્તારનો સમાવેશ થાય છે. ઘણા વધારે સંવેદનશીલ વિસ્તારોમાં ૬.૦૧% વિસ્તારોનો અને વધારે સંવેદનશીલ જંગલોમાં ૧૧.૦૫% વિસ્તારોનો સમાવેશ થાય છે. આમ બધું મળીને જંગલોનો જે વિસ્તાર આગજની તરફ ભેદ્ય છે તેનું પ્રમાણ સમગ્ર જંગલના ૨૧.૪ % થવા જાય છે.

‘મોડીસ’ દ્વારા આપવામાં આવેલી જાણકારી મુજબ પ્રત્યેક રાજય માટે ૨૯૪૫૭ ‘ફાયર એલર્ટ’ જાહેર કરવામાં આવ્યા હતા

‘મોડીસ’ દ્વારા આપવામાં આવેલી નવેમ્બર ૨૦૧૮ થી જૂન ૨૦૧૯ ની માહિતી મુજબ બધાં રાજય થઇને બધું મળીને ૨૯૫૪૭ ‘ફાયર એલર્ટ’ જાહેર કરવામાં આવ્યા હતા. તેમાં નાના કદના મિઝોરમ રાજય માટે સર્વોચ્ચ ૨૧૯૫ ફાયર એલર્ટ જાહેર કરવામાં આવ્યા હતા. ઇશાન ભારતનાં સાત રાજય મળીને કુલ ૧૦,૨૧૦ ફાયર એલર્ટ જાહેર કરવામાં આવ્યા હતા, જે ભારતભરમાં જાહેર કરવામાં આવેલા કુલ એલર્ટના ત્રીજા ભાગ જેટલા હતા. ભારતના ‘ઝુઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા’ સંબંધી મોજણી પર કાર્યરત વિજ્ઞાનીઓના જણાવ્યા મુજબ ઇશાન ભારતના વન્ય વિસ્તારોમાં લાગતી આગ પાછળનું મુખ્ય કારણ અહીંનું ‘સ્લેશ એન્ડ બર્ન કલ્ટીવેશન’ છે. આ પધ્ધતિને ‘ઝુમ કલ્ટીવેશન’ તરીકે ઓળખવામાં આવે છે.

આવી આગજનીની ઘટનાઓ જાન્યુઆરીથી માર્ચ મહિનાના સમયગાળા દરમ્યાન ઉદ્‌ભવે છે. ઇશાન ભારતનાં આ જંગલો મધ્ય ભારતનાં સૂકાં પાંદડાંઓ ખેરવતાં ટ્રોપિકલ જંગલોથી એ રીતે જુદાં પડે છે કે તેઓ નિરંતર રીતે લીલાં જંગલો છે. તેથી તેઓ મધ્ય ભારતનાં જંગલોની જેમ જલ્દીથી આગગ્રસ્ત થવા તરફ ભેદ્ય નથી.

નવેમ્બર  ૨૦૧૮ અને જૂન ૨૦૧૯ વચ્ચે મધ્ય પ્રદેશનાં જંગલોમાં આગના ૨૭૨૩ એલર્ટ જાહેર કરવામાં આવ્યા હતા

જયારે સમગ્રતયા ભારતનાં જંગલોના આવરણમાં વધારો થયો છે ત્યારે ઇશાન ભારતમાં ખાસ કરીને  મિઝોરમ, અરૂણાચલ પ્રદેશ અને નાગાલેન્ડનાં જંગલોના આવરણમાં ઘટાડો નોંધાયો છે. નવેમ્બર ૨૦૧૮ અને જૂન ૨૦૧૯ની વચ્ચેના સમયગાળામાં અમુક રાજયોમાં જંગલોની આગના વધારે એલર્ટ નોંધાયા હતા, જેમાં મધ્ય પ્રદેશમાં ૨૭૨૩, મહારાષ્ટ્રમાં ૨૫૧૬, ઓરિસ્સામાં ૨૨૧૩ અને છત્તીસગઢમાં ૧૦૦૮ હાઇએલર્ટ જાહેર કરવામાં આવ્યા હતા.

વર્ષ ૨૦૧૯ ને હવામાન કટોકટીના વર્ષ તરીકે યાદ કરવામાં આવશે

 ૨૦૧૯ને તે વર્ષ દરમ્યાનની હવામાનની કટોકટી જેણે લોકસમૂહને અસરગ્રસ્ત કર્યો હતો, તે વર્ષને હવામાન કટોકટીના વર્ષ તરીકે યાદ કરવામાં આવશે. આ અંગે લોકોમાં વિરોધનો જુવાળ જોવા મળ્યો હતો. ડિસેમ્બર ૨,૨૦૨૦ ના રોજ વિશ્વ રાષ્ટ્ર સંસ્થા યુનોની મેડ્રીડમાં મળેલી શિખર પરિષદમાં ૨૦૦ રાષ્ટ્રોના પ્રતિનિધિઓએ એકી અવાજે ‘વૈશ્વિક હવામાન કટોકટી’ સામે લડત આપવાનો સૂર વ્યકત કર્યો હતો. આવી ચેતવણી છતાં આપણી સામે એક વૈશ્વિક કટોકટીની પરિસ્થિતિ હજુ પણ ઝળુંબે છે.

જંગલોની આગ માટે કયાં પરિબળો જવાબદાર છે?

જંગલોની આગનાં કુદરતી કારણોમાં એક આકાશમાંની વીજળી છે. જો જંગલમાં લાગેલી આગ નિરંકુશ હોય તો તે વિશાળ વિસ્તારમાં પ્રસરી શકે. વળી આવી આગ પાછળ આજકાલ પૃથ્વીના ક્ષોભાવરણમાં જમા થઇ રહેલા ગ્રીનહાઉસ વાયુઓ છે, જેઓ પૃથ્વીના સરેરાશ તાપમાનમાં વધારો કરે છે. નિશ્ચિત માત્રા કરતાં વધારે ગરમીથી પૃથ્વી અસરગ્રસ્ત થવી એ પણ એક કારણ છે. હવામાનનાં પરિવર્તનો આવી આગની આવૃત્તિઓ અને તીવ્રતા પર અસર કરે છે. જેને પરિણામે જંગલો વધારે પડતાં દહનશીલ બની શકે. સરેરાશ તાપમાનનો વધારો પણ વન્ય વિસ્તારોની આગજનીની ઘટનાઓ પાછળનું એક પરિબળ હોઇ શકે.

વર્ષ ૨૦૮૦ માં ઇશાન અમેરિકા, ભૂમધ્યના વિસ્તારો, વાયવ્ય એશિયા અને એમેઝોન વિસ્તારોમાં ગરમીનું પ્રમાણ વધી શકે

# વિજ્ઞાનીઓએ આગાહી કરી છે કે  ૨૦૮૦ સુધીમાં પૃથ્વીના નિમ્ન વાતાવરણમાં જમા થઇ રહેલા ગ્રીનહાઉસ વાયુઓને કારણે પશ્ચિમ ઉત્તર અમેરિકા, વિષુવવૃત્તીય આફ્રિકા, દક્ષિણ પૂર્વ એશિયા અને ઓસ્ટ્રેલિયામાં આગજનીની ઘટનાઓમાં ૫૦ % નો વધારો થઇ શકે. જયારે ભૂમધ્ય વિસ્તાર, દક્ષિણ આફ્રિકા, ઉત્તરપૂર્વ અમેરિકા અને એમેઝોનના પ્રદેશમાં આત્યંતિક ગરમીને કારણે આગજનીની ઘટનાઓ અત્યારે જે બની રહી છે, તેના કરતાં બેગણી વધી શકે.

# વળી ગ્રીનહાઉસ વાયુઓને કારણે અને જૈવ દ્રવ્યના દહનને કારણે અને જમીનને ઉપયોગમાં લેવા બાબતે આવેલા ફેરફારોની પ્રાદેશિક સ્તરે અસર પહોંચે. વળી આજકાલ પૃથ્વીના નિમ્ન વાતાવરણમાં જમા થઇ રહેલા ગ્રીન હાઉસ વાયુઓ પૃથ્વીની સરેરાશ ગરમીના પ્રમાણમાં ઓર વધારો કરે. આ સંશોધનમાં નોંધવામાં આવ્યું છે કે એમેઝોન પ્રદેશમાં આત્યંતિક હવામાનની પરિસ્થિતિને કારણે અને પશ્ચિમ ઉત્તર અમેરિકાના વિસ્તારોમાં ૨૦ મી સદીમાં આગજનીનાં જોખમોમાં થયેલો વધારો બાયોમાસ (જૈવદ્રવ્ય)ને કારણે હતો.

જમીન વપરાશની પધ્ધતિમાં થયેલા ફેરફારોને કારણે ઓસ્ટ્રેલિયા અને એમેઝોનના વિસ્તારોમાં આગજનીની ઘટનાઓનું જોખમ વધ્યું હતું. # ઔદ્યોગિક એરોસોલ કેટલાક સૌર વિકિરણને પૃથ્વી સુધી પહોંચવામાં અંતરાયરૂપ બને અને તેથી હવામાન કંઇક શીતળ બને છે. જો કે દક્ષિણપૂર્વ એશિયા કે જયાં એરોસોલ ફેંકાવાનું ચાલુ રહેશે, ત્યાં વાર્ષિક ચોમાસુ નબળું પડી શકે, શુષ્ક હવામાનની પરિસ્થિતિ હાવી થઇ શકે.

પૃથ્વીના ટ્રોપિકલ વિસ્તારોએ ૧ કરોડ ૪૦ લાખ હેકટર જમીન પરથી જંગલોનું આવરણ ગુમાવ્યું હતું

વર્ષ ૨૦૧૯ ની જંગલોના દાવાનળની ઘટનાએ ઓસ્ટ્રેલિયા, એમેઝોન, કોંગો બેઝીન અને આર્કટીક પ્રદેશને લપેટમાં લીધા હતા. આફ્રિકામાં પૂર અને દુકાળની પરિસ્થિતિ હાવી હતી. નિરંતર શુષ્ક અને ગરમ હવામાનનું શું પરિણામ આવે તેનું આ તાદૃશ ઉદાહરણ હતું. પર્યાવરણ અને વન્ય પ્રાણીસૃષ્ટિ પ્રભાવિત થયા હતા. પ્રવાસન પ્રવૃત્તિઓમાં ઓટ આવી હતી અને જેતે સંબંધિત દેશોના અર્થકારણ પ્રભાવિત થયા હતા. ઇન્ફ્રાસ્ટ્રકચર સંબંધી ખોટને કારણે આર્થિક પ્રગતિની રફતાર હંગામી ધોરણે ધીમી પડી હતી. પૃથ્વીના ટ્રોપિકલ વિસ્તારોએ ૧ કરોડ ૨૦ લાખ હેકટર જમીને તેના પરનાં જંગલોનું આવરણ ગુમાવ્યું હતું.

પૃથ્વીના નિમ્ન વાતાવરણમાં જમા થઇ રહેલા ગ્રીનહાઉસ વાયુઓના પ્રમાણને શા માટે ઓછું કરવાની જરૂર છે?

# એમ જણાયું છે કે પૃથ્વીના નિમ્ન વાતાવરણમાં ભળી રહેલા ગ્રીનહાઉસ વાયુઓ જેવા કે કાર્બન મોનોકસાઇડ, કાર્બન ડાયોકસાઇડ અને નાઇટ્રોજનના ઓકસાઇડો (NOX )ના પ્રમાણને ઓછું કરવાથી હવામાન પરિવર્તનને અંકુશમાં રાખવા માટે આપણે જે ખર્ચ કરવો પડે છે તે ખર્ચમાં ઘટાડો થશે. # ‘પેરિસ હવામાન કરાર’ અનુસાર જો સરેરાશ વૈશ્વિક તાપમાનમાં થઇ રહેલા વધારાને ૨ અંશ સે.ની મર્યાદામાં રાખવામાં આવશે તો વાર્ષિક વિકાસદરમાં આવતી ઘટને ૧.૬%ની મર્યાદામાં રાખવામાં સફળતા મળશે પણ જો સરેરાશ વૈશ્વિક તાપમાનમાં ૩ અંશ સેલ્સીઅસનો વધારો થશે તો વાર્ષિક વિકાસ દરમાં  ૨.૨% નો ઘટાડો થશે. # જો સરેરાશ વૈશ્વિક તાપમાનને ૧.૫ અંશ સે. ના વધારાની મર્યાદામાં જ રાખવું હોય તો પ્રતિવર્ષ પૃથ્વીના નિમ્ન વાતાવરણમાં જમા થઇ રહેલા ગ્રીન હાઉસ વાયુઓના પ્રમાણમાં વાર્ષિક ધોરણે ૭.૬%નો ઘટાડો કરતા જવું પડશે.

Most Popular

To Top