જાણવા મળ્યા મુજબ આશરે 111 દેશોમાં ડેલ્ટા વેરિઅન્ટના કેસો ઝડપથી વધી રહ્યા છે. પ્રવાસન સ્થળોએ ભેગી થતી ભીડમાં નથી માસ્ક, નથી સોશ્યલ ડીસ્ટન્સીંગ તો પછી સજા ભોગવવા પણ તૈયાર રહેવું પડે કે નહીં ?કોરોના મહામારી સમગ્ર દેશનો પ્રશ્ન છે. એક તરફ કેન્દ્ર સરકાર આદેશ આપે છે કે જ્યાં કોરોના નિયમોનું પાલન ન થતું હોય ત્યાં ફરી પ્રતિબંધ લગાવો. બીજી તરફ રાજકારણીઓ ધર્મના નામે અને રાજકીય ઉત્સવોના નામે ટોળાંઓ ભેગાં થવા દે છે. યુ.પી.માં કાવડયાત્રા યોજાવાની છે. ચૂંટણીઓ અને પેટા ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે.
આગામી શ્રાવણ માસમાં ઘણાં બધાં સ્થળોએ ધાર્મિક મેળાવડાઓ યોજાશે. કુંભમેળો પણ સુપર સ્પ્રેડર બન્યો હતો. તેવું જ યુપીની કાવડયાત્રામાં પણ થઈ શકે છે. ઉત્તરાખંડ સરકાર જો પ્રતિબંધ મૂકી શકતી હોય તો યુ.પી. સરકાર કેમ નહીં ? દેશના વડા પ્રધાન અને ગૃહ પ્રધાને પણ યુ.પી. સરકારને આદેશ આપવો જ જોઈએ. હિલ સ્ટેશનો, પર્યટન સ્થળો રાજ્યોના જિલ્લાઓમાં આવેલા હોય છે. તે જિલ્લાના કલેકટરો, મામલતદારો, પોલીસવડાઓ અને અન્ય ઉચ્ચ અમલદારો ધારે તો ટોળાંને અટકાવી શકે. રાજ્ય સરકારના અધિકારીઓ નિષ્ક્રિય રહે છે. સાથે સાથે સરકાર, ધારાસભ્યો, સંસદસભ્યો બધા જ મૂક પ્રેક્ષક બની રહે છે. હાઈકોર્ટ દ્વારા યોગ્ય જ કહેવાયું છે કે ‘‘પૂજા અને ધર્મનો અધિકાર જીવવાના અધિકારીથી મોટો ના હોઈ શકે.’’ તો પછી સરકારો કેમ એનું પાલન કરતી નથી?
ગણદેવી – રમેશ કે. પટેલ-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.