ગુજરાત સરકારમાં હાલ વિવિધ વિભાગોમાં જુદા-જુદા સંવર્ગોમાં 51 હજાર કરતાં વધુ જગ્યાઓ છેલ્લાં પાંચ વર્ષથી ખાલી છે. ભરતીની સામે બમણાં કર્મચારીઓ સતત નિવૃત્ત થતાં જગ્યાઓ તો ખાલી જ રહે છે. વારંવાર ખાલી પડેલી જગ્યાઓ માટે ટૂંક સમયમાં ભરતી કરાશે. જોઈતી સંખ્યામાં ઉમેદવારો મળતા નથી એવાં નિવેદનો સાંભળીને કાન થાકી ગયા છે. ભરતીની પ્રક્રિયા વખતે લાખોની સંખ્યામાં ઉમેદવારો અરજી કરે છે. પરંતુ છેલ્લાં બે વર્ષમાં માત્ર 1777 યુવાનોને જ સરકારી નોકરી મળી છે. ઘણી બધી ભરતીઓમાં પરિણામ બાદ પણ ભરતીઓ બાકી છે.
ઘણામાં ફોર્મ ભરાયા બાદ પરીક્ષાની તારીખો જાહેર કરવાની બાકી છે. વારંવાર આ અંગેની રજૂઆત થવા છતાં કોઇ સચોટ પગલાં લેવાતાં જ નથી. વળી હવે સરકાર દ્વારા 45 ટકાથી વધુ જગ્યાઓ આઉટસોર્સિંગ ફિકસ પગાર અને કોન્ટ્રાકટથી ભરાય છે. મોટે ભાગના કોન્ટ્રાકટ 11 મહિના માટે થાય છે. પરિસ્થિતિ એ છે કે માંડ બધું થાળે પડયું હોય ત્યાં શિક્ષક બદલાઈ જાય! ફરી નવાં શિક્ષકો લાંબા ગાળા સુધી રહે તે હિતાવહ છે.
જેથી પોતે તો સમાયોજન સાધી શકે અને વિદ્યાર્થીઓને પણ ફાયદો થાય. હાલ આ જ કરાર આધારિત પદ્ધતિ સુરત મહાનગરપાલિકા દ્વારા પણ અપનાવાય ઉચ્ચતર માધ્યમિક વિભાગ શરૂ કરવાનો ઐતિહાસિક નિર્ણય લેવાયો જે ખરેખર સરાહનીય છે, પરંતુ શિક્ષકોની ભરતી કાયમી રીતે થાય એ ખૂબ અગત્યનું છે. નહિતર એવી જ પરિસ્થિતિ સર્જાશે કે સાંસદ-ધારાસભ્યોના ખાલી પદ છ મહિનામાં ભરાય છે. તો આવા કેટલાંય અગત્યનાં પદો કાયમી રીતે કયારે ભરાશે? મોટા વરાછા – યાશિકા પટેલ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.