સુરત શહેરના કુખ્યાત ગેંગસ્ટર સુરેશ ઉર્ફે સૂર્યા મરાઠીની હત્યા કેસમાં નાસતા ફરતા આરોપીની ગુજરાત એટીએસે અમદાવાદમાંથી ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાત એટીએસની ટીમને મળેલી ચોક્કસ હકીકતના આધારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી.વી. ભોલાની ટીમે અમદાવાદ શહેરના દૂધેશ્વર દધીચી બ્રિજ પાસેથી આરોપી વિકાસ ઉર્ફે વિક્કી ચંદ્રપાલસિંહ યાદવ રહે, વાટિકા રેસીડેન્સી, દૂધેશ્વર રોડ, શાહીબાગની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
સુરતમાં ચોક બજાર પોલીસ સ્ટેશન ખાતે 2020માં ગેંગસ્ટર સુરેશ મરાઠીની સાત જેટલા શખ્સોએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી હતી. આ ગુનામાં આરોપી વિકાસ ઉર્ફે વિક્કી યાદવ નાસતો ફરતો હતો. આરોપી વિકાસ યાદવ અગાઉ અમદાવાદના માધુપુરમાં દારૂના ગુનામાં, સાબરમતી વિસ્તારમાં હત્યાના ગુનામાં તેમજ અમદાવાદ શહેરના અન્ય પોલીસ સ્ટેશનના વિસ્તારોમાં હથિયારના પાંચ જેટલા ગુનાઓમાં પકડાયેલો હતો અને તે બે વખત પાસામાં જેલ કાપી આવેલો છે. આ ઉપરાંત સુરતના અડાજણ વિસ્તારમાં નિલેશ ગજ્જર હત્યા કેસ તથા વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મારામારીના ગુનામાં પકડાયેલો હતો.