મને સિઝર આપજે ને!’ જેનિલે કહ્યું. વિશ્વાએ સિઝર એની તરફ લંબાવી, પણ એના મોં પર નારાજગી હતી. એ જોઇને જેનિલને હસવું આવ્યું. આમ તો બાગકામ કરતી વખતે બધાં ઓજાર જેનિલ લઇને જ બેસે. પણ આજે માટીવાળા હાથ થઇ ગયા પછી યાદ આવ્યું કે સિઝર તો ભૂલી જ ગયો. અને બોન્સાઇનું પ્રુનિંગ કરવું જરુરી છે, એટલે સિઝર તો જોઇએ જ. ગાર્ડનિંગ કરવું એ જેનિલનો શોખ હતો અને રહેશે.
પણ બર્થ ડે બાગકામમાં પસાર કરવો તે કંઇ યોગ્ય છે? જો કે જન્મદિવસ જેનિલનો છે એટલે એને મનગમતું કરવા મળવું જોઇએ એ વિશ્વા સમજતી હતી પણ લોકો જન્મ દિવસે બહાર હરેફરે, ડિનર કરે કે મજા કરે. એના બદલે દર વર્ષે જન્મદિવસે જેનિલ આ દિવસ ગાર્ડનિંગ કરવામા વિતાવે છે. વિશ્વાને આ વાત ગમતી નથી. હાઉસવાઇફને બહાર હરવા ફરવા, સજવા–ધજવા માટે મોકો જોતો હોય. એ આવા ખાસ દિવસોમાં જ મળે. એટલે જેનિલ પોતાની બર્થડે આવી રીતે વિતાવે છે તે વિશ્વાને નથી ગમતું. લગ્નજીવનની શરુઆતમાં તો એ ઉત્સાહભેર એને સાથ આપતી. એની સાથે ગાર્ડનમાં સમય પસાર કરતી એના કામકાજમાં મદદ કરતી. પણ લગ્નના પાંચ વર્ષ પછી એને ગાર્ડનિંગ બોરિંગ લાગવા લાગ્યુ.
બર્થ ડે ના દિવસે કરી કરીને બગીચામાં માળીની જેમ કામ જ કરવાનું? આમ જુવો તો ઘરમાં નોકર–ચાકરની ક્યાં કમી છે હેં? પણ એને જન્મદિવસ જન્મદિવસની જેમ ઉજવવો ગમે છે. જેનિલના બર્થ ડેના દિવસે એને ગમતું વિશ્વા કરવાની ના નથી પાડતી પણ પોતે તેમાં ભાગ નથી લઇ શકતી. બસ મન મોટાવ ન થાય તેની કાળજી રાખે છે. પણ આજે સવાર સવારમાં ચાપીને જેનિલ ગાર્ડનિંગ કરવા લાગ્યો એટલે એ જરા નારાજ થઇ ગઇ. હજુ તો ફ્રેન્ડ એન્ડ ફેમિલિમાંથી બધાંના ફોન આવશે. બધાં જેનિલની સાથે સાથે વિશ્વા સાથે પણ વિડિયો કોલમાં વાત કરે. કેટલી મજા પડે! પણ ફોનની રાહ જોયા વિના જ જેનિલ ગાર્ડનિંગમાં મચી પડ્યો. એટલે વિશ્વાએ પણ ફોન બાજુમાં મૂકીને પોતે રૂમમાં જતી રહી.
‘ના, આજે નારાજ નથી થવું. પોતાની પ્રિય વ્યક્તિની બર્થ ડે તો સારો જવો જ જોઇએ. ભલે એ એનું ધાર્યું કરે.’ વિશ્વાએ રસોડામાં જઇને જોયું કે બાઇએ રસોઈની શું તૈયારી કરી છે. જેનિલને પૂરણપોળી બહુ ભાવે છે એટલે આજે પુરણપોળી એ બનાવે છે. સાથે દહીંવડા. કાયમ તુવેરદાળની પુરણપોળી બને છે એટલે બાઇ કૂકર ચડાવવા માટે દાળ લઇ આવી ને વિશ્વાએ એને અટકાવી દીધી. જેનિલના બર્થ ડેને એ પોતાની રીતે યાદગાર બનાવી શકે ને?
આજે કઇંક નવું કરું તો? વિશ્વાને યાદ આવ્યું. એના મામી કાયમ ચણાદાળની પૂરણપોળી બનાવે છે. એ પણ ખાંડમાં નહીં ગોળમાં. નાનપણમાં મામાને ત્યાં રહેવા જતી ત્યારે ખાસ મામી પાસે પૂરણપોળી બનાવડાવતી. પૂરણપોળી સાથે મસ્ત તીખું તમતમતું રીંગણ–બટાકાના શાકની વાત જ અલગ હતી. વિશ્વાએ બાઇને દાળભાત બનાવવા કહી દીધું અને પોતે ચણાદાળની પુરણપોળી બનાવવા લાગી. પૂરણપોળી સાથે મામી બનાવતાં હતાં તે શાક પણ બનાવ્યું. બધું સરસ ડાઇનિંગ ટેબલ પર સજાવી પોતે પણ સરસ તૈયાર થઇ. બાર વાગે જેનિલને જમવા માટે બોલાવવા એ ગાર્ડનમાં ગઇ તો ત્યાં જેનિલ જ ન હતો. વિશ્વાને આશ્ચર્ય થયું કે આ કામ કરતો કરતો ક્યાં જતો રહ્યોં? એણે ઘરને ફરતાં આખા ફળિયામાં આંટો મારી લીધો પણ જેનિલ ન દેખાયો.
હવે આને ફોન જ કરવો પડશે. એણે ઘરમાં આવીને ફોન કર્યો તો ઘરમાં જ રીંગ વાગી. એનો મતલબ કે જેનિલ ફોન ઘરમાં જ રાખીને ગયો છે. સીધી વાત છે ને જેનિલ ગાર્ડનિંગ કરતો હોય ત્યારે કદી મોબાઈલ સાથે નથી રાખતો. કારણ કે ગાર્ડનિંગ કરતાં હાથ માટી–ખાતરવાળા હોય એટલે એવા હાથે તે કેમ ફોન ઉઠાવે? વિશ્વાને થયું કે આટલાંમા જ કશે ગયો હશે હમણાં આવી જશે. પણ બારના બદલે એક થયો તો પણ જેનિલ ન આવ્યો એટલે હવે વિશ્વાને ચિંતા થઇ આખરે આ ગયો ક્યાં?
એણે પોતાના ફ્રેન્ડ સર્કલમાં જ્યાં જેનિલ ગયો હોય તેવી એક બે જગ્યાએ ફોન કર્યા. પણ ત્યાં પણ જેનિલ ન હતો. આડોશપાડોશમાં પણ પૂછી જોયું, કારણ કે જેનિલને કોઇ નવા છોડ દેખાય ગયા હોય તો એ ત્યાં છોડના રોપ લેવા ગયો હોય. પણ જેનિલ આજુબાજમાં પણ કશે ન હતો. વિશ્વાનો શ્વાસ અધ્ધર થઇ ગયો. એ ઘરમાં જઇને સોફા પર બેસી પડી. ત્યાં બહાર ગાડીનો અવાજ આવ્યો અને એ ચમકી. એણે ગરાજમાં તો જોયું જ ન હતું.
ત્યાં ગાડી પાર્ક થયેલી હતી ? વિશ્વા બહાર દોડી. જોયું તો જેનિલ ફ્રેન્ડસ અને રિલેટિવ્સ સાથે ઊભો હતો. વિશ્વા બહાર આવી તેવી જ બધાંએ હેપી બર્થ ડે જેનિલના નામનું કોરસ ગાયું. અને પછી તો વિશ્વાના આશ્ચર્ય વચ્ચે બધાં એ જાતજાતની વાનગીઓ પોત પોતાની બેગ્સમાંથી બહાર કાઢી. ઘરે બનાવેલી વાનગીઓનો થાળ જોઇ લો. પોટ લક એટલે કે ડબ્બા પાર્ટીનું આયોજન હતું. આ બધું જોઇને વિશ્વા ખુશખુશ થઈ ગઈ. સૌથી વધુ આશ્ચર્ય એને જેનિલને જોઇને થયું. હમણાં સવારે તો એણે એને નાઇટ ડ્રૅસમાં ગાર્ડનિંગ કરતો જોયો હતો અને અત્યારે વિશ્વાને મનગમતાં કપડામાં શેવિંગ કરીને સજ્જ હતો.
વિશ્વાને ખ્યાલ આવી ગયો કે જેમ પોતે જેનિલના જન્મદિવસને ખાસ બનાવવા પ્રયત્ન કર્યો તેમ જેનિલે પણ એની બર્થ ડે ખાસ બને, ખાસ કરીને વિશ્વાને આનંદ આવે તેવું કરવાનો પ્રયત્ન કર્યો. આખરે પ્રેમને વ્યક્ત કરવા માટે બહાનું જોઇએ ને! રાતે બધાં ગયા પછી બન્ને એકલાં પડ્યા ત્યારે વિશ્વાએ કહ્યું, ‘તારા બર્થ ડે ને ખાસ બનાવવા માટે થેન્કયુ!’ ‘હસબન્ડ–વાઈફે એકબીજાને થેન્કયુ કે સોરી ન કહેવું જોઇએ…’ જવાબમાં તોફાની હાસ્ય કરતાં વિશ્વા બોલી, ‘પતિ–પત્ની એકબીજાને થેન્કયુ ન કહે તો ચાલે પણ સોરી તો કહેવું જ પડે.’