આપણે ત્યાં રાત અને દિવસ ભલે લાંબા-ટૂંકા થતાં હોય, રાત છે, તો નિરાંત છે. ‘‘રાત જીતની ભી સંગીન હોગી, સુબ્હ ઉતની હી રંગીન હોગી’’, એવી શ્રધ્ધા સાથે નિરાશા-વ્યથા ખંખેરાઈ જાય છે અને નવચેતના નો સંચાર થાય છે. સૂર્યાસ્ત સાથે જ સમય-અંતર નિર્ધારિત થાય છે, દિવસોની ગણતરી થાય છે. જ્યારથી પૃથ્વી ગોળ છે, પરિભ્રમણ કરે છે, એમ સાબિત થયું અને તેને આધારે વર્ષ નક્કી થાય છે, એવી વ્યવસ્થા થઈ, તેની સાથે જ પૃથ્વીના અર્ધગોળાર્ધ પાછલા ભાગમાં રાતનો અંધકાર વ્યાપી જાય છે, તે પણ સિધ્ધ થયું, એટલે જ અહીં બપોરના બાર વાગ્યાનો સમય જોવાય ત્યારે ત્યાં રાતના બાર વાગ્યાનો સમય હોય.
હવાઈ-ઊડ્ડયન આજે ખૂબજ ઝડપી બન્યું છે તેથી પ્રત્યક્ષ અનુભવ પણ તેનો થઈ શકે. કુદરતની કમાલ એ છે કે પૃથ્વી પરના પાંચ દેશોમાં રીતસરની રાત થતી જ નથી, ક્યાંક અડધી રાતે પણ સૂર્ય ચમકતો હોય છે. સ્વીડન, નોર્વે, આઈસલેન્ડ, ફિનલેન્ડ, કેનેડા જેવા દેશોમાં આવી પ્રકૃતિ લીલા જોવા મળે છે. નોર્વેમાં એક એવું શહેર પણ છે, જ્યાં બે વર્ષ સુધી સૂર્યદર્શન થતાં નથી. સ્વીડનમાં સો દિવસો સુધી સૂર્ય આથમતો નથી. અને જ્યારે આથમે તો પણ તે મધ્ય રાત્રિ પછી, થોડી વારે પાછો આવે છે, જ્યારે અહીંતો આથમ્યા પછી બીજી સવારેજ તે હાજર થાય છે.
પ્રાકૃતિક સૌદર્યનાં અદ્દભુત દૃશ્યો સર્જાય ત્યારે માનવ બે ઘડી કુદરતની લીલામાં ખોવાઈ જાય છે. હવામાન અને સૂર્યના પ્રભાવથી જે તે પ્રદેશના લોકોના માનવદેહની ત્વચાને અલગ અલગ રંગ સાંપડે છે, તેથીજ ગોરા, કાળા, પીળા, ઘઉંવર્ણના લોકો અલગ તરી આવે છે. ઔદ્યોગિક ક્રાંતિ પછી જીવનશૈલી બદલાઈ છે, ‘‘દિવસે કામ, રાતે આરામ’’ જેવો ક્રમ હવે જળવાતો નથી. આમ છતાં જો રાત ન હોય, મધુર-શીતળ ચાંદની ન હોય તો જીવનની મઝા કેટલેક અંશે જતી રહે છે, રાત અને નિરાંત સુખદાયી ક્રમ રહે છે. અંતરિક્ષ અને પરગ્રહના અનુભવો નજીકના ભવિષ્યમાંજ સાકાર થાય. સુરત – યુસૂફ એમ. ગુજરાતી- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.