Comments

ગુજરાતને પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી કઈ રીતે મળ્યા ?

અમરસિંહ ભીલાભાઈ ચૌધરી ગુજરાતના પહેલા આદિવાસી મુખ્યમંત્રી હતા.અમર સિંહ ચૌધરી નો જન્મ ગુજરાત રાજ્યનાં એ વખતના સુરત જિલ્લાના તેમ જ હાલમાં તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ડોલવણ ગામ માં રહેતા આદિવાસી કુટુંબમાં જુલાઇ ૩૧ ૧૯૪૧ ના રોજ થયો હતો.તેમની સાથે ગુજરાતના રાજકારણનો એક આખો દાયકો કે યુગ સંકળાયેલો છે. એમના જન્મ દિવસે અમરસિંહ ચૌધરીની મુખ્યમંત્રી બનવાની રોમાંચક અને અજાણી વાતો પણ આજના રાજકારણ, રાજકારણીઓ માટે એટલી જ જાણવા જેવી છે.

અમરસિંહ ચૌધરીને મુખ્યમંત્રી બનવા માટે નો પાયો 4 જુલાઇ 1985ના રોજથી નંખાઈ ગયો હતો. ગુજરાતમાં નવી નવી કોંગ્રેસની સરકાર રચાઈ હતી વિધાનસભા સત્ર ચાલી રહયું હતું છતાં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી માધવ સિંહ સોલંકી વિધાનસભામાં હાજર રહેવાની જગ્યા એ બે દિવસથી દિલ્હીમાં ડેરા તંબુ તાણી ને બેઠા હતા.

માધવ સિંહ ને ચાલુ વિધાનસભા સત્ર છોડી ને દિલ્હી એટલે આવું પડ્યું હતું કેમકે રાજ્યમાં સતત ચાલી રહેલા સાંપ્રદાયિક તોફાનો ની સ્થિતિ જાણવા અને સરકાર ની ભૂલો જોવા માટે પંદર દિવસ પહેલાં રાજીવ ગાંધી દ્વારા કોંગ્રેસના સિનિયર નેતા જી.કે. મુપ્પનારના નેતૃત્વમાં પાંચ આઝર્વર્વર કમિટિ મોકલવામાં આવી હતી જેણે ત્રણ -બે ( ત્રણ જણા ની સહમતી અને બે જણાની અ-સહમતી) ની બહુમતીથી માધવ સિંહ સોલંકીને મુખ્યમંત્રી પદેથી દૂર કરવાની ભલામણ કરી હતી. કમિટીની આ ભલામણ પછી માધવસિંહની મુખ્યમંત્રી પદેથી વિદાય લગભગ નક્કી હતી.

એક બાજુ કમિટીનો નિર્ણય આવ્યા પછી માધવસિંહ સોલંકી દિલ્હીમાં રોકાયેલા હતા બીજી બાજુ એજ દિવસે 4 જુલાઇ 1985ના રોજ સાંજે પાંચ વાગ્યે કોંગ્રેસ ઉપાધ્યક્ષના આદેશ થી બે ઓઝર્વર સંતોષ મોહન દેવ અને અમરજીત કૌર દિલ્હીથી અમદાવાદ આવવા માટે ફ્લાઇટમાં બેસી ગયા હતા રાતે આઠ વાગ્યાની આસપાસ આ બંને નેતાઓ અમદાવાદની એક હોટેલ માં પહોંચી ગયા. જોકે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હીથી આવેલા નેતાઓ વિષેની જાણ 5 જુલાઇ 1985ના રોજ એટલે કે બીજા દિવસે થઇ જયારે બજેટ સત્ર ચાલતું હોવા છતાં ગુજરાત કોંગ્રેસના એક એક નેતાઓ ને હોટેલ માં બોલાવી ને માધવ સિંહ વિષે પૂછવામાં આવ્યું. સવારથી શરુ થયેલી આ પ્રક્રિયા માં સાંજે લગભગ 92 ધારાસભ્યોનો મત દિલ્હીથી આવેલા બે કોંગ્રેસી નેતા સંતોષ મોહન દેવ અને અમરજીત કૌરે જાણી લીધો હતો.

પણ સૌથી વધારે સમય આ બંનેનેતાઓ ને માધવસિંહ ની વિરુદ્ધ બંડ પોકારનાર ત્રણ નેતાઓ ને સાંભળવા માં ગયો આ નેતાઓ હતા ઝીણાભાઈ દરજી, સનત મહેતા અને મનોહર સિંહ જાડેજા.આ ત્રણે નેતાઓ માધવ સિંહ ના 1980 થી 85 ના કાર્યકાળ માં પણ ખુબ વિરોધ કર્યો હતો, 1985ની ચૂંટણી માં પણ આ ત્રણે નેતાઓએ માધવસિંહ નો ખુલી ને વિરોધ કર્યો હતો પણ ત્યારે દિલ્હી હાઇકમાન્ડે ખુબ કડકાઈ પૂર્વક આ નેતાઓ નો વિરોધ દાબી દીધો અને માધવસિંહ સાથે ઉભા રહેવાની સલાહ આપતા ત્રણે નેતાઓ શાંત પડી ગયા અને એવા સમયની રાહ જોતા હતા કે ફરથી માધવસિંહ ને ઘેરી શકાય, 5 જુલાઇ 1985ના રોજ દિલ્હીથી આવેલા બે નેતાઓ ને જોઈ આ ત્રણે અસંતુષ્ટ નેતાઓને લાગ્યું કે હવે ફરી એ સમય આવી ગયો છે.

એક બાજુ ગુજરાત માં કોંગ્રેસી ઓબ્ઝર્વની હાજરી થી ગુજરાત કોંગ્રેસના નેતાઓ ને લાગી રહ્યું હતું કે હવે માધવસિંહ ની વિદાય લગભગ નક્કી છે ત્યારે બીજી બાજુ માધવસિંહ દિલ્હી માં પોતાના સોગઠાં ગોઠવી રહ્યા હતા, દિલ્હી માં એ રાજીવગાંધી ને મળ્યા પછી વી.પી.સિંહ ને મળ્યા પછી પોતાનું રાજીનામુ આપી દીધું એટલે એજ દિવસે સાંજે દિલ્હી એરપોર્ટથી બીજું એક વિમાન ઉડ્યું જેમાં માધવ સિંહ સોલંકી,વી.પી.સિંહ, ચંદુ ચંદ્રાકર અને જી.કે.મુપન્નાર સવાર હતા.આ લોકો ને તત્કાલીન પ્રધાનમંત્રી રાજીવ ગાંધીએ જવાબદારી આપી હતી કે ગુજરાત જઈને વિધાયકદળના નવા નેતાની પસંદગી કરો.

બીજા દિવસે બેઠક શરુ થાય છે સૌથી પેહલા માધવસિંહ સોલંકી જાહેરાત કરે છે કે તેઓ મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપી રહ્યા છે, જોકે એ જાહેરાત કરે એ પહેલા એક રહસ્યમય ઘટના બની. જયારે બધા જ ધારાસભ્યોની બેઠક ચાલી રહી ત્યારે એક ફોન આવી ગયો માધવસિંહ સોલંકી અને બીજા કેટલાક નેતાઓ ઉભા થઇ ને બહાર જતા રહ્યા,અર્ધો કલાક સુધી એ ફોન કોલ ચાલ્યો, ફોન પત્યો એ પછી બધા જ નેતાઓ પાછા આવ્યા અને માધવસિંહે રાજીનામુ આપવા ની જાહેરાત કરી.

માધવ સિંહ વિરોધી નેતાઓ ને આ જાહેરાતમાં પોતાની તક લાગી, માધવસિંહ ના વિરોધીઓ કોઈ સોગઠાં ગોઠવે એ પહેલા જ માધવસિંહે શાસક પક્ષ ના નેતા તરીકે અમરસિંહ ચૌધરીનું નામ મૂક્યું.એમના નામ મુકતા ની સાથે જ તત્કાલીન કોંગ્રેસ અધ્યક્ષ મહંત વિજયદાસે સમર્થન આપ્યું. સનત મહેતા, ઝીણા ભાઈ દરજી અને મનોહર જાડેજા જોતા જ રહી ગયા અને ગુજરાત ને પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી તરીકે અમરસિંહ ચૌધરી મળી ગયા.હા એ વાત અલગ છે કે અમર સિંહ ચૌધરી મુખ્યમંત્રી તરીકે નામ પ્રસ્તાવિત થયા પછી પણ મુશ્કેલીઓ દૂર થઇ નહતી.

અમરસિંહના નામને સમર્થન મળતા જ સનત મહેતા, ઝીણા ભાઈ દરજી અને મનોહર જાડેજા એ દિલ્હીથી આવેલા કોંગ્રેસી નેતા જી.કે.મુપનાર સમક્ષ પોતાનો રોષ ઠાલવ્યો અને નામ ને કોઈ પણ ભોગે સમર્થન ન આપવા ની વાત કહી.મુપનારને એ વાત નહતી સમજાઈ રહી કે બાકી ના બે નેતાઓ અમરસિંહના નામ નો વિરોધ કરે એ સમજાઈ જાય પણ ઝીણાભાઈ નો વિરોધ સમજતો નહતો,ઝીણાભાઈ પોતે પણ આદિવાસી સમાજ માંથી આવતા હતા.

અમરસિંહ પણ આદિવાસી સમાજ ના હતા ઉપરાંત અમરસિંહ ચૌધરી ને રાજકારણ માં પણ ઝીણાભાઈ જ લઇ આવ્યા હતા,આ મુદ્દે તે સમયના કેટલાક પીઢ કોંગ્રેસી નેતાઓ નું એવું કહેવું છે કે ઝીણા ભાઈ એ વાત ને પચાવી નહતા શકતા કે એમનો જુનિયર જેમને તેઓ પોતે જ રાજકારણ માં લઇ ને આવ્યા એ આજે એમને જ બાયપાસ કરી ને મુખ્યમંત્રી બની જાય.કદાચ આજ કારણો ને લીધે જયારે દિલ્હીથી આવેલા નેતાઓ ની બેઠક ચાલી રહી હતી ત્યારે ઝીણાભાઈ ના ગ્રુપે કોંગ્રેસી નેતા નટવરલાલ શાહ ના નામની ભલામણ કરી અને મુખ્યમંત્રીના પદ પર બધાનું સમર્થન હોવાની વાત નેતાઓ સમક્ષ મૂકી.

નટવરલાલ શાહ એ સમય ના બંને કોંગ્રેસી જૂથો માં સ્વીકાર્ય નેતા હતા અને એ સમયે ગુજરાત વિધાનસભા ના અધ્યક્ષ હતા પણ બેઠકમાં જી.કે,મુપનારે સ્પષ્ટ કહી દીધું કે રાજીવ ગાંધી માત્રને માત્ર અમરસિંહ ને જ મુખ્યમંત્રી બનાવવા માંગે છે એટલે ઝીણા ભાઈ દરજી,સનત મહેતા અને મનોહર જાડેજા ગ્રુપ પાસે બીજો કોઈ રસ્તો ન રહી ગયો અને અમરસિંહ ચૌધરીના નામ ને મુખ્યમંત્રી તરીકે સ્વીકારવું જ પડ્યું. આ રીતે ગુજરાત ને પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી મળ્યા.          – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top