Charchapatra

વેકિસનના ધાંધિયા

ગુજરાતમાં વેક્સિનેશનના ધાંધિયા યથાવત્ છે! છેલ્લા એક મહિનાથી જનતા હાલાકી ભોગવી રહી છે! નિષ્ણાતો કહી ચૂકયા છે કે ત્રીજી લહેરથી બચવાનો એક માત્ર ઉપાય વેક્સિનેશન જ છે અને કેન્દ્ર સરકાર પણ એ જ કહી રહી છે. છતાં ગુજરાતમાં રસીનો સ્ટોક હજુ સુધી પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ નથી! ‘ગુજરાતમિત્ર’ના 23 જુલાઇથી 25 જુલાઇના સચિત્ર અહેવાલો મુજબ સુરતમાં ટોકનો લેવા સેન્ટરો ઉપર જનતા આગલી રાતથી જ લાઇનો લગાવી દે છે અને પછી સરકારી તંત્રના અણઘડ વહીવટને લીધે પોલીસના દંડાનો ભોગ બને છે!

નોટબંધી પછી પણ જનતાના નસીબમાં લાઇનો લગાવવાનું લખાયેલું જ છે! ચાર મહિના પહેલાં ઓકસીજન સીલીન્ડરો માટેની લાઇનો, ઇંજેકશનો લેવાની લાઇનો, મરણના દાખલા લેવાની લાઇનો, સ્મશાનમાં બળવા માટેની લાઇનો લાગતી હતી અને હવે વેક્સિન લેવા લાઇનમાં ઊભા રહે છે અને છતાં વેક્સિન મળશે કે નહીં તે ખબર નથી! સુરત સહિત અન્ય શહેરોમાં જનતા વેક્સિનના ધાંધિયાથી ‘ત્રસ્ત’ છે અને અહીં ‘સંવેદનશીલ’ ગુજરાત સરકાર પાંચ વર્ષના ‘સુશાસનકાળ’ની ઉજવણીની તૈયારીમાં વ્યસ્ત છે! શું આ છે વિકસિત ગુજરાત? જયાં જનતા માટે માત્ર ને માત્ર હાલાકી સિવાય બીજું કાંઇ જ નથી! સુરત     – ભાર્ગવ પંડયા– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top