Vadodara

છાણીથી નિઝામપુરા માર્ગ પરના ગેન્ટ્રી ગેટના પિલ્લરમાં તિરાડ પડી જતાં જોખમી

વડોદરા : વડોદરા શહેરમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી વરસાદી વાતાવરણ સર્જાયું છે.આગામી દિવસોમાં તેજ પવનો સાથે મેઘરાજાની પધરામણી થશે તે વાત નક્કી છે.જોકે આવા સમય ટાણે શહેરના છાણીથી નિઝામપુરા તરફ જવાના માર્ગ ઉપર ઉભો કરાયેલ ગેન્ટ્રી ગેટ અકસ્માતને આમંત્રણ આપી રહ્યો હોવાનું ફલિત થયું છે.જો આ ગેન્ટ્રી ગેટ તૂટી પડશે અને અકસ્માત થકી જાનહાની થશે તો જીમ્મેદાર કોણ ? તેવા સવાલો તંત્ર સામે ઉઠવા પામ્યા છે.અગાઉ પણ શહેરમાં તોકતે વાવાઝોડાની સંભવિત અસરને કારણે શહેરના જુદા જુદા વિસ્તારોમાં ગેન્ટ્રીગેટ તૂટી પડવાથી બે વ્યક્તિઓને ઈજા તેમજ લોકોના વાહનોને નુકશાન પહોંચ્યું હતું.તેમ છતાં પાલિકા તંત્ર આ મામલે કોન્ટ્રાક્ટરોને છાવરી માત્ર વિકાસના બણગા ફૂંકી રહ્યું હોવાનું લાગી રહ્યું છે. આજ માર્ગ પરથી સત્તાધારી પક્ષના સાંસદ સહિત અનેક કોર્પોરેટરો પોતાની વૈભવી ગાડીઓમાં પસાર થતા હોય છે.પરંતુ આ બાબતથી તેઓ અજાણ છે.

આ અંગેની જાણ થતાં સામાજીક કાર્યકર કમલેશ પરમારે તંત્ર સામે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે વડોદરા શહેર સ્માર્ટ સિટી તરફ જઇ રહ્યું છે.બીજી તરફ વડોદરા શહેરમાં જુદાજુદા વિસ્તારોમાં ગેન્ટ્રી ગેટ પડી રહ્યા છે.સાથે સાથે થોડા સમય પહેલા મકરપુરા પાસે એક ગેન્ટ્રી ગેટ પડવાથી બે વ્યક્તિઓને ગંભીર ઈજાઓ થઈ હતી.બીજી તરફ રાત્રી બજાર પાસે પણ ગેન્ટ્રી ગેટ પડ્યો હતો.જેના કારણે પણ લોકોના વાહનો દબાઈ જતાં નુકસાન થયું હતું.જ્યારે હાલમાં નિઝામપુરા થી છાણી જવાના મુખ્ય માર્ગ પર જે ગેન્ટ્રીગેટ બનાવ્યો છે.પરંતુ આમાં ભ્રષ્ટાચાર કરાયો હોવાનું ચોક્કસ લાગી રહ્યું છે.

પાલિકા તરફથી રવિ કોમ્યુનિકેશનના સંચાલકોને નોટિસ આપવામાં આવી હતી અને રોડ વિભાગે રવિ કોમ્યુનિકેશન સાથે કરાયેલો કોન્ટ્રાક્ટ રદ કરવા અને બ્લેક લિસ્ટ કરવા નિર્ણય લેવા સ્થાયી સમિતિમાં દરખાસ્ત કરી હતી.પરંતુ હાલમાં પણ છાણીથી નિઝામપુરા તરફ જતા મુખ્ય માર્ગ પર આ ગેન્ટ્રીગેટની દુર્દશા પાલિકાના અધિકારીઓ અને કોન્ટ્રાકટરની મિલીભગત હોવાનું સ્પષ્ટ જણાવી રહી છે.

Most Popular

To Top