Vadodara

બ્રહ્મલીન સ્વામીના દર્શને શ્રદ્ધાળુઓ ઊમટી પડ્યા

વડોદરા: હરિધામ સોખડામાં ભક્તોનું ઘોડાપૂર સોખડા મંદિર ખાતે બીજા દિવસે પણ  અગાઉથી નિર્ધારિત  વિસ્તારોના હરિભક્તો અક્ષર નિવાસી પૂ. હરિપ્રસાદ સ્વામીજીના અંતિમ દર્શન માટે  આવી પહોંચ્યા હતા.  પોતાની ગાડીઓમાં તેમજ લક્ઝરી બસોમાં આવેલા ભક્તો તેમના પથ દર્શક અને આત્મીય ગુરુના અંતિમ દર્શન કરવા માટે બે કિલોમીટર ચાલીને પણ  મંદિરે પહોંચ્યા હતા.

ગુરુવારે સવારે  મુંબઇ, પુણે,  નેત્રંગ, અને નર્મદા સહિત  બેંગ્લોર અને દક્ષિણ ભારતના હરિભક્તોએ પૂ. હરિપ્રસાદ  સ્વામીજીના નશ્વર દેહના અંતિમ દર્શન  કર્યા હતા. બપોર બાદ સુરત, ચોર્યાસી, જલાલપોર, બારડોલી, કામરેજ,ઓલપાડ, નવસારી,તાપી,ખેરગામ, વલસાડ, ડાંગ જિલ્લાના હજારોની સંખ્યામાં આવેલા હરિ ભક્તોએ સ્વામીજીના અબટીમ દર્શન કર્યા હતા જ્યારે સાંજના સમયે ભરૂચ,  અંકલેશ્વર, અને હાંસોટ તાલુકાના હરિ ભક્તોએ સ્વામીજીના ભક્તિભાવપૂર્વક સજળ નયને અંતિમ દર્શન કરીને તેમને પુષ્પાંજલી  અર્પિ હતી. આજે આવેલા રાજકીય તેમજ ધાર્મિક સંસ્થાઓના વડાઓ ધારાસભ્યોએ સ્વામીજી ને  શ્રદ્ધા સુમન   આપ્યા હતા.

ભક્તો દ્વારા સ્વામીના પદ ચિન્હોની છાપને પુષ્પો અર્પણ કરાયા

બ્રહ્મલીન અક્ષર નિવાસી પૂ. હરિ પ્રસાદ સ્વામીના અંતિમ દર્શને આવતા હરિભક્તો તેમના દર્શન કરવાની સાથે તેમના પ્રિય એવા ગુરુ અને આત્મીયજન એવા પૂ. હરિપ્રસાદ સ્વામીજીના પદ ચિન્હોની છાપને પુષ્પો અર્પણ કરી રહ્યા હતા.  સ્વામીજીના પદ ચિન્હોને  ભક્તિ ભાવથી પૂજન કરીને   તેમના અંતિમ દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યાં હતાં.   ભારતીય સંસ્કૃતિમાં ગૃરુ ના ચરણો ને આધ્યાત્મિક રીતે મહત્વ આપવામાં  આવ્યું છે અને તેને શુભ ગણવામાં આવેલું છે. તેથી ભક્તોને તેમના ચરણ ની પૂજા કર્યાની અનુભૂતિ થાય તેથી તેમના પદ ચિહ્નો તેમના નશ્વર દેહ પાસે રાખવામાં આવ્યા હતા. અને ભાવિક ભક્તો એ પણ તેમના પદ ચિન્હો પર પુષ્પઅંજલી  કરીને ભક્તિ ભાવ પૂર્વક અંતિમ નમન  કર્યા હતા.

Most Popular

To Top