સુરત: (Surat) શહેરમાં એક વિચિત્ર ઘટના પ્રકાશમાં આવી હતી. જેમાં એક યુવકે કુતરા સામે પોતાનો બદલો (Revenge) લીધો હતો. શહેરના અમરોલી-ઉત્રાણ ખાતે કૂતરું (Dog) ઉંદરની પાછળ દોડતી વખતે ઘર બહાર ઓટલા ઉપર સૂતેલા યુવાનના ગળા પરથી પસાર થયું હતું. ત્યારે યુવાનને ગળાના ભાગે નખ વાગતાં અદાવતમાં યુવાને ગઈકાલે કૂતરા ઉપર કુહાડી વડે હુમલો કર્યો હતો. આ અંગે અમરોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
- ઉંદરનો શિકાર કરવા દોડતું કૂતરું અડી જતાં યુવાને કુહાડી ઝીંકી, ગુનો દાખલ
- સોસાયટીવાળાઓએ ટોકતાં યુવાને માથાકૂટ કરી
- કરુણા અભિયાન સંસ્થાએ કૂતરાની સારવાર કરાવી
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઉત્રાણ ખાતે દેવીકૃપા સોસાયટી પાસે હળપતિવાસમાં રહેતા સંજયભાઈ સુખાભાઇ રાઠોડ ગત 3 જૂનની રાત્રે ઘર બહાર ઓટલા ઉપર સૂતેલો હતો. ત્યારે એક કૂતરું ઉંદરની પાછળ દોડતાં દોડતાં તેના ગળા ઉપરથી દોડી ગયું હતું. ત્યારે કૂતરાના પગના નખ તેના ગળાના ભાગે વાગ્યા હતા. કૂતરાના નખ વાગતાં ગુસ્સે ભરાયેલા સંજયે બીજા દિવસે સવારે કૂતરું બેઠું હતું ત્યારે કુહાડી વડે ઘા માર્યો હતો.
કૂતરાને પાછળના જમણા પગમાં કુહાડીનો ઘા મારતાં ગંભીર ઇજા થઈ હતી. મહોલ્લામાં રહેલા લોકોએ સંજયની આ હરકત બાબતે પૂછતાં સંજયે લોકો સાથે ગાળાગાળી કરી હતી. અને આ કૂતરું મને કરડ્યું એટલે હું તેને મારી નાંખીશ એમ કહ્યું હતું. આ અંગે સ્થાનિક રહેવાસીઓએ જિલ્લા પ્રાણી ક્રૂરતા નિવારણ સોસાયટીના સભ્યોને જાણ કરી હતી. કરુણા અભિયાન સંસ્થાને જાણ થતાં કૂતરાની સારવાર કરાવી હતી. બાદ ગઈકાલે પ્રાણી ક્રૂરતા નિવારણ સોસાયટીના સભ્યોએ અમરોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી.