નાની બાળકીઓનાં અલૂણાં વ્રતના જાગરણ બાદ આવી રહ્યું છે કુમારિકાઓના જ્યાપાર્વતી વ્રતનું જાગરણ. જો કે છેલ્લાં બે વર્ષથી કોરોનાની પરિસ્થિતિમાં જાગરણમાં શહેરમાં હરવાફરવાનો લહાવો નથી મળ્યો પણ ચોક્કસ આ દિવસે વ્રત કરનાર કે ફરવા જનારને પહેલાંના જાગરણના દિવસો યાદ આવે જ આવે. દર વર્ષે જાગરણના દિવસે ગૌરવપથ વ્રત કરનારી યુવતીઓથી ઝગમગતો હોય. સેફટીની દ્રષ્ટિએ આમ તો સુરતમાં જોવાપણું નથી પણ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એના માટે પોલીસ રાત્રે સતત પેટ્રોલીંગ કરતી હોય છે. સુરતી હોય ત્યાં ખાવાનું ના હોય એવું બને? રાત્રે 2 વાગ્યે પણ લોચો અને ફ્રેન્કીની મિજબાની માટે કેટલીય જગ્યાએ રખડે એ સુરતીઓ. ત્યારે ચાલો આવા રંગીલા મોજીલા સુરતીઓની જાગરણની યાદોને તાજી કરીએ….
ભીડભાડમાં એકબીજાથી વિખૂટાં પડી ગયાં
મેરેજ બાદ પહેલી વાર બહાર ફરવા ગયા હોય અને રાત્રે એકબીજાથી વિખૂટાં પડી જઈએ તો શું હાલત થાય ? એ વાતની સ્પષ્ટતા કરતા ઉર્વી ઝાંઝમેરા જણાવે છે કે, ‘‘બે વર્ષ પહેલાંની વાત છે. મારા મેરેજ બાદ જાગરણમાં અમે પહેલી વાર બહાર નીકળ્યા. રાતે અઢી વાગ્યા હતા. અમે સુરતમાં આવેલા નાઈટ ફૂડ બજારમાં ગયા. મારે વ્રત હતું અને મારી સાથે મારા હસબન્ડ પણ જ્યાપાર્વતી વ્રતના ઉપવાસ રાખે. ત્યાં આઈસ્ક્રીમ ખાવા બેઠા એવા પોલીસની ગાડી આવી અને સાયરન વાગી એટલે ભાગદોડ મચી ગઇ. આમતેમ બધા દોડવા લાગ્યા અને એ ભીડમાં હું મારા હસબન્ડથી દૂર થઈ ગઈ. થોડે દૂર આવીને શોધવાનો પ્રયાસ કર્યો પણ દેખાયા નહીં. હું હિંમત કરી એ જ જગ્યાએ પોલીસ હતી છતાં ગઈ. તો પોલીસે કીધું ઓ બેન અહીંયા બધું બંધ થઈ ગયું છે. કોઈ નથી. હું તો રડવા બેઠી કે હવે શું કરું? રાત્રે કેમ શોધું? મારો ફોન પણ એમની પાસે જ હતો. આગળ થોડું ચાલતી ચાલતી આવી તો અમારા રિલેટિવ મળ્યા મેં તેમની પાસે ફોન માંગીને એમને કોલ કર્યો અને અમે ભેગા થયા. એ રાત તો મારા માટે ભયંકર રાત બની ગઈ હતી.’’
આખી રાત ફિઆન્સે સાથે જાગરણ બાદ સવારે ઘરે નીચેથી જ પ્રેમી સાથે ભાગી ગઈ…
ધાર્મિક સોની જણાવે છે કે, ‘‘અમારા રિલેટિવને ત્યાં એવું થયેલું કે છોકરીની સગાઈ થયાને બે જ મહિના થયા હતા. વ્રત આવ્યા એટલે છોકરો જાગરણ કરાવવા લઇ ગયો. આખી રાત તેના ફિઆન્સે સાથે ફરી. જાગરણ પત્યા બાદ તેનો ફિઆન્સે ઘરે મૂકવા ગયો. તેના ઘર નીચે બાઇક પરથી ઊતરી અને કહે હવે તમે જતા રહો. છોકરો જેવો ગાડી લઈને નીકળ્યો પેલી છોકરીએ તેના પ્રેમીને ફોન કરીને બોલાવ્યો અને ઘર નીચેથી જ ડાયરેક્ટ ભાગી ગઈ. સવારે ઘરના લોકો જાગ્યા અને છોકરીના ફિઆન્સેને ફોન કર્યો અને કહ્યું કે હજુ તમારું જાગરણ ચાલે છે? તો પેલાએ કીધું કે હું તો પાંચ વાગ્યાનો ઘરે નીચે ઉતારીને ગયો છું. એ ઘરે તો પહોંચી ગઈ હશે. તો એની મમ્મી કહે એ ઘરે તો નથી. ફોન પણ બંધ બતાવે. પાછળથી ખબર પડી કે એ તો ત્યાંથી જ ભાગી ગઈ!!!
પાણી લેવા ગયા અને પોલીસે એકલા જાણી દંડો ઠોકયો
હવે વાત કરીએ વગર કારણે પોલીસનો દંડો ખાનારા કપલની. જી હા, જાગરણના દિવસે વ્રત કરનાર કરતાં વગર કામના રખડનારા વધારે હોય છે આથી આવા તત્ત્વો પર પોલીસ સખ્તાઇ દાખવતી હોય છે. નીલેશ પાંડવ જણાવે છે કે, ‘‘જાગરણમાં લેડીઝ સાથે હોય તો જ તમે ફરી શકો બાકી એકલા દેખાયા તો પોલીસનો માર ખાવો પડે. હું તો મારી વાઈફ સાથે જ ગયો હતો પણ બન્યું એમ હતું કે એના માટે પાણીની બોટલ લેવા નીકળ્યો. એક ગલ્લા પર 10 થી 12 છોકરાઓનું ટોળું હતું. પોલીસની ગાડી આવી અને એક પછી એક બધાને એકલા હતા એટલે દંડો લઈ મારવા લાગી. હું તો પાણીની બોટલ લેતો હતો અને પાછળ મને પણ દંડો પડ્યો. મેં કીધું સાહેબ સાથે મારી વાઈફ છે. હું તો પાણી લેવા આવ્યો છું. હું આ ગેંગમાં શામેલ નથી. ત્યાં તો સામેથી દોડતી દોડતી મારી વાઈફ આવી અને મેં કીધું જુઓ આ રહી તે. મને કહે સોરી… એ સમયે મનમાં થયું સામે એક ઠોકું, પણ એમને શું કરી શકાય? પછી ત્યાં ને ત્યાં જ આખી રાત બેસી રહ્યો અને સમય પત્યો એટલે ઘરે જઈને સૂઈ જ ગયો! હવે જ્યારે પણ જાગરણમાં જઈએ ત્યારે મારી વાઇફને રેઢી નથી મૂકતો.’’
મેળાની બહાર જ આખું જાગરણ પતી ગયું !!
જાગરણમાં આખા સુરતના ચક્કર કાપવાના, ગૌરવપથ પર બેસવાનું, હસીમજાક કરવાની અને એનાથી ય ના અટકે તો મેળામાં જવાનું. આ એક જ દિવસે રાત્રે પણ મેળો ચાલુ હોય છે અને મેળામાં ભીડભાડ પણ ખરી. અનિલભાઈ પાંડવ જણાવે છે કે, ‘‘મારી વાઇફને તો જાગરણ નહીં હતું પણ મારી બહેન અને સાળીને જાગરણ હતું આથી અમે મિત્રો, સાળા, બહેન એમ કરીને અમે કુલ 15 જણ હતા. પહેલાં તો અમે ગૌરવપથ પર બે વાગ્યા સુધી બેઠા પછી ત્યાંથી નીકળ્યા મેળામાં. મેળામાં ભીડ સખત વધી ગઈ હતી. છેલ્લી અમારી જ એન્ટ્રી હતી. 14 ટિકિટ મળી એક જ બાકી રહેતી હતી. આથી મેં બધાને કીધું વાંધો નહિ મારા એકના લીધે તમે શું કામ કેન્સલ કરો? હું અહીં બહાર આંટા મારીશ તમે ફરી આવો. એ લોકો મેળામાં ગયા. હું એમની રાહ જોતો કે કલાકમાં તો આવી જ જશે પણ ચાર વાગ્યા અને અંદર એટલી ભીડભાડ હતી કે કોઈને રિંગ સંભળાય નહીં આથી ફોન પણ નહીં ઉપાડે. હવે કરવું શું? હું તો છેલ્લે કંટાળીને મેસેજ કરીને ફોન સ્વીચ ઓફ કરીને ગુસ્સામાં ઘરે જઇને સૂઈ ગયો !!!.’’