સાપુતારા: (Saputara) નવસારીનાં ચીખલી પોલીસ સ્ટેશનમાં કસ્ટડીયલ ડેથને (Custody Death) મામલે સોમવારે ડાંગ જિલ્લો સજ્જડ બંધ રાખવામાં આવ્યો હતો. સજ્જડ બંધનાં અલટીમેટમનાં પગલે ડાંગમાં તમામ દુકાનોનાં શટર બંધ (Shops Closed) જોવા મળી રહ્યા હતા. ડાંગ બંધને લોકોનો પ્રચંડ પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. સોમવારે જિલ્લાનાં તમામ જોવા લાયક સ્થળો પણ બંધ રાખવામાં આવતા પ્રવાસીઓની (Tourist) સ્થિતિ કફોડી બની ગઈ હતી.
ડાંગનાં સુનિલ પવાર (દોડીપાડા) અને રવિ જાદવ(વધઈ)ની ચીખલી પોલીસ સ્ટેશનમાં પંખા સાથે વાયર વડે શંકાસ્પદ હાલતમાં ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી હતી. જે બાબતે ચીખલી પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોતનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. આ બનાવ બાબતે નવસારી જિલ્લા પોલીસ વડા દ્વારા એક પી.આઈ, એક પી.એસ.આઈ., એક જમાદાર અને એક કોન્સ્ટેબલને સસ્પેન્ડ કર્યા છે. સાથે આ બનાવની તપાસ માટેની ન્યાયિક ટીમો બનાવી તપાસ ચાલી રહી છે. આદિવાસી યુવાનોનાં શંકાસ્પદ મૃત્યુનાં તપાસમાં ભીનુ સંકેલાય નહીં તથા આદિવાસી યુવાનોને ન્યાય મળે તે માટે ડાંગનાં લોકોએ ડાંગ બંધને સજ્જડ સમર્થન આપતા જિલ્લો બંધ રહ્યો હતો.
ડાંગના વેપારીઓએ દુકાનો બંધ રાખી
કસ્ટડીયલ ડેથ મામલે આજે ડાંગના તમામ વેપારીઓએ સજ્જડ રીતે બંધ પાળ્યો છે. આજે શામગહાન, સાકરપાતળ, વઘઇ, સુબિર, આહવા, સાપુતારા તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પણ દુકાનો બંધ જોવા મળી હતી. સવારથી જ ડાંગ બંધને પ્રચંડ પ્રતિસાદ સાથે વેપારીઓએ દુકાનો નહીં ખોલવાનો નિર્ણય કર્યો હતો.
ડાંગ બંધને પગલે જોવાલાયક સ્થળો એક દિવસ માટે બંધ રખાયા
ડાંગ બંધને લઈ જિલ્લાનાં તમામ જોવા લાયક સ્થળો સ્થાનિક મંડળીઓ દ્વારા બંધ રાખવામાં આવ્યા હતા. જેના પગલે દૂરથી ફરવા આવેલા પ્રવાસીઓ અટવાયા હતા. વઘઇનો ગીરાધોધ સહિત, વઘઇ બોટાનિકલ ગાર્ડન તેમજ ગિરિમથક સાપુતારામાં પણ લારી ગલ્લા એસોસિએશન દ્વારા સજ્જડ રીતે બંધ પાળતા સન્નાટો વ્યાપી ગયો હતો.
કોઈ પણ જાતનાં દબાણ વગર પ્રથમ વખત ડાંગ બંધને લોકોનું સમર્થન
સોમવારે ડાંગ બંધનાં નિર્ણયને લઈને ભાજપ-કોંગ્રેસનાં આગેવાનો તેમજ અન્ય પાર્ટીનાં આગેવાનોએ બંધને લઈ અલ્ટીમેટમ આપી દીધુ હતુ. આ ઉપરાંત વેપારી એસોસિએશન દ્વારા પણ બંધ પાળવાને લઈ સમર્થન આપવામાં આવ્યુ હતુ.
આગેવાનોએ મૃતક યુવાનોના પરિવારની મુલાકાત કરી
ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશનનાં ડિરેક્ટર બાબુરાવ ચૌર્યાએ મૃતકનાં પરિવારની મુલાકાત લઇ જણાવ્યું હતું કે ચીખલી પોલીસ સ્ટેશનમાં કસ્ટડીયલ ડેથને તેઓ વખોડી કાઢે છે. આદિવાસી સમાજ જોડે આ ઘટના બની છે. આવનારા સમયમાં બીજા સમાજનાં પરિવાર જોડે આ ઘટના ન બને તે માટે આજે ડાંગ બંધનું એલાન કરવામાં આવ્યું હતું અને જેને લોકોએ સમર્થન આપ્યું છે. તેઓ મૃતકના પરિવારને આર્થિક તેમજ ન્યાયિક મદદ કરશે. જોમૃતક પરિવારને ન્યાય નહીં મળે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.