Entertainment

મિઝાન જાફરી ‘હંગામા’ મચાવવા રેડી

મિઝાન જાફરી હંગામા મચાવવા આવી ગયો છે. મિઝાનનું આખું નામ છે – મિઝાન જાવેદ જગદીપ જાફરી. જગદીપનું નામ આમ તો સૈયદ ઇશ્તિયાક અહેમદ જાફરી પણ યુસુફખાને દિલીપકુમાર નામ તળે મૂળ નામ છૂપાવી દીધેલું. બદરુદ્દીન જમાલુદ્દીન કાઝીએ જોની વોકર હેઠળ પોતાનું નામ ગાયબ કરી દીધેલું તેવું જગદીપનું છે. પણ તેણે કોમેડીમાં જે સફળતા મેળવેલી તે પછી તેની ત્રીજી પેઢી ફિલ્મોમાં આવી ગઇ છે. જાવેદ જાફરી સારો એકટર, ડાન્સર, શો એંકર હવે તેનો દિકરો મિઝાન આવ્યો છે. જોકે બે વર્ષ પહેલાં તેની ‘મલાલ’ આવી ચુકી છે.

જગદીપ પાસે હાસ્યની નૈસર્ગિક શકિત હતી, જાવેદ જાફરી પાસે અભિનય અને ડાન્સની શકિત હતી અને તાલીમ લઇ ફિલ્મોમાં આવેલો હવે ત્રીજી પેઢીએ આવેલો મિઝાન બિઝનેસમાં ડિગ્રી મેળવ્યા બાદ ન્યૂયોર્ક જઇ ફિલ્મ મેકિંગ કોર્સ કરીને આવ્યો છે. હવે ભલે અભિનય તરફ વળ્યો હોય પણ ‘બાજીરાવ મસ્તાની’માં તે સંજય લીલા ભણશાલીનો આસિસ્ટન્ટ હતો અને ‘પદ્માવત’માં તેણે રણવીર સીંઘના બોડી ડબલ તરીકેય કામ કરેલું. આ દરમ્યાન ભણશાલીને લાગ્યું કે મિઝાનમાં અભિનય પ્રતિભા પણ છે અને તેથી સંજય લીલા ભણશાલીએ જ તેને ‘મલાલ’માં શર્મીન સેગલ સાથે ચમકાવેલો. હવે પ્રિયદર્શનની ‘હંગામા’ આગળ વધી રહી છે.

૧૯૯૪ માં તેમણે મલયાલમ ભાષામાં ‘મિન્નારમ’ બનાવેલી તેની જ આ રિમેક છે. હિન્દીમા’ ૨૮ ફિલ્મો બનાવી ચુકેલા પ્રિયદર્શન તેમની અફલાતૂન કોમેડી ફિલ્મો માટે જાણીતા છે. આ ફિલ્મ ઘણા બધા માટે કમબેક જેવી છે. પ્રિયદર્શને છેલ્લે આઠેક વર્ષ પહેલાં ‘રંગરેજ’ બનાવેલી તો ‘હંગામા-2’ માં પાછી વળી રહેલી શિલ્પા શેટ્ટીએ ૧૪ વર્ષ પહેલાં ‘અપને’ માં કામ કરેલું. આજકાલ ફિલ્મો જ નહીં તેના ગીતોની ય રિમેક થવા લાગી છે અને ‘મે’ ખિલાડી તુ અનાડી’ નું ‘ચુરાકે દિલ મેરા ગોરીયાં ચલી’ ગીત ‘હંગામા-2’ માં ફરી જોવા – સાંભળવા મળશે. મિઝાન સારો ડાન્સર છે અને જાવેદ જાફરીએ જ તેને ટ્રેઇન કર્યો છે એટલે અભિનય ઉપરાંત ડાન્સની ટેલેન્ટ પણ ખબર પડશે. મિઝાને ‘મલાલ’માં શર્મીન સાથે કામ કરેલું અને ‘હંગામા-2’ માં પરિનીથા છે. મતલબ કે બન્ને હીરોઇન નવી જ છે.

મિઝાનને ખાત્રી છે કે કોરોનાના ૧૬ મહિના પછી એક ખૂબ સરસ કોમેડી ફિલ્મ આવી છે. પ્રિયદર્શને પરેશ રાવલ અને શિલ્પા શેટ્ટી ઉપરાંત ટીકુ તલસાણીયા જેવાને પણ આ ફિલ્મમાં લીધા છે અને તેથી કોરોનાની ત્રીજી લહેર તો સંભવિત કહેવાય છે પણ હાસ્યન લહેર પાકી છે. મિઝાન ધીમે ધીમે આગળ વધી રહ્યો છે તેણે ગમે તેમ ફિલ્મો સ્વીકારવી નથી. ‘હંગામા-2’ સારી જશે તો તેના આધારે બીજી ફિલ્મો માટે તૈયાર થશે. તેના મનમાં ફિલ્મનું દિગ્દર્શન પણ છે પરંતુ તે વિશે વધુ ઉતાવળ કરવા માંગતો નથી. પિતા જાવેદ જાફરીની સલાહ તે હંમેશા કાને ધરે છે એટલે વિચારીને આગળ વધશે. વિચાર્યા વિના હંગામા ન મચાવી શકાય.

Most Popular

To Top