ભરૂચ: (Bharuch) ઔધોગિક તળાવ માટે વહીવટીતંત્રએ રહિયાદ ગામે મધરાત્રે રોજગારીના (Employment) મુદ્દે લેખિતમાં આશ્વાસન આપ્યા બાદ ઉધોગો (industries) માટે પ્રોસેસ વોટર ચાલુ કરી દીધું હતું. સમગ્ર ઘટના બન્યા બાદ માત્ર ચાર દિવસમાં ભરૂચની કલેકટર કચેરીમાં દહેજની લગભગ 50 જેટલી કંપનીઓના જવાબદાર ઓફિસરને તેમજ ગ્રામજનોના પ્રતિનિધિઓને બોલાવીને રહિયાદનો ગૂંચવાયેલો રોજગારીના પ્રશ્ન બાબતે સઘન ચર્ચા કરવામાં આવી હતી. જીલ્લા કલેકટરે જમીન વિહોણા 59 પરિવારોને આગામી એક સપ્તાહમાં કંપનીના જવાબદારની એપ્રુવલ લઈને તમામને રોજગારી આપવા માટે સુચના આપવામાં આવી હતી.
રહિયાદનું ઔધોગિક તળાવ પર 59 જમીનવિહોણા ખેડૂતો કુટુંબકબીલા સાથે તા-19મી જુલાઈએ પહોચી જઈને ૧૨ ઉધોગોમાં જતું પ્રોસેસ વોટર બંધ કરી દેતા ભારે ઉચાટ સર્જાયો હતો. ધામા નાંખેલા ગ્રામજનો પર દાબ-દબાણ વચ્ચે રોજગારીના મુદ્દે અડીખમ રહેતા સૌ હરકતમાં આવી ગયા હતા. એજ દિવસે મધરાત્રે એકાદ વાગ્યે પ્રાંત અધિકારી પ્રજાપતિ,જીઆઈડીસીના જવાબદાર અધિકારીઓએ 45 દિવસમાં તમામને રોજગારી આપવાનું આશ્વાસન આપતા ગ્રામજનો હળવા થઈને સમાધાનનો માર્ગ અપનાવ્યો હતો. ઘટના બન્યાને ચાર દિવસમાં ભરૂચ જીલ્લા કલેકટર ડો.એમ.ડી.મોડિયાએ પહેલી બેઠક દહેજના જવાબદાર ઉધોગો અને રહિયાદના ગામના સરપંચ ફતેસિંઘ ગોહિલ, વિક્રમસિંઘ ગોહિલ, જીએસીએલના લેન્ડલુઝર, તળાવના લેન્ડલુઝરની બેઠક રાખી હતી જેમાં રિલાયન્સ, ઓપેલ, એમઆરએફ, જીએનએફસી, જીએસીએલ સહીત 50 ઉધોગોના જવાબદાર પ્રતિનિધિ ઉપસ્થિત રહ્યા હતા.
રહિયાદ ગામના જમીનવિહોણા ખેડૂતોનો પેચીદો પ્રશ્ન રોજગારીનો હતો. ખેડૂતોએ હસતા મોઢે જમીનો આપ્યા બાદ પ્રોફિટ કમાનારી ઇન્ડસ્ટ્રીઝને જીવનનિર્વાહ માટે જમીનવિહોણા પરિવારની સહેજે ચિંતા કરી નથી. જે માટે જીલ્લા કલેકટરે દહેજના ઉધોગોને રહિયાદ ગામના જમીનવિહોણા પરિવારને રોજગારી આપવા માટે આગામી ગુરૂવાર સુધીમાં કંપનીના જવાબદાર પાસે એપ્રુઅલ લઈને આપવાની સુચના આપી હતી. સાથે રિલાયન્સ કંપની દ્વારા રહિયાદ ગામને થોડા દિવસથી પીવાના પાણી પાઈપ લાઈન તૂટી જતા બંધ કરી દીધું હતું. પાણી ચાલુ ન કરતા આ મુદ્દો પણ ચર્ચાયો હતો. જેમાં જીલ્લા કલેકટરે રહિયાદ ગામની તરફેણમાં કોઈપણ સંજોગોમાં પાણી ગ્રામજનોને પહોચાડવાની ફરજ હોવાથી રિલાયન્સ અને તંત્રને સુચના આપી હતી.