Business

ઈર્ષા ઝેરીલો અવગુણ

ઈર્ષા એક ઝેરીલો અવગુણ છે. એ એવું ઝેર છે કે તે મોટે ભાગે ઈર્ષા કરનારને જ નુકશાન કરે છે. એટલે જ કહેવત પડી છે કે, ‘ખાડો ખોદે તે પડે.’ સંત એલીઝાબેથ સ્પેઇનના રાજાની  કુંવરી હતી. પોર્ટુગલના રાજા ડેનિસ સાથે તેમનાં લગ્ન થયાં હતાં. આ રાજાનો  સ્વભાવ શંકાશીલ હતો અને તે કાચા કાનનો હતો. જ્યારે રાણી એલિઝાબેનુ જીવન ઈશ્વરને સમર્પિત હતું. ગરીબોને મદદ કરવા જાતે જ નીકળી પડતાં. રાજવી લેબાસમાં રહેવાને બદલે તે સાદાં કપડાં  પહેરતાં, જે રાજવી કુટુંબના માણસો અને દરબારીઓને ગમતું નહીં; એટલે તે ઈર્ષાનો ભોગ બનતાં હતાં.

આ રાણીના નોકરોમાં એક યુવાન નોકર હતો. તે સંસ્કારી અને આજ્ઞાંકિત હતો એટલે રાણી તેને ખૂબ ચાહતાં હતાં. તેથી બીજા એક યુવાનને તેની ઈર્ષા થતી હતી. તેણે રાજાને ફરિયાદ કરી કે રાણી આ યુવાનને જ ખૂબ ચાહે છે‌ અને બીજા બધાની અવજ્ઞા કરે છે, જેથી રાજાએ આ યુવાનનું કાસળ કાઢી નાખવા વિચાર્યું. એક દિવસ રાજા જાતે જંગલમાં ગયો, જ્યાં ચૂનાની ભઠ્ઠી હતી. રાજાએ ત્યાં કામ કરતાં મંજુરોને કહ્યું કે આવતી કાલે હું એક યુવાનને અહીં મોકલીશ. એને સળગતી ભઠ્ઠીમાં નાખીને મારી નાખજો. બીજા દિવસે રાજાએ પેલા યુવાનને બોલાવીને કહ્યું કે તું અત્યારે જ જંગલમાં જા અને ભઠ્ઠીનાં મજુરોને કહેજે કે રાજાએ જે આજ્ઞા આપી છે તે પ્રમાણે કરો. આ યુવાન નોકર જંગલમાં જવા નીકળી પડ્યો.

રસ્તામાં તેણે એક ચર્ચ જોયું, એટલે તે ચર્ચમાં પહોંચી ગયો. ચર્ચમાં ચાલતી લાંબી પ્રાર્થના વિધિમાં ભાગ લીધો. પછી ભઠ્ઠી ઉપર ગયો અને મજૂરોને કહ્યું, ‘રાજાએ આજ્ઞા આપી છે તેમ કરો.’ મજૂરોએ કહ્યું, ‘એ તો અમે કરી દીધું છે.’ તારા પહેલાં એક યુવાન‌ અહીં આવ્યો હતો તેને ભઠ્ઠીમાં નાખીને મારી નાખ્યો છે. આ યુવાન રાજાની મેલી મુરાદ સમજી ગયો અને એનો જીવ બચાવવા માટે પ્રભુનો ખુબ ખુબ આભાર માન્યો. થયું હતું એવું કે, પેલા નોકરને ભઠ્ઠી પર મોકલ્યા બાદ રાજાએ તેની કાનભંભેરણી કરતો હતો તેને, પેલા રાણીના નોકરને ભઠ્ઠીમાં સળગાવી માર્યો છે કે  કેમ તેની તપાસ કરવા મોકલ્યો હતો પણ મજૂરોને લાગ્યું કે જેને મારી નાંખવાનો છે તે આજ યુવાન છે એટલે એને જ બાળી માર્યો હતો! બીજી એક ઘટના જોઈએ.

ઈ.સ. પૂર્વેની બીજી સદી દરમ્યાન બાબિલના રાજાએ જેરુસાલેમ ઉપર ચઢાઈ કરી તેને કબજે કરી લીધું. યહૂદીઓને ગુલામ બનાવ્યા અને ત્યાંના દેખાવડા, હોશિયાર, હટ્ટાકટ્ટા  યુવાનોને તેના દેશમાં લઈ જઈ ત્રણ વર્ષની  તાલીમ આપી તેના દરબારમાં સેવા આપવા તૈયાર કર્યા. તાલીમ પૂરી થતાં રાજાએ તેમની પૂછપરછ કરતાં જ્ઞાન વગેરેમાં ઉત્તમ જણાતાં તેમને રાજાની સેવામાં રાખી લેવામાં આવ્યા. અને ડેનિયલ દેશના ભવિષ્યવેત્તાઓ, જાદુગરો, તાંત્રિકો, વગેરેમાં શ્રેષ્ઠ હોવાથી રાજદરબારમાં રાખવામાં આવ્યા. તે વખતના રાજા નબુખદનેસ્સરને ઈશ્વરે વિશાળ રાજ્ય અને કિર્તી આપ્યા પણ તેનામાં અભિમાન આવી ગયું. તે લોકો સાથે ક્રૂરતાપૂર્વક  વર્તવા લાગ્યો એટલે ઈશ્વરે એ બધું તેની પાસેથી ખૂંચવી લીધું  અને તેને કરુણ હાલતમા જંગલમાં અંતિમ દિવસો ગુજારવા પડ્યા. તેના પછી તેનું રાજ્ય તેના પુત્ર બેલશાસારના હાથમાં ગયું. તેણે  ઊમરાવો માટે મહેફિલ ગોઠવી, જેમાં તેના બાપે મંદિરમાંથી લૂંટી લાવેલ સોના-ચાંદીના વાસણોમાં દારુ પીવા લાગ્યા. ઉમરાવોની સ્ત્રીઓ અને ફાલતું સ્ત્રીઓ સાથે નાચગાન થવા લાગ્યાં. દરમિયાન કોઈ માનવ હાથ ભીંત પર કંઇક લખતો દેખાયો. તેનું લખાણ અગમ્ય હતું, જે જોઈને રાજા ગભરાઈ ગયો અને બૂમ પાડી કે,  તાંત્રિકો, જાદુગરો, અને જ્યોતિષીઓને બોલાવી લાવો. જે કોઈ આ લખાણ વાંચી બતાવી તેનો અર્થ મને સમજાવશે તેને મોટું ઈનામ અને રાજ્યમાં ત્રીજા નંબરનું  ઊંચું પદ આપવામાં આવશે.રાજાનો અવાજ સાંભળી તેમના ખંડમાંથી રાજ માતા મહેફિલના ખંડમાં આવ્યાં અને આના ઉકેલ માટે ડેનિયલને બોલાવવા જણાવ્યું. ડેનિયલને બોલાવવામાં આવ્યા. એમણે રાજાને લખાણ વાંચી સંભળાવી એનો અર્થ પણ સમજાવ્યો. રાજાએ ખૂશ થઈ એમને કિનખાબનો ઝભ્ભો અને સોનાનો હાર પહેરાવ્યો અને રાજ્યમાં ત્રીજા પદનું સ્થાનનું  આપી તેનો ઢંઢેરો પીટાવ્યો. કમ ભાગ્યે એજ રાત્રે આ રાજાની હત્યા થઈ અને દાર્યાવસે રાજગાદી હાંસલ કરી. ડેનિયલની ઉત્તમ કામગીરી અને કુશળતાથી પ્રભાવિત થઈ રાજાએ તેને આખા રાજ્યનો ઉપરી બનાવવાનો વિચાર કર્યો. આથી અન્ય અધિક્ષકો અને રાજ્યપાલોને ઈર્ષા થવા લાગી. ડેનિયલેને રાજાની નજરમાં હલકો પાડવા એમણે એના વહીવટમાં છીદ્રો શોધવા માંડ્યા પણ કોઈ ન મળતાં તેમણે રાજાને ભરમાવી અનિચ્છાએ પણ એવો વટહુકમ બહાર પડાવ્યો કે, આગામી ત્રીસ દિવસમાં જે કોઈ રાજા સિવાય બીજા કોઈ દેવ કે માણસ આગળ પ્રાર્થના કરશે તેને સિંહોની ગુફામાં નાખવામાં આવશે. આ વટહુકમની  જાણ થવા છતાં નિડર ડેનિયલ તેમના ઘરે ગયાવઅને ઉપલા માળે તેની પ્રાર્થના રુમમાં બારીઓ ઊઘાડી રાખી ત્રણવાર  ઘૂંટણીયે પડીને ઈશ્વરની સ્તુતિ કરી તેમજ તેમનો પ્રાર્થનાનો નિત્ય ક્રમ ચાલુ રાખ્યો.

જાસુસો મારફતે માહિતી મેળવી  અધિક્ષકોએ રાજાને આ અંગે ફરિયાદ કરી ડેનિયલને સિંહોની ગુફામાં નંખાવડાવ્યો. રાજાને ખૂબ દુઃખ થયું પણ મજબુરીથી તેને આમ કરવું પડ્યું.

તણે ડેનિયલને શુભેચ્છા પાઠવી કે તે જે દેવની તે સેવા કરે છે તે દેવ તેનો બચાવ કરે!   બીજા દિવસે વહેલી સવારના રાજા સિંહોની ગુફા ઉપર પહોંચી ગયા. ડેનિયલે રાજાને સહર્ષ જણાયું કે, ‘મારા પ્રભુના દૂતોએ મારી રક્ષા કરી છે.’ આથી રાજા ખૂબ ખુશ થયો. તત્કાલ તેમને સિંહોની ગુફામાંથી બહાર કઢાવ્યા અને તેમના વિરોધીઓને તેમની પત્નીઓ અને બાળકો સાથે સિંહોની ગુફામાં નંખાવ્યા.ભૂખ્યા સિંહો તેમના ઉપર તુટી પડ્યા અને તમને ફાડી ખાધાં.

Most Popular

To Top