આમ તો ઘણી સાંજો મારવા, પૂરિયા, શ્રી ભોપાલી સાથે ગાળી છે. પ્રકાશ-અંધકાર, આ જગત-પેલે પારના જગત સાથે નાતો જોડવા નિમંત્રણ આપતા રાગો, ત્રણેય કે ‘શ્રી’ ગણો તો ચારેયનો ભાવ સ્વભાવ અલગ પણ બધામાં એક સામ્ય એ કે દરેક એમ કહે કે ‘હેથા નય’ ‘હેથા નય’- બીજે કયાંક, કયાંક બીજે જ. આજે ગોરંભાયેલી આષાઢી સાંજે મન ઠર્યું મારવા પર. મને ગમતા ત્રણ મારવા તેમાં એક કુમાર ગાંધર્વનો, બીજો રાજેન્દ્ર પ્રસન્નાનો બાંસૂરી પરનો અને અલી અકબર ખાંનો સરોદ પરનો. યોજના તો કોઇ એવી ન હતી પણ એ રાગના સૂરોમાં જ રહેવાની ઇચ્છા રહયા કરી અને શરૂ કર્યું કુમારજીના રાગ મારવાથી.
એ પછી ય મન ન ધરાયું તો રાજેન્દ્ર પ્રસન્નાનો બાંસૂરી પર મારવા સાંભળ્યો છતાં અધૂરપ લાગી અને અંતે સાંભળ્યો અલી અકબર ખાંનો સરોદ પરનો મારવા. મારવા જેવા આ રાગો-સાંધ્ય સંધિ પ્રકાશ રાગોમાં ધીમે ધીમે પ્રકાશ વિલાય અરૂપરૂ અંધારૂં ઘેરાય અને સાંજના આકાશમાં એક પછી એક તારા ધીમે ધીમે ઉઘડતા આવતા હોય. બીજનો, ચોથનો કે પૂનમનો ચંદ્ર ધીમે ધીમે આકાશમાં આછો આછો અજવાસ ઘોળતો ભળાય અને પછી તો પૃથ્વી પર જ રહયા રહયા પાર્થિવ થઇ ગયેલા આપણને ધીમે ધીમે વિરાટ અંતરિક્ષની ઝાંખી થાય.
વિસ્તીર્ણ ભૂમા તરફ નજર જાય અને ભૂમા કહે તું પૃથ્વીનો પુત્ર તો ખરો જ પણ તું અમારો ભૂમાનો પુત્ર પણ ખરો. તું આખા અંતરિક્ષનો છો અને અંતરિક્ષ તારું અને એ કસક ઉપડે કે અહીં નહીં બીજે કયાંક બીજે ત્યાં અંતરિક્ષમાં. આ એક આધ્યાત્મિક આરત છટપટાહટ મારવામાં મને વધુ લાગે. મારવાનો જ સગોત્રી પૂરિયા. છતાં બંનેની પ્રકૃતિ જુદી. મને તો આછા થતા જતા પ્રકાશ અને ધીમે ધીમે ઘોળાતા જતાં અંધારામાં કોઇ સાધક પોતાનો દિવસ પૂર્ણ થયાની કૃતકૃત્યતા વ્યકત કરતા શાંત સાધક જેવો લાગે. એક સાધકની શાંતિ ઠર્યા જીવનો અનુભવ લઇ આવતો હોય તેવો લાગે.
અને રાગ ‘શ્રી’? ‘લક્ષ્મી’, શુભ શુભંકર એવા ભાવો તેના નામના અર્થસંસ્કારોને લીધે જોડાય. પણ રાગ ગંભીર. ગંભીર તો મારવા, પૂરિયા પણ ખરો પણ ઢાંકીસાહેબ કહે છે તેમ એક આ રાગમાં આછો કસલતાનો અંશ. ઝાંખી થતા જતા પૃથ્વીમાંથી સીધા જ તમને નવજાત અંતરિક્ષમાં લઇ જાય.
કયાંક ગુહ્ય તાંત્રિક મંત્રોચ્ચાર ચાલતો હોય તેવું લાગે. સર્જનનું આશ્ચર્ય, વિચ્છેદની પીડા, સ્વતંત્ર તારક તણખાને થતું આનંદ સ્પંદન બધું અનુભવાય. નટરાજના વૈશ્વિક નૃત્યને જેમ અંતરિક્ષમાં અહર્નિશ ચાલતી સર્જન- વિસર્જનની વિરાટ લીલા રૂપે જોઇ શકાય તે અર્થમાં રાગ ‘શ્રી’ને. આ રાગમાં બૈરાગી, ભૈરવ જેવો વિરકત ભાવ નથી. ‘શ્રી’નો ભાવ તો છે તેનાથી પણ ઉપર ઉઠેલો અજંપ સર્જનભાવ રહસ્યમયતા અને થોડી કસલતા. પ્રસિધ્ધ ગાયક શ્રી ગજેન્દ્ર બક્ષી જયારે મળેલાં ત્યારે તેમણે પણ કહયું કે તેમણે પણ ‘શ્રી’માં એક રહસ્યમય કસલતા અને તાંત્રિક અનુષ્ઠાનનો અનુભવ કરેલો છે. આ અંગે પં. ઓમકારનાથજીનો સંદર્ભ પણ આપેલો.
અને સોહિણી? જેવું નામ એવો જ સોહામણો. એ રાગને રાગિણી તરીકે કલ્પી સોહિણી સોહામણી એમ કહેવાનું મન થાય. આ રાગમાં નારીનું નમણું ચાપલ્ય, અનુનય શરમસંકોચનો વ્રીડાભાવ, ખંડિતા નારીનો રોષ, વિરહોત્કંઠિતાનો ઉત્કટ વિરહભાવ, વિરહની તડપ, રિસાવા- મનાવાની લીલાઓ, ઊંડેથી ઉઠતી આરત, મુખર થયેલો આર્તસ્વર, પૂર્ણ મિલનનો આનંદ, ઉત્સવ… આ બધું આ એક જ રાગમાં કહો કે રાગિણીમાં. મારવા પૂરિયા આધ્યાત્મિક પણ સોહિણી તો ઐહિક દૈહિક.
આમ તો ‘મારવા’, ‘પૂરિયા’, ‘સોહિણી’, ‘ભૂપ’ ‘શ્રી’ બધા સાંજના રાગો. એના સૂરો જ એવા કે સાંજે જ વધુ અસરકારક લાગે અને તેમાં સાંજ સાક્ષાત થાય. ભલે હો સાંજના જ રાગો પણ દરેકમાં સંધિકાળનું સંવેદન જુદું, તેનો અનુભવ જુદો- અને એ જ તો એ રાગનો પ્રાણ. ઉપર ઊઠતો ‘ભૂપ’નો ધૂપ પણ જુદો. કુંડલિનીમાંથી પ્રગટતો ‘મારવા’ અને તેની છટપટાટ જુદી, પૂરિયાનું ગાંભીર્ય જુદું, ‘સોહિણી’ની ક્રીડા, વ્રીડા અને આર્ત સ્વરાવલિ જુદી તો થોડો કરાલ થોડો રહસ્યમય ગૂઢ ભાસતો ‘શ્રી’ પણ જુદો. આ બધા રાગો ઐહિકથી વૈશ્વિક સફર કરાવી હળવેકથી આ પૃથ્વી પર પાછા મૂકી આપે. આ બધા રાગો નરસિંહની જેમ આકાશ અંતરિક્ષ તરફ આંગળી ચીંધી આપણને કહે ‘નિરખને!’