દક્ષિણ ગુજરાત બાદ કચ્છ અને હવે ઉત્તર ગુજરાતમાં જિલ્લા પોલીસ વડા તેમજ રેન્જ આઈજી સાથે ક્રાઈમ કોન્ફરન્સ યોજવામાં આવી રહી છે. જેમાં રાજ્યના ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજા દ્વારા કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી રહી છે.પાટણમાં જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા દ્વારા કાયદો વ્યવસ્થાની સ્થિતિ અંગે એક પ્રેઝન્ટેશન રજુ કરવામાં આવ્યું હતું. જેમાં ગુનાઓનો ભેદ ઉકેલવા સાથે આરોપીઓને થતી સજાની માહિતીની પણ સમીક્ષા કરાઈ હતી.
બેઠક બાદ જાડેજાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે પાટણ જિલ્લો આંતરરાષ્ટ્રીય બોર્ડર નજીક આવેલો છે. જેના પગલે પોલીસ દ્વારા દારૂના વેચાણ, ગૌવંશની ગેરકાયદે કતલ તેમજ લૂંટ – ધાડના જેવા ગુનાઓ અટકાવવા માટે પોલીસ કટિબદ્ધ છે. જાડેજાએ આજે પાટણ જિલ્લાના ચોરમાર ગામે સરસ્વતી પોલીસ મથકનું આજે ઉદઘાટન કર્યુ હતું. આ નવીન પોલીસ મથક ખાતે ફરજ બજાવનાર 57 જેટલા પોલીસ કર્મીઓ દ્વારા 49 જેટલા ગામની કાયદો – વ્યવસ્થાની સ્થિતિ પર નજર રાખવામાં આવનાર છે.
એક દિવસ પહેલા જાડેજાએ કચ્છમાં ક્રાઈમ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે કાયદાનું ઉલ્લંધન કરનાર કોઈપણ ચમરબંધીને છોડવામાં આવશે નહી. બાયો ડિઝલ વેચાણ, ભૂ માફિયા, કોલસા તેમજ ખનીજ માફિયા સામે પોલીસ દ્વારા સખ્તાઈથી પગલા લેવાશે. તેમણે કહ્યું હતું કે સરહદી વિસ્તારની સલામતી વ્યવસ્થા અંગે પણ પોલીસ જાગૃત છે. દરિયાઈ જળ સીમા સાથે જોડાયેલા વિસ્તારોમાં કોઈ ગુનાખોરીની પ્રવૃત્તિ ના થાય તે માટે પગલા લેવાઈ રહ્યા છે.