Madhya Gujarat

ભાભીને જીવતાં સળગાવનાર દિયરને આજીવન કેદની સજા

નડિયાદ: ગળતેશ્વર તાલુકાના છીંકારીયામાં બે વર્ષ અગાઉ નજીવી બાબતે થયેલાં વૃધ્ધ ભાભી ઉપર કેરોસીન છાંટી આગ ચાંપી મોતને ઘાટ ઉતારનાર દિયરને કસુરવાર ઠેરવી કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. ગળતેશ્વર તાલુકાના છીંકારીયા ગામમાં ભાથીજી મંદિર પાસે રહેતાં ડાહ્યાભાઈ પરમારે બે વર્ષ અગાઉ ઘર તોડાવ્યું હતું. તે વખતે તેમના ઘરને અડીને આવેલાં તેમના મોટાભાઈ ચંદુભાઈના ઘરનો મોભ તુટી ગયો હતો. જેને પગલે ચંદુભાઈના ઘરમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી.

આથી કંટાળેલા ચંદુભાઈના પત્નિ ભુરીબેન (ઉં.વ ૭૦) તા.૨૭મી જૂન,૧૯ના રોજ દિયર ડાહ્યાભાઈને આ બાબતે ઠપકો આપ્યો હતો. જેથી બંને વચ્ચે ઉગ્ર ઝઘડો થતાં ડાહ્યાભાઈ ઘરમાંથી કેરોસીનનું ડબલું લઈ આવી ભાભી ભુરીબેન ઉપર છાંટી દીધું હતું. જે બાદ સળગતી દિવાસળી ફેંકતા ભકડો થયો હતો. જેમાં ભુરીબહેન ગંભીર રીતે દાઝી જતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.

જ્યાં ત્રણ દિવસની ત્રણ દિવસ બાદ સારવાર દરમિયાન ભુરીબેનનું મોત નિપજતાં પોલીસે હત્યાનો ઉમેરો કર્યો હતો. પોલીસે ડાહ્યાભાઈ પરમારની અટકાયત કરી ચાર્જશીટ નડિયાદ કોર્ટમાં મુકી હતી. આ કેસ નડિયાદના સેસન્સ ન્યાયાધીશ કોર્ટમાં ચાલ્યો હતો. જેમાં સરકારી વકીલ રાહુલ જી બ્રહ્મભટ્ટે રજુ કરેલાં ૧૭ જેટલાં દસ્તાવેજી પુરાવા, ૧૯ જેટલાં સાક્ષી તેમજ ધારદાર દલીલોને ધ્યાનમાં રાખી ન્યાયાધીશે ડાહ્યાભાઈ માલાભાઈ પરમારને આજીવન કેદની સજા તેમજ રૂ.૫૦૦૦ નો દંડ ફટકાર્યો છે. જો દંડ ન ભરે તો વધુ એક વર્ષની કેદની સજાનો પણ હુકમ કર્યો છે.

Most Popular

To Top