ગત તા. ૦૯ જુલાઇના રોજ છૂટાછેડાના એક કેસ સંદર્ભે ઉઠાવાયેલો સવાલ, જે મુજબ પતિપક્ષે હિંદુ મેરેજ એકટ-૧૯૫૫ મુજબ કે પત્નીપક્ષે મીણા જનજાતિ પરંપરા મુજબ છૂટાછેડા આપવામાં આવે. તે બાબતે દિલ્હીની વડી અદાલતે સમાન નાગરિક ધારો લાગુ કરવાની જરૂરિયાત દર્શાવી છે. આ અનુસંધાને જણાવવાનું કે સાંપ્રત ભારતમાં વિવિધ ધર્મોના પ્રાચીન રૂઢિ-રિવાજો અનેક માન્યતાઓ પર આધારિત છે અને લગ્ન, છૂટાછેડા, વારસાહક, દત્તક વિધિ, ભેટ, વસિયત, ઘરમાલિકી તેમજ કૌટુંબિક સ્ત્રી-પુરુષોના અધિકારો અને ફરજો જેવા વિષયો માટે, વ્યકિતગત સંહિતાઓ અમલમાં છે. એ સત્ય છે કે સ્વતંત્ર ભારતના રાજય બંધારણના અનુચ્છેદ ૨૫ અને ૨૬ અન્વયે, સમાનતા અને ધર્મસ્વાતંત્ર્યનો હક સર્વ નાગરિકોને મળ્યો છે.
તદુપરાંત અનુચ્છેદ ૩૭૨ (૧) નીચે દેશના વિવિધ ધર્મોની વ્યકિતગત સંહિતાઓનો સ્વીકાર પણ થયો છે. પરંતુ પ્રસ્તુત વિષયોની વિવિધ જોગવાઇઓ વચ્ચે અંતર છે. આ જોગવાઇઓ એવી વિષમ અને અન્યાયકર્તા છે કે જે રાષ્ટ્રના બંધારણે આપેલ મૂળભૂત અધિકારો તેમજ સાંપ્રત સમાજ અને સમય સાથે તેનો કોઇ મેળ પડતો નથી. નમૂના દાખલ: ૧. મુસ્લિમ પર્સનલ લો (શરિયત) એપ્લિકેશન એકટ-૧૯૩૭ મુજબ. બહુપત્નીત્વ અને હલાલા. ૨. સીરિયન ખ્રિસ્ત લો (કેરળ) મુજબ, સંપત્તિના હક માટે પુત્ર-પુત્રી વચ્ચે ભેદ. ૩. હિંદુ સકસેસન એકટ-૧૯૫૬ મુજબ. સંતાનોની વૃદ્ધ માતા – પિતા પ્રત્યેની કાયદેસર ભરણપોષણની એવી શરતી જવાબદારી કે માતા-પિતા બન્ને હિંદુ જ હોવાં જોઇએ અને ૪. પારસી લો મુજબ. મિલકત બાબતે પુત્ર-પુત્રી અને વિધવા માતા વચ્ચે ભારે ભેદ.
ટૂંકમાં, વિવિધ ધર્મોની વ્યકિતગત સંહિતાઓમાં રહેલી વિસંગતતાઓ, ઊણપો અને અસમાનતાઓ, સમાન નાગરિક સંહિતાની અનિવાર્યતા સ્પષ્ટ કરે છે. જો કે ભારતીય રાજય બંધારણ. ભાગ-૪ માં અંકિત ‘રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો’ના અનુચ્છેદ ૪૪ મુજબ. રાજય સરકારોને સમાન નાગરિક સંહિતા ઘડવાની પૂરેપૂરી સત્તા આપવામાં આવી છે તેમજ ૧૯૮૫ માં દેશની સર્વોચ્ચ અદાલતે ક્રિમિનલ પ્રોસિજર કોડ – ૧૯૭૩ ની કલમ ૧૨૫ નીચે આપેલ ભરણપોષણ સંબંધિત ચુકાદામાં પણ સમાન નાગરિક સંહિતા ઘડવાનું સૂચન કરેલ છે. આમ છતાં પણ આ મામલે કોઇ કાર્યવાહી થઇ નથી. હાલમાં ગોવા જ એકમાત્ર એવું રાજય છે કે જયાં સમાન નાગરિક સંહિતા અમલમાં છે. ઇચ્છીએ કે સમાન નાગરિક સંહિતા ‘આર્ય કે હિંદુ સંહિતા’ ન બનતાં એવી ‘ભારતીય સંહિતા’નું ઘડતર અને ચણતર થાય કે જે સાંપ્રત સમયને અનુરૂપ બહુજન હિતાય બહુજન સુખાય બની રહે.
સુરત -પ્રા. જે.આર. વઘાશિયા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.